Comments

ગરીબોનું સાંભળ એ તારું સાંભળશે, ગરીબો માટે બનાવો એ મહાન બનાવશે

અમેરિકાના પ્રમુખ તરીકે દેશની અને નાગરિકોની રાષ્ટ્રીય અને આર્થિક સલામતી જાળવવાની તેની સર્વોચ્ચ ફરજ છે. જેથી તેઓ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરે છે. જો અમેરિકા તેના નાગરિકો અને માતૃભૂમિ તેમજ તેના સાથીઓ અને ભાગીદારોનું રક્ષણ કરવા માટે અસરકારક સુરક્ષા જાળવવા માંગે છે તો આયાત પર અયોગ્ય નિર્ભરતા વિના લોકલ ઉત્પાદન (સ્થાનિક ઉત્પાદન) જરૂરી છે. ઉત્પાદન બહાર જવાને કારણે અમેરિકાએ 1997 થી 2017 સુધીમાં પાંચ કરોડ સ્થાનિક નોકરીઓ ગુમાવી છે. અમેરીકન મલ્ટીનેશનલ કંપનીઓનું ચીનમાં સંશોધન ક્ષેત્રે મૂડી રોકાણ 13.8 ટકાના દરે વધે છે. જ્યારે અમેરિકામાં માત્ર પાંચ ટકાના દરે વધે છે. છેલ્લાં પાંચ વર્ષમાં અમેરિકાની વેપાર ખાદ્ય 40 ટકા વધી છે. દુનિયામાં સૌથી મોટો લેણદાર આજે ચીન છે. દુનિયામાં સૌથી વધુ દેવું અમેરિકાનું છે. અલબત ફોરેક્સ રીઝર્વને કારણે ક્રેડીટ રેટીંગ ‘AA-1’ આવે છે.

ગરીબોનું સાંભળ એ તારું સાંભળશે. ગરીબો માટે બનાવ એ મહાન બનાવશે. બીજા- ત્રીજા વિશ્વના દેશોમાં અમેરીકન બ્રાન્ડ કાં તો કોર્પોરેટ, વેપારી, ભ્રષ્ટ રાજકારણી કે અધિકારી જ વાપરી શકે. બ્રાન્ડની હજારોની ટીશર્ટ ધારાવીમાં રહેનારને ન પોષાય. અમેરિકાને હતું કે પોતાના શસ્ત્રોના સોદાગરો તથા બૌધિક સંપદાથી થનારા ઉત્પાદનો તેમનું અર્થતંત્ર મજબૂત રાખી શકશે. પરંતુ દુનિયામાં અમીરો કરતાં ગરીબો વધુ છે, જેથી ગરીબો માટે ઉત્પાદન કરનાર ચીન અદભુત રીતે ફાવી ગયું. ઉત્પાદન સાથે સ્થાનિક રોજગારી એવી વધી કે હજારો લામાઓ ભારતમાંથી ચીનમાં પરત ફર્યા છે. છેલ્લા દસ વર્ષમાં ઘણા બધા ચીની મૂળના વૈજ્ઞાનિકોને ચીને અમેરિકામાંથી પાછા બોલાવી લીધા છે જેથી ચીન આજે 10G ના પ્રયોગો કરવા લાગ્યું છે.

થોડા વર્ષો પહેલાં ચીને તાઈવાનની સરહદ નજીક ફાયટર જેટ ઉડાવ્યા અને અખબારોએ હવા ઉડાવી કે ચીન તાઈવાનનો કબજો કરશે. મેં લખ્યું હતું કે અમેરિકાની તાઈવાન સાથેની ખાદ્ય ૪૦ બિલીયન ડોલર છે એટલે જો બાઈડન અને જીનપીંગ તાઈવાનને અમેરિકાના શસ્ત્રો પધરાવવા શેડો બોક્સીંગ કરી રહ્યા છે. ચીને ભારત સાથે 2020ના કોરોના કાળમાં ગલવાન આમ કર્યું હતું. ને ભારતે ટ્રમ્પ સાથે 3.6 બિલીયન ડોલરનો શસ્ત્ર કરાર કરવો પડ્યો હતો. બદલામાં ચીનને 2.5 બિલિયન ડોલરનો વેક્સિન કરાર મળ્યો હતો!

હવે અમેરિકામાં માત્ર શસ્ત્રોથી નોકરીઓ પેદા ન થઈ શકે. અમેરિકામાં જ ઉત્પાદન વધારવું હોય તો બહારના આયાતી ઉત્પાદનો પર ટેરીફ નાખવી પડે. જેથી સ્થાનિક ઉત્પાદન સસ્તા પડે અથવા તે અમેરિકામાંથી બહાર ગયેલી કંપનીઓ અમેરિકામાં પરત ફરે. ચીનની વધતી જતી તાકાત તે માર્કસવાદ-સામ્યવાદના વિજય અને લોકશાહીના પરાજય રૂપે પણ જોવાવાળા છે. ચીનના માળખાગત સુવિધાઓ, સસ્તી વીજળી, આસાનીથી મળતા કુશળ કારીગરો, પોતાની આધુનિક ટેકનોલોજી અને ટેકનોલોજીના વિકાસ અને સસ્તી મજુરી, વ્યાપાર અંગેના કાયદાઓનું ચુસ્ત પાલન અને નાણાંકીય સલામતીને કારણે અનેક મોટા દેશોએ કે તેમના વ્યાપારીઓએ તેમના ઉત્પાદન એકમો ચીનમાં નાખ્યા છે.

