Gujarat

ગીફટ સિટી બાદ સુરતના ડાયમંડ બુર્સની સાથે ધોલેરા સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દારૂબંધીની છૂટછાટની શક્યતા

ગાંધીનગર: રાજય સરકાર આગામી નજીકના દિવસોમાં ગીફટ સિટી બાદ સુરતના ડાયમંડ બુર્સ તથા અમદાવાદ જિલ્લામાં ધોલેરા સરના વિસ્તારમાં પણ દારૂબંધીના નિયમો હળવા કરે તેવી સંભાવના છે. નજીકના દિવસોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ મળી દારૂની છૂટછાટ અમલી બની શકે છે. અહીં પણ સરકાર તબક્કાવાર દારૂ પીવાની છૂટના નિયમો હળવા કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં દેશવિદેશથી આવતા પ્રવાસીઓને આકર્ષવા આ છૂટછાટ જરૂરી હોવાનો તર્ક પણ આપવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓને આકર્ષવા અને પ્રવાસનને વેગ આપવા નિયમો હળવા થઈ શકે છે. અલબત્ત કોઈ સત્તાવાર નિર્ણય હજુ સુધી લેવાયો નથી.

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પછી, રાજ્ય સરકાર ડ્રીમ (ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ) સિટી માટે પ્રતિબંધના કાયદાને સરળ બનાવવાનું આયોજન સરકાર કરી રહી છે, રાજય સરકાર દ્વારા આ દરખાસ્ત મંજૂર થયા બાદ ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. જો બધુ યોજના મુજબ ચાલે તો બે મહિનામાં જાહેરાત થઈ શકે છે. ૩૫.૫૪ એકરમાં ફેલાયેલો સુરત ડાયમંડ બુર્સ ગુજરાતનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગત વર્ષે કરાયેલાં ઉદઘાટન બાદ પણ આ પ્રોજેક્ટને હીરા ઉદ્યોગકારો તરફથી ઝાઝો પ્રતિસાદ સાંપડયો નથી. કુલ ૪૫૦૦ ઓફિસો હોવા છતાંય ડાયમંડ બુર્સ વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવાની ગુજરાતની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરી શક્યો નથી. ડાયમંડ બુર્સ જેમાં 4,500થી વધુ ઓફિસો છે, તે 2,000 એકરમાં ફેલાયેલા ડ્રીમ સિટીનો એક ભાગ છે, જેનો હેતુ હીરાના વેપાર અને સંબંધિત વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનો છે. સુરત ડાયમંડ બુર્સના પદાધિકારીઓએ પણ રાજય સરકાર સમક્ષ દારૂબંધીના નિયમો હળવા કરવાની રજૂઆત કરી હતી.

ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન સિંગાપોર જેવા દેશના વિકસીત વિસ્તાર કરતાં પણ મોટું હશે
ગીફટ સિટી બાદ સુરતનું ડાયમંડ બુર્સ ઉપરાંત રાજય સરકાર ધોલેરા સરમાં પણ દારૂના બંધીના નિયમો હળવા કરવાનું વિચારી રહી છે. વડાપ્રધાન દ્વારા દેશમાં ૧૦૦ સ્માર્ટ શહેરોના વિકાસ માટેની કેન્દ્ર સરકારની યોજનામાં ગુજરાતના ધોલેરા સર અને ગિફ્ટ સિટીનો પણ સમાવેશ કર્યો છે. આ સાથે જ ધોલેરાને ઔદ્યોગિક સિટી તરીકે વિકસીત કરવાની સાથે ગ્રીન ફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવવા પણ સરકાર કાર્યરત છે. ૯૨૦ ચોરસ કિ.મી વિસ્તારમાં વિકસી રહેલા ધોલેરા સ્પે ઈન્વેસ્ટમેન્ટ રિજીયન (SIR) સૌથી મોટું ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન અને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ દ્વારા પ્લેટિનમ રેટિંગ મેળવનાર ભારતનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી બનશે. ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન સિંગાપોર જેવા દેશના વિકસીત વિસ્તાર કરતાં પણ મોટું હશે. ધોલેરા સર એરોસ્પેસ, ડિફેન્સ, એન્જિનિયરિંગ, ઓટો પાર્ટસ, ફાર્માસ્યુટિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના ઉદ્યોગો માટે બેસ્ટ પોટેન્શિયલ ધરાવે છે. તદ્ઉપરાંત 1000 એકર વિસ્તારમાં અહીં ગ્લોબલ એજ્યુકેશન પુરૂં પાડતો સ્પેશિયલ એજ્યુકેશન રિજીયન પણ આકાર પામવાનો છે. તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની કામગીરી પણ કાર્યરત છે.

Most Popular

To Top