ભરૂચ: ભરૂચ LCB પોલીસે ગેસ ટેન્કરની આડમાં લઇ જવાતો રૂ. ૬૪ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લામાં હોળી-ધૂળેટીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં થાય એ ઉદ્દેશથી પ્રોહીબીશનના ગોરખધંધા ઉપર સતત વોચ ગોઠવી દેતા પાલેજ પાસે મસમોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે.
- રાજસ્થાનના ગેસ ટેન્કરમાં ગોવાથી ગોધરા ગેરકાયદે લાવતો દારૂ ઝડપાતા પર્દાફાશ!
- પોલીસે વિદેશી દારૂ,ગેસ ટેન્કર,મોબાઈલ અને રોકડા મળીને કુલ રૂ.૭૫,૮૭,૨૬૦/- મુદ્દામાલ કબજે
- પોલીસે પોકેટકોપ મોબાઈલથી સર્ચ કરતા ટેન્કર નંબર ખોટો બતાવ્યો
ભરૂચ LCB પોલીસે ગેરકાયદે દારૂના ધંધો શોધી કાઢવા માટે કમર કસી છે. એ દરમ્યાન તા ૬મી માર્ચના રોજ ભરૂચ LCB પોલીસના PSI પી.એમ.વાળા તેમજ પોલીસ ટીમ નેશનલ હાઇવે-૪૮ ઉપર પેટ્રોલિંગ દરમ્યાન એવી બાતમી મળી કે એક ગેસ ટેન્કરમાં ગેસ ભરવાની ટેન્કમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરતથી વડોદરા તરફ જાય છે. બાતમીના આધારે હાઈવે પર સીટી પોઈન્ટ હોટલ સામે વોચ ગોઠવીને ગેસ ટેન્કર નં-RJ-૦૬,GD-૧૯૨૩ને ઝડપી પાડ્યો હતો.
ટેન્કર ચાલક આરોપી ધર્મેશ પુરસોત્તમ ચોબીસા રહે-સુરખંડ ખેડા,જી-ઉદયપુર (રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. ટેન્ક પાછળનો વાલ્વ ખોલતા ગેસની જગ્યાએ વિદેશી દારૂના બોક્સ ભરેલા જોવા મળ્યું હતું. જેમાં સઘન તપાસ કરતા ગેરકાયદે દારૂનો જથ્થો ગોવાથી ગોધરા પહોચાડવાનો હતો. પોલીસે ટેન્કમાંથી વિદેશી દારૂના કુલ બોક્સ નંગ-૧૩૫૦માં બોટલ નંગ-૬૪,૮૦૦ કિંમત રૂ.૬૪,૮૦,૦૦૦/-,ટેન્કર રૂ.૧૧ લાખ,આરોપીની અંગઝડતીમાંથી રોકડા રૂ.૧૭૫૦/-,આરોપીની મોબાઈલ નંગ-૨ કિંમત રૂ.૫૫૦૦/- મળીને કુલ રૂ.૭૫,૮૭,૨૬૦/- મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે વિક્રમસિંગ રાઠોડ (રહે-રાજસ્થાન) અને દેવીલાલ ટીલારામ (રહે-રાકેશ પટવારી રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય એ છે કે ભરૂચ LCB પોલીસે રેડ દરમ્યાન ટેન્કરનો દેખાતો નંબર RJ-૦૬,CD-૧૯૨૩ પોકેટકોપ મોબાઈલમાં સર્ચ કરતા ખોટો બતાવતા ઝડપાયેલા ટેન્કર ચાલકે સઘન પૂછપરછ કરતા નંબર પ્લેટમાં કાળા ચીકણા પદાર્થની C જગ્યાએ G કરી સુધારેલો જણાતા ઓરીજનલ નંબર RJ-૦૬ GD-૧૯૨૩ નીકળ્યો હતો.પાલેજ પોલીસમાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી ભરૂચ તાલુકા પોલીસના PI વી.કે.ભૂતિયા ચલાવી રહ્યા છે.
એકાદ વર્ષ પહેલા દારૂની ટ્રીપ મારતો વોન્ટેડ વિક્રમસિંગ રાઠોડે વોટ્સએપ કોલ પર દારૂની ટ્રીપ મારવા પકડાયેલા ચાલકને કહેતા ભેરવાઈ ગયો. ઝડપાયેલા ચાલકે એવો પોલસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો છે કે એક વર્ષ અગાઉ વોન્ટેડ આરોપી વિક્રમસિંગ રાઠોડ દારૂની ટ્રીપ મારતો હોવાથી તેના વોટ્સએપ પરથી ફોન કરીને એવું જણાવ્યું હતું કે મારો ડ્રાઈવર રજા ઉપર જવાનો છે. જેથી તું દારૂની ટ્રીપ મારવા આવી જવાનું જણાવતા આખરે હા પાડતા પાલેજમાં ભેરવાઈ ગયો હતો.