Gujarat

કાન ખોલીને નહીં, દિલ ખોલીને બધાને સાંભળો

ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સના સમાપન સમારંભમાં કહયું હતું કે સીનીયર પોલીસ અધિકારીઓએ પોતોના જિલ્લામાં નાના કોન્સ્ટેબલને કે નાના માણસને પણ કાન ખોલી નહીં , દિલ ખોલીને બધાને સાંભળો તે જરૂરી છે.

સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યના છેવાડાના નાના અને ગરીબો, મહિલાઓ- માતાઓ, વૃદ્ધો તેમજ અટવાયેલા સૌ નાગરિકોનો આપ એટલે કે ગુજરાત પોલીસ જ આધાર છે,આ તેમનો વિશ્વાસ તૂટવો જોઈએ નહીં. તેમની કોઈપણ ફરિયાદને તમે ગંભીરતાથી સાંભળશો તો તેની ઉપર જલ્દી અસરકારક કામ થશે. નાગરિકોને સરળતાથી મળવાથી પણ તેમની ઘણી સમસ્યાઓનો હલ આવતો હોય છે. હાલ કરતાં પણ વધુ સક્રિય રીતે સામાન્ય નાગરિકને સરળતાથી મળવાનું રાખશો તો નીચેની માહિતી પણ તમને ખૂબ ઝડપી અને સચોટ રીતે મળતી થશે જે તમને કાયદો અને વ્યવસ્થા માટે મદદરૂપ થશે. જ્યારે જિલ્લા અને શહેરના પોલીસ વડા તરીકે તમે બેઠક કરતા હોય ત્યારે છેક નીચેના કર્મચારી પણ તમને દિલથી સાચું છે તે કહેવાની હિંમત કરે ત્યારે જ એકબીજા વચ્ચે આત્મીયતા જળવાશે અને પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવશે. આપણે કર્મચારીને તેની રેન્કના આધારે નહીં પણ તેના અનુભવના આધારે મૂલવવો જોઈએ. તેમની સારી આવડત – સ્કીલને હંમેશા બિરદાવી જોઈએ. ટીમ લીડર તરીકે આપણે હંમેશા તમામ કર્મચારીની સાથે રહેવું જોઈએ તો જ તેને કામ કરવાનો આનંદ- જુસ્સો આવશે.

બે દિવસની સફળ ક્રાઇમ કોન્ફરન્સ માટે સૌ પોલીસ અધિકારીઓને અભિનંદન આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે. ગુજરાતના યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દુષણથી સુરક્ષિત કરવા માટેનો આ જંગ છે. આપણી ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં કોઈપણ બાંધછોડ કરવાની નથી.ગુજરાત પોલીસ આ ડ્રગ્સ સામેના જંગમાં સખ્તાઈ -કડકાઈથી કામ લઈ રહી છે તે માટે પોલીસ અધિકારીથી પોલીસ કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મયોગીને ખૂબ ખૂબ અભિનંદન.

તેમણે કહ્યું હતું કે, આ બે દિવસની કોન્ફરન્સમાં જિલ્લાના એસપી અને પોલીસ કમિશનરે જે સંશોધનાત્મક પ્રેઝન્ટેશન રજૂ કર્યા છે તેમાં ખૂબ સારા નવા વિષયો સાંકળી લઈને સંસ્થાકીય પ્રયાસો કરવામાં આવ્યા છે,આ ટીમ વર્ક દ્વારા જ શક્ય બને છે. આ પ્રયાસો આગામી સમયમાં અન્ય જિલ્લા અને શહેરોના નાગરિકોના હિતમાં ખૂબ મદદરૂપ થશે. આમાં નવીન ટેકનોલોજી અને નવીન અભિગમ દર્શાવવામાં આવ્યો છે તે આગામી સમયમાં પોલીસ તંત્રને નવી દિશા આપશે.આ બે દિવસના વિવિધ સત્રમાં થયેલી ચર્ચા અને નવા સૂચનોનો આગામી સમયમાં અમલ કરવામાં આવશે.

સંઘવીએ અમદાવાદ અને સુરત પોલીસ કમિશનરને ડ્રગ્સ સામેની સારી કામગીરી કરવા બદલ અભિનંદન આપતાં કહ્યું હતું કે, તાજેતરમાં સુરતમાં હાઇબ્રીડ ગાંજો પકડીને પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વર્ષ ૨૦૨૨ કરતાં ડ્રગ્સ સામેના કેસમાં મોટો વધારો આવ્યો છે જે આપણા સૌની સારી કામગીરી દર્શાવે છે. ડ્રગ્સ માફિયા સામે માનવતાની રીતે નહીં પણ કડકાઇથી કામ લેવાનું ચાલુ રાખવાનું છે. ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસ સતત કાર્યવાહી કરી રહે છે તે બદલ ડે સીએમએ સૌને અભિનંદન આપીને બિરદાવ્યા હતા.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સમાપન સમારોહમાં કહ્યું હતું કે, આ ઐતિહાસિક બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ ગુજરાત પોલીસમાં ખૂબ મોટો વધુ હકારાત્મક બદલાવ લાવશે. કોન્ફરન્સમાં વિવિધ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાએ પોતાના એકમમાં અમલી બેસ્ટ પ્રેક્ટિસીસના પ્રેઝન્ટેશન રજૂ કરી રાજ્યની સુરક્ષા અને સલામતી માટે નવી દિશા આપી છે. આ બેસ્ટ પ્રેક્ટિસીસમાં સંવાદની સાથે કાયદો અને વ્યવસ્થા, ક્રાઈમ, ટેકનોલોજી, વેલફેર તેમજ વહીવટી સહિત તમામ સર્વગ્રાહી વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આમાં તમામ સારી બાબતોનો પોતાના એકમ અને જિલ્લામાં અમલ કરવા વિકાસ સહાયે સૌ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ગુજરાત પોલીસમાં વર્ષ ૨૦૨૨,૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન વિશેષ કામગીરી બદલ રાજ્યના કુલ ૩૬ ઉચ્ચ પોલીસ અધિકારીઓની પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’ માટે પસંદગી કરવામાં આવી છે. જેના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ગાંધીનગર ખાતે ઉપસ્થિત કુલ ૩૧ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પદક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૨,૨૦૨૩ અને ૨૦૨૪માં કુલ ૧૮માંથી ઉપસ્થિત ૧૫ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ‘યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલેન્સ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૩ માટે કુલ ૧૮ માંથી ૧૬ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ‘યુનિયન હોમ મિનિસ્ટર્સ સ્પેશીયલ ઓપરેશન એવોર્ડ’ એનાયત કરાયા હતા. આ ઉપરાંત એક મહિલા પોલીસ અધિકારીને ‘જીવન રક્ષા પદક-૨૦૨૪’ આપીને સન્માનિત કરાયા હતા જે સમગ્ર પોલીસ પરિવાર માટે સન્માનનીય ક્ષણ છે.

Most Popular

To Top