શિયાળાની મોસમમાં હોઠ શુષ્ક થઇ ફાટે છે?

ઠંડીની મોસમમાં હોઠ સુકાઈ જવા અને એના પર પોપડી બાઝી જવી બહુ સામાન્ય છે. આ પોપડીને કારણે હોઠ ફાટે છે એટલે આપણને ખાવાપીવા, હસવા, બોલવામાં મુશ્કેલી પડે છે. શિયાળામાં હોઠ કોમળ અને મુલાયમ રહે એ માટે જરૂરી છે કે હોઠ પર રહેલા એકસ્ટ્રા લેયરને આપણે કાઢી નાખીએ. તમે ઘરે બહુ સહેલાઈથી થોડી કાળજી રાખી હોઠને મુલાયમ રાખી શકો છો. શિયાળામાં હોઠ પર જામેલી પોપડી આપણ હોઠના સ્કિન સેલ્સ હોય છે જે ડ્રાયનેસને કારણે ડેડ થઇ જાય છે. આપણા હોઠ શરીરની બાકીની ત્વચાની સરખામણીએ ત્રણ ગણા વધુ નાજુક હોય છે. આ ઉપરાંત હોઠ કોઇ વસ્તુથી કવર થતા નથી એટલે ઠંડી હવાના સીધા સંપર્કમાં આવે છે. આ પણ શિયાળામાં હોઠ ફાટવાનું એક મોટું કારણ છે. ઘરે કયા નુસખા અજમાવી હોઠ નરમ રાખશો?


એક્સફોલીએટ
હોઠને એકસફોલિયેશન દ્વારા ફાટતા અટકાવી શકાય છે. એ માટે ઘરે જ સ્ક્રબ બનાવો.
ચોખા અને ગુલાબજળ
બે ટેબલસ્પૂન ચોખા લઈ પાણીમાં અડધો કલાક પલાળો. ત્યાર બાદ એને બારીક વાટી લો. તેમાં એક ટેબલસ્પૂન ગુલાબજળ મિકસ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ હોઠ પર લગાડી બે મિનિટ બાદ ધીરે ધીરે ઘસો. હોઠ પરની ડેડ સ્કિન સહેલાઈથી નીકળી જશે.

ગુલાબજળ
હોઠના મૃત કોષોને દૂર કરવાનો સૌથી આસાન તરીકો છે ગુલાબજળ. ગુલાબજળમાં ગ્લિસરિન મિકસ કરી લિક્વિડ તૈયાર કરો. એમાં કોટન બૉલ બોળી હોઠ પર મૂકો. બે-ત્રણ મિનિટ બાદ કોટન બોલને હોઠ પર હળવેથી ઘસી મૃતકોષો કાઢી નાખો. ત્યાર બાદ સૂકા રૂથી હોઠ સાફ કરી લિપ બામ લગાડો. શુષ્ક, ફાટેલા હોઠને નરમ, મુલાયમ બનાવવામાં વિવિધ પ્રકારનાં તેલ પણ મદદરૂપ થઇ શકે છે. તેલમાં એવાં કેટલાંક તત્ત્વો હોય છે જે હોઠને એકસફોલીએટ કરે છે અને હોઠને મોઇશ્ચરાઈઝ રાખે છે.
આલમન્ડ ઓઇલ
બદામનું તેલ નરિશિંગ ઓઇલ છે જે શુષ્ક અને ફાટેલા હોઠને સ્મુધ બનાવે છે. એ ઉપરાંત એ મૃતકોષોને જમા થતા અટકાવે છે. સારું પરિણામ મેળવવા શિયાળામાં દરરોજ આ તેલ રાત્રે સૂતાં પહેલાં હોઠ પર લગાડો.

જોજોબા ઓઇલ
આ તેલ તમારા હોઠ પર એકસફોલીએટીંગ એજન્ટ તેમ જ મોઇશ્ચરાઈઝર તરીકે કામ કરે છે કારણ કે એમાં એન્ટી ઓક્સિડન્ટસ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હોઠને નરિશ કરે છે. થોડાં ટીપાં જોજોબા ઓઇલ ખાંડ સાથે મિકસ કરો અને હોઠ પર લગાડો. પાંચ મિનિટ બાદ નળના પાણીથી ધોઇ નાખો.
પેપરમિન્ટ ઓઇલ
તમારી ત્વચા પર ચમત્કાર કરે એવું બીજું એક તેલ છે પેપરમિન્ટ ઓઇલ. આ તેલ હોઠ પર જલ્દી એબ્સોર્બ થઇ જશે અને ડ્રાયનેસ કરતી વસ્તુઓને દૂર કરે છે. એને કોપરેલ સાથે મિકસ કરી અઠવાડિયે ત્રણ-ચાર વાર હોઠ પર લગાડો.


વિટામિન E ઓઇલ
આ તેલમાં વધારે માત્રામાં રહેલું વિટામિન E હોઠના જતનમાં મદદ કરે છે. એ તમારી હોઠની ત્વચાને પોષણ આપી હોઠને નરમ અને મુલાયમ બનાવે છે. વિટામિન E કેપ્સ્યુલમાંથી તેલ કાઢી હોઠ પર લગાડો.
કોપરેલ
કોપરેલનો ઉપયોગ સૌંદર્યના જતન માટે પણ કરવામાં આવે છે. કોપરેલમાં રહેલા તત્ત્વો હોઠને પોષણ આપે છે અને હોઠ કાયમ હાઈડ્રેટેડ અને મોઇશ્ચરાઈઝડ રહે છે. કોપરેલ હોઠ પર લગાડી રહેવા દો. સારાં પરિણામ માટે શિયાળાની મોસમમાં દરરોજ હોઠ પર કોપરેલ લગાડો. કોપરેલ હોઠની ત્વચાને અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનના નુકસાનથી બચાવે છે.


ઓલિવ ઓઇલ
હોઠને ફાટતાં અટકાