Comments

ગુજરાતમાં દારૂબંધી મજાક બની ગઈ છે!

ગુજરાતના બોટાદમાં લઠ્ઠા કાંડ બન્યો અને એમાં ૪૨ લોકોનાં મૃત્યુ થયાં ત્યારે બોટાદ પાસેના ગામ રોજીદનાં ગૌરી પરમારે એક અખબારી મુલાકાતમાં કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી મજાક છે. પીએ છે તો બધા પણ મોત માત્ર ગરીબોનાં થાય છે. આ ગૌરીબેનના પરિવારના સભ્યો પણ લઠ્ઠાકાંડમાં ભોગ બન્યાં હતાં. ગુજરાતમાં આવા લઠ્ઠાકાંડની ઘટના અનેક વાર બની છે. ૨૦૦૯માં અમદાવાદ જિલ્લાની એક ઘટનામાં ૧૫૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. વડોદરા, રાજકોટ, સુત્રાપાડા, ભાવનગર જિલ્લામાં આવી ઘટનાઓ બની રહી છે. દારૂબંધી હોવા છતાં આવી ઘટના બને એ શું દર્શાવે છે?

સરકાર દ્વારા સત્તાવાર આંકડાઓ અપાયા છે અને એ મુજબ માર્ચ ૨૦૨૩નાં પૂરાં થતાં આગલા બે વર્ષમાં રૂ, ૬.૪૧૩ કરોડનો દારૂ પકડાયો અને રૂ. ૬,૨૦૧ કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ બહુ સરળતાથી મળી જાય છે. એની હોમ ડીલીવરી કરાનારાં લોકોની સંખ્યા પણ ઓછી નથી. ગુજરાતમાં દારૂનો ગેરકાયદે ધંધો એક ઈકોનોમી છે અને એક અંદાજ મુજબ ગુજરાત સરકાર દારૂબંધીની નીતિના કારણે વર્ષે રૂ. ૧૦,૦૦૦ કરોડની આવક ગુમાવે છે. આ સ્થિતિમાં સરકારે ગાંધીનગરમાં આવેલા ગીફ્ટ સીટીમાં દારૂની છૂટ આપવાની નીતિ જાહેર કરી છે. આ સીટીમાં કામ કરતાં કર્મચારીઓ અને અધિકારીઓને દારૂની પરમિટ મળશે અને અહીં બહારથી કામે આવતાં લોકોને પણ પરમીટ મળશે. આ જાહેરાત થતાં જ પરમીટ માટે અરજીઓ મોટા પ્રમાણમાં થવા લાગી છે.

ગુજરાતની જેમ જ બિહારમાં ૨૦૧૬માં નીતીશ સરકારે દારૂબંધી કરી એની પ્રશંસા ખુદ નરેન્દ્ર મોદીએ કરી હતી. પણ ગુજરાતમાં દારૂબંધી હળવી કરાતી જાય છે. શંકરસિંહ વાઘેલા સહિતના ઘણા નેતાઓ એવું માને છે કે, દારૂબંધી દૂર કરવી જોઈએ. પણ ગીફ્ટ સીટીમાં દારૂની છૂટ આપવાનું કારણ શું એ સમજાતું નથી. દારૂની છૂટ હોય તો વેપોઆર ધંધો વધે છે એવી સમજથી આ છૂટ અપાઈ હોય તો એની સામે સવાલો થાય એ સ્વાભાવિક છે. કારણ કે, ગુજરાત તો દેશનું ગ્રોથ એન્જીન ગણાવાય છે અને એ વ્યાખ્યા તો ખુદ નરેન્દ્ર મોદીએ જ કરી છે. અત્યાર સુધી દારૂબંધી હોવા છતાં ગુજરાત જે વિકાસ કરી રહ્યું છે એ વિકાસ શું ખોટો છે? એ શું પૂરતો નથી? દારૂબંધી દૂર કરવાથી શું એ વધી જશે?

અને રાજ્ય બહારથી કે વિદેશથી આવનારાને પરમીટ અપાય જ છે. અને આમે ય રાજ્યમાં દારૂની પરમીટ પણ વધતી જાય છે. ૨૦૨૦માં ૨૭,૪૫૨ પરમીટ હતી એ ૨૦૨૩માં વધી ૪૩,૪૭૦ થઇ છે એટલે કે ત્રણ વર્ષમાં પરમીટમાં ૫૮ ટકાનો વધારો થયો છે. માત્ર ૨૦૨૩ની જ વાત કરીએ તો ૩૦ ટકાનો વધારો થયો છે. એમાં પણ અમદાવાદમાં વિશ્વ કપ ક્રિકેટનો ફાઈનલ મેચ રમાયો ત્યારે તો મોટી સંખ્યામાં પરમીટ ઇસ્યુ કરાઈ હતી.

