SURAT

સુરતીઓ માટે દારૂ મોંઘો થશે, પરમીટના ભાવમાં અધધ વધારો

સુરતઃ સુરતીઓ ખાવા પીવાના શોખીન છે. દારૂ પીવા માટે સુરતીઓ દમણ સુધી જતા હોય છે, જ્યારે અનેક સુરતીઓ ઘરે બેઠાં દારૂ પીવા માટે પરમીટ કઢાવતા હોય છે, પરંતુ હવે પરમીટનો દારૂ પીવો સુરતીઓને મોંઘો પડશે, કારણ કે પરમીટના ભાવમાં અધધ વધારો કરાયો છે.

ગુજરાતમાં દારૂ બંધી છે. તેમ છતાં મેડિકલ કારણોસર પરમીટ ઈશ્યુ કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ બાદ સૌથી વધુ પરમીટ સુરતીઓ ધરાવે છે. જોકે હવે સુરતીઓને પરમિટનો દારુ મોંઘો પડશે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવી અને જૂની પરમીટ રિન્યૂ કરવાના ભાવમાં અધધ વધારો ઝીંકાયો છે. નવી પરમિટના ભાવમાં 15,000 નો વધારો કરાયો છે. જ્યારે પરમીટ રીન્યુ કરવામાં પણ 15,000નો વધારો કરવામાં આવ્યો છે.

ગયા મહિને મળેલી સંકલનની બેઠકમાં પરમીટના ભાવ વધારવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય બાદ નવી લિકર પરમીટના જે 10000નો ભાવ હતો તે વધારીને 25000 કરી દેવાયા છે, જ્યારે પરમીટ રિન્યૂ કરવાનો જૂનો ભાવ 5000 હતો તે વધારીને 20000 કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં લિકર પરમીટના પરવાનો મેળવવામાં તોતિંગ વધારો ભારે પડશે. ભાવ વધારાની આ રકમ નવી સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જમા કરવામાં આવતી હોય છે.

પરમીટ ધારકોની સંખ્યામાં વધારો
નાર્કોટિક્સ વિરોધી દળની માહિતી મુજબ નિયમ 64 હેઠળ આરોગ્ય પરમીટ ધારકોની કુલ સંખ્યા એટલે કે સ્વાસ્થ્ય કારણસર દારૂ પીવા માટેની પરવાનગી જાન્યુઆરી 2021 વર્ષમાં 31510 લોકો પાસે હતી. જે જાન્યુઆરી 2022માં વધીને 38970 થઇ હતી. જાન્યુઆરી 2023માં આરોગ્ય પરમીટધારકની સંખ્યા 41953 પર પહોંચી હતી. હવે જાન્યુઆરી 2024 વર્ષમાં આ આંકડો 44002 પર પહોંચ્યો છે.

Most Popular

To Top