ડબલ્યુ.ટી.ઓ.ની જોગવાઈને કારણે આયાતી માલ અને સ્વદેશી માલ પ્રત્યે સમાન રાજકીય વર્તણુંક રાખવાની જોગવાઈને કારણે ચીનમાં બનેલી વસ્તુ સ્વદેશમાં બનાવેલ વસ્તુ કરતાં મોંઘી પડે એટલે સ્થાનિક કારખાના બંધ થાય અને આયાતી ઉત્પાદનનું વેચાણ થાય. જેને કારણે સ્થાનિક રોજગારી અને કારખાના પર પણ અસર પડે છે અને વેપારીઓએ કારખાના બંધ કરી આયાત-નિકાસના દલાલ બની જવું પડે. ચીન વિદેશી ટેકનોલોજી ખરીદી શકે છે, અમેરિકાની આઈ.બી.એમ. કંપની ખરીદી લીનોવો નામ આપ્યુ. ચીનની સરકારી કંપનીઓ બીજા-ત્રીજા વિશ્વના દેશોના કોન્ટ્રાકટરો કરતાં સસ્તા ભાવે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે.

ભારત રૂપિયાનું અવમૂલન કરીને અમેરિકા સાથે વ્યાપાર વધારવાની સ્થિતિમાં નથી. આર્થિક કટોકટીનો ઉપયોગ કરવાની સ્થિતિમાં નથી. મજુરોનું પહેલેથી જ પૂરતુ શોષણ થયેલ હોય, મજુરી સસ્તી કરવાની સ્થિતિમાં નથી. એટોમીક પાવર પ્લાન્ટ નાખવામાં આવે તો વિજળી સસ્તી થઈ શકે પરંતુ કોલસાના દલાલો એમ કરવા નહી દે.
છેવટે ભારતે સ્વદેશી અને સમાનતાના સિધ્ધાંત સ્વીકાર્યા વિના છૂટકો નથી. ભારતના લોકોએ ઉપભોગતાવાદનો ત્યાગ કરવો પડશે અને રાજયએ કુટુંબનો વિસ્તાર છે એ સિધ્ધાંત પર ચાલવુ પડશે. પૈસા વધે એટલે પોતાનો વિસ્તાર છોડવાની જરૂર નથી. જે વૈભવી વિસ્તાર છે તે ભારત છે અને પછાત કે મધ્યમ વર્ગ વિસ્તાર છે તે પણ ભારત છે. ઉપભોગતાવાદી મૂડીવાદના સ્વીકાર પહેલા અમીરો અને ગરીબો અને મધ્યમવર્ગના એક વિસ્તારમાં કે મહોલ્લામાં રહી શકતા એ પરિસ્થિતિ પાછી લાવવી પડશે.

ટ્રમ્પ વેપારી છે. રાષ્ટ્રપ્રમુખ પણ છે. કંપનીને ખોટ જાય કે આવક જાવક વચ્ચે મેળ ન ખાય તો કંપની સમેટી લઈ શકાય, પરંતુ એક સાર્વભૌમ રાષ્ટ્રની ખાધ વધતી જાય.સંશોધનો બહાર જાય, બુદ્ધિધન બહાર જાય, સ્થાનિક ઉત્પાદનો કરતા આયાતી માલનું મહત્વ વધી જાય. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ઉદ્યોગપતિઓને અમેરિકામાં ફરી લાવવાની યોજના બનાવે છે. ટેરીફ નાખ્યા વિના આ શકય નથી તથા સ્થાનિક ઉત્પાદનોને પણ કર રાહત આપ્યા વિના આ શક્ય નથી. ટ્રમ્પ અમેરિકા માટે આર્થિક કટોકટીની સત્તા વાપરી વિશ્વ વ્યાપાર સંગઠનની એસીતેસી કરી શકે તો ભારત પણ પોતાનું આર્થિક સાર્વભૌમત્વ જાળવી રાખવા બંધારણીય પગલાં લઈ શકે છે.

જે ચીજ ભારતમાં ઉત્પાદન થતી હોય કે થઈ શકે તેવી હોય તેવા ઉત્પાદનો તથા લક્ઝરી વૈભવી ઉત્પાદનો ઉપર તો ટેરીફ નાખી શકે છે. સ્થાનિક ઉત્પાદનો નાગરિકો ખરીદી શકે તે માટે તેના ઉપર ટેક્સ ઘટાડી શકે છે. ભારતના ઉત્પાદન પર ટ્રમ્પના વધારાના 25% આયાત કર બાબતે અનુમાન કરી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગીનું કારણ અલગ છે, જેને આર્થિક બાબતો સાથે કોઈ લેવા દેવા નથી. ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિનો નોબેલ ઇનામ જોઈએ છે અને એમ કહેવડાવવા માંગે છે કે ઓપરેશન સિંદૂર ટ્રમ્પના કહેવાથી બંધ રખાયું.

એવું લાગે છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વહીવટમાં ભારતીય-અમેરિકનોની સલાહ મુજબ વિદેશી ઉત્પાદનો પર વધારાના ટેરિફ માટે ગણેશ ચતુર્થીનો દિવસ (27 ઓગસ્ટ, 2025) જાણી જોઈને પસંદ કર્યો છે. ભારતમાં દેવતા ગણેશને ‘વિઘ્નહર્તા’ ઓળખવામાં આવે છે. ટ્રમ્પે આપણી માન્યતાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતનાં લોકોએ ટ્રમ્પના પડકારને સ્વીકારવો જોઈએ અને ભારતને ફરીથી મહાન બનાવવું જોઈએ!
કુમારેશ ત્રિવેદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top