વધતી પરમીટ અને દારૂ પકડાવાના આંકડા દર્શાવે છે કે, ગુજરાતમાં દારૂબંધી મજાક બની ગઈ છે. એનો અર્થ એ નથી કે, દારૂબંધી દૂર થવી જોઈએ. દારૂબંધી હોવા છતાં આટલો દારૂ પીવાય છે તો દારૂબંધી દૂર થાય તો શું પરિણામ આવશે? એની સામાજિક – આર્થિક સમસ્યા છે. સાચો રસ્તો એ છે કે, દારૂબંધીનું કડક પાલન થવું જોઈએ. એ નથી થતું અને દારૂ ખુલ્લેઆમ બનાવાય છે, બહારથી લવાય છે અને એમાં પોલીસ દ્વારા ભ્રષ્ટાચાર કારણ છે. બીજી બાજુ, ભાજપ આ નીતિમાં છૂટછાટ આપવા લાગી છે અને એ ય વેપાર ધંધો વધે એ માટે, આ સમજ ગેરમાર્ગે દોરનારી છે. આ છૂટછાટના કારણે ભ્રષ્ટાચાર વધશે એ નક્કી.

રાહુલ ગાંધીની ન્યાયયાત્રા
રાહુલ ગાંધી ફરી યાત્રાએ નીકળવાના છે. ભારત જોડો યાત્રા સફળ ગણાઈ એનાથી એમનો ઉત્સાહ વધ્યો લાગે છે. જો કે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં એનો ફાયદો માત્ર તેલંગણામાં જ થયો. હવે તેઓ કમુરતા ઊતર્યે ૧૪ જાન્યુઆરીથી મણીપુરથી શરૂઆત કરશે અને મુંબઈમાં એ પૂરી થશે. ૬૨૦૦ કિલોમીટરની આ યાત્રાના રૂટમાં ૧૪ રાજ્યો અને ૩૫૫ બેઠકોનો વિસ્તાર આવશે. સવાલ એ છે કે, આ યાત્રાથી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલો લાભ થશે? હિન્દીભાષી બેલ્ટમાં ભાજપનો દબદબો છે, રાહુલની ન્યાયયાત્રામાં હિન્દીભાષી રાજ્યો આવે છે.

શું ન્યાયયાત્રાથી ત્યાં કોંગ્રેસને ફાયદો થશે? લોકસભાની ચૂંટણી દૂર નથી અને ભાજપ દ્વારા તો કમુરતા ઊતર્યે ૫૦ ટકા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાની તૈયારી છે એ સામે કોંગ્રેસ અને વિપક્ષી મોરચો ઇન્ડિયા શું તૈયારી છે? હજુ બેઠક સમજૂતીની વિચારણાઓ ચાલે છે અને એમાં કોઈ સમસ્યા નહિ આવે એની કોણ ગેરંટી આપી શકે? સામે મોદીની ગેરંટી ચાલી રહી છે. રાજકીય યાત્રાના લાભાલાભ હોય છે. નરેન્દ્ર મોદીએ અનેક યાત્રાઓ કરી છે અને એના રાજકીય લાભ મળ્યા છે. રાહુલ ગાંધીનું કામ ભારત જોડો યાત્રા બાદ થોડું વધ્યું જરૂર છે. હવે ન્યાયયાત્રા શરૂ કરવાના છે એનો રાજકીય લાભ એમને, કોંગ્રેસને થવો બાકી છે.

યુપી જેવો નિર્ણય ગુજરાત લે
ઉત્તર પ્રદેશની યોગી સરકાર કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો લેવા માટે જાણીતી છે, પણ શિક્ષણ અંગે આ સરકારે લીધેલો નિર્ણય આવકારદાયી છે અને ગુજરાતે પણ એ અમલમાં મૂકવા જેવો છે. યુપી સરકારે આવતા શૈક્ષણિક વરસથી ધોરણ ૯ થી ૧૨માં સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરવાનો નિર્ણય લીધો છે ને સાથે આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીનો પણ અંત આણ્યો છે. એક વર્ષમાં આઠ સેમેસ્ટર હશે અને દરેકમાં સિલેબસ જુદો જુદો રહેશે. આ કારણે વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું દબાણ ઓછું થશે અને પોતાની નબળાઈઓને દૂર કરવા એમાં સુધાર કરવાનો સમય પણ મળશે. પરીક્ષામાં ૫૦ ટકા પ્રશ્નો પ્રયોગાત્મક રહેશે એમાં ૨૦ ટકા ઓએમઆર હશે અને બાકીના ૫૦ ટકા પ્રશ્નો લેખિતમાં આપવાના રહેશે, એમાં ય ઓપ્શન મળશે.

બીજું કે, આર્ટસ,કોમર્સ અને સાયન્સ એવા વિભાગો દૂર કરાશે અને એ કારણે કોમર્સનો વિદ્યાર્થી આર્ટસના વિષય ભણી શકશે અને આર્ટસનો વિદ્યાર્થી સાયન્સના વિષયોનો અભ્યાસ કરી શકશે. આ નિર્ણય નવી શિક્ષણ નીતિ સંદર્ભે જ લેવાયા છે. કદાચ યુપી આવા નિર્ણયમાં અગ્રેસર છે. ગુજરાત સરકારે પણ આ દિશામાં આગળ વધવું જોઈએ. અન્ય રાજ્યો પણ આ દિશામાં તૈયારી કરી રહ્યા હશે એવી આશા રાખીએ. ભણતરનો ભાર આ રીતે જ ઓછો કરી શકાશે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top