SURAT

સુરતમાં બે જગ્યાએથી આવી રહ્યો હતો દારૂ, કામરેજ અને કડોદરાથી 10 લાખનો દારૂ ઝડપાયો

કામરેજ: લાડવી કેનાલ રોડ પર કામરીના આધારે સુરત શહેરમાં મહિન્દ્ર પીકઅપમાં લઈ જવાતા વિદેશી દારૂ તેમજ બીયરની કુલ બોટલ નંગ 4176 કિંમત રૂ.5,12,200ના જથ્થા સાથે ડ્રાઈવર સહિત બે ઈસમ પકડાયા હતાં. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ઉંભેળથી લાડવી થઈને મહિન્દ્ર બોલેરો પીકઅપ નંબર જીજે 05 બીયુ 9879માં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત શહેરમાં જઈ રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસ વોચમાં હતી. દરમિયાન લાડવી ગામની હદમાં લાડવીથી સુરત કેનાલ રોડ પર મહિન્દ્ર પીકઅપને આંતરીને તપાસ કરતાં પાછળના ભાગે પડદા બાંધી વિદેશી દારૂ તેમજ બિયરની કુલ્લે બોટલ નંગ 4176 કિંમત રૂ.5,12,200નો જથ્થો મળી આવ્યો હતો.

બોલેરો પીકઅપના ડ્રાઈવર સિધ્ધનાથ ઉર્ફે નાગેન્દ્ર બેનીપ્રસાદ યાદવ (ઉ.વ.36,હાલ રહે.,ગોકુલધામ વિલા,તાતીથૈયા,તા.પલસાણા,મુળ રહે.,બરાપુર,જિ.પ્રતાપગઢ,ઉત્તરપ્રદેશ) અને સોનુ અંચલ પ્રસાદ (ઉ.વ.34,હાલ રહે.,શ્રીરામ કોમ્પલેક્ષ,ઉંભેળ,મુળ રહે.,કલાની,જિ.ઉનાવા,ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી પુછપરછ કરતા દમણથી દારૂ ભરીને આપી જનાર ગગન તેમજ જથ્થો મંગાવનાર વિજય પરમાર (રહે.કતારગામ)ને વોન્ટેડ જાહેર કરી પીકઅપ તેમજ દારૂ સહિત કુલ્લે રૂ.7,28,800નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે.

કડોદરામાં 4.83 લાખનો દારૂ ભરેલી બોલેરો પિકઅપ ઝડપાઈ
પલસાણા: કડોદરા પોલીસે પ્લાસ્ટિકના કેરેટની આડમાં દારૂ ભરીને જતી પીકઅપ ઝડપી પાડી તેમાંથી 4.83 લાખના વિદેશી દારૂ સહિત કુલ 73.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ ગુનામાં પીકઅપના ચાલકની અટક કરી છે. કડોદરા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલી તરફથી આવતી એક સફેદ રંગની મહેંદ્ર કંપનીની બોલેરો પીકઅપ નંબર એમએચ 17 બીવાય 4769માં કેરેટની આડમાં દરની હેરાફેરી થઈ રહી છે અને આ દારૂ કડોદરા થઈ કામરેજ તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે કડોદરા નજીક સેજલ હોસ્પિટલની સામે વોચ ગોઠવી હતી.

બાતમી મુજબની પીકઅપ આવતા જ પોલીસે તેને રોકી તલાશી લીધી હતી. પીકઅપમાંથી 3720 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 4.83 લાખ, એક મોબાઇલ ફોન કિંમત રૂ. 500, રોકડા રૂ. 2850, બોલેરો પીકઅપ કિંમત રૂ. 3 લાખ, પ્લાસ્ટિકના કેરેટ નંગ 25 કિંમત રૂ. 1150 મળી કુલ 787500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ચાલક દેવીલાલ મંગીરામ રૂપાજી રેગર (ઉ.વ.24, રહે દેવગઢ, જી. રાજસમંદ,રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે જથ્થો ભરી આપનાર પપ્પુ મારવાડી (રહે ગોદાદરા, સુરત) અને મગાવનાર પરમેશ્વર ઉર્ફ સાધુ (રહે સુરત)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top