સુરતઃ સ્ટેટ મોનીટરીંગ સેલે વધુ એક વખત હજીરાથી રો રો ફેરીમાં આઇસરમાં બોઈલરની આડમાં જતો દારૂની હેરાફેરી કરવાનો ભાંડો ફોડ્યો છે. રો રો ફેરીમાં આઇસર ગાડી મારફતે ઇંગ્લીશ દારૂનો માલ લઈ જાય તે પહેલાં પોલીસ ત્રાટકી અને 19.20 લાખના દારૂના જથ્થા સાથે બેને પકડી પાડ્યા હતા.
સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે એક આઈસર ગાડીમાં બોઈલર લાવવાની આડમાં દમણથી દારૂનો જથ્થો ભરાવી વાયા સુરત હજીરા લઈ જઈ ત્યાંથી રો રો ફેરી બોટ મારફતે ભાવનગર લઈ જઈ વેરાવળ દારૂનો જથ્થો મોકલાઈ રહ્યો છે. જે બાતમી આઘારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ હજીરા રો રો ફેરીના પાર્કિગમાં ગોઠવાઈ ગઈ હતી. પાર્કિગમાં બાતમીવાળી આઇસર ગાડી આવતાં જ પોલીસ ત્રાટકી હતી.
પોલીસે પહેલાં તો ગાડીમાં પ્રાથમિક તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો ન હતો. બાદમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં 19.20 લાખનો 1920 નંગ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે ડ્રાઈવર હુસેન મેહબૂબ નડાફ અને આઇસર ગાડીના માલિક હીરાલાલ બાસા નડાફ (બન્ને રહે. બંકલાઈ ગામ, અહેરવાડી, સોલાપુર, મહારાષ્ટ્ર)ને પકડી પાડયા હતા. પોલીસે જથ્થો ભરાવનાર વીરારનાં અને જથ્થો મંગાવનાર વેરાવળનાં ઇસમોની તપાસ હાથ ધરી છે.
પોલીસે 19.20 લાખનો દારૂનો જથ્થો 1.60 લાખનું સ્ટીમ બોઈલર રોકડ 18 હજાર અને આઇસર ગાડી સહિત 36.08 લાખની મત્તા કબજે લીધી છે.
રો રો ફેરીમાં જતો દારૂ ફરી પકડાતા ચેકિંગ સામે પ્રશ્નાર્થ
પોલીસ તપાસમાં હજીરા રો રો ફેરીમાં દારૂના પકડાયેલા આરોપીઓ અગાઉ 3 ખેપ મારી ચૂક્યા છે. દમણના દારૂનું વાયા સુરત રો રો ફેરીમાં સોમનાથ જિલ્લામાં પહોંચાડવાનો નવો નુસખો સામે આવ્યો છે. પોલીસ તો પોલીસ પણ રો રો ફેરીના તંત્રની આંખમાં ધૂળ નાખી ખેપ મારવાના ચાલતા આ વેપલાને લઈ રો રો ફેરીનાં ચેકિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. ગત 8 જાન્યુઆરીના રોજ પણ આવી જ એમોથી ચેકિંગ વિના દારૂ સૌરાષ્ટ્ર લઈ જવાઈ રહ્યો હતો અને સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી હતી.
આઇસર ગાડીમાં બોઈલરમાં દારૂ છૂપાવી લઈ જવાતો હતો
પોલીસે બાતમીના આધારે પકડેલી ગાડી ચાલકની પૂછપરછ કરતાં પ્રથમ તેણે બોઈલર લઈ જતાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે એક કલાક આખી ગાડી ચકાસણી કરી પણ દારૂ મળ્યો ન હતો. પોલીસે બાદમાં બોઈલર મશીનનું આખું થર્મોકોલવાળું પેકિંગ તોડી બોઈલરમાં શોધખોળ શરૂ કરી હતી. બોઈલરમાં પણ એક આવરણ બનાવી અંદર ઇંગ્લીશ દારૂનો જથ્થો મૂક્યો હતો જે આખરે પોલીસની ઘણી જહેમદ બાદ તેમના હાથે લાગ્યો હતો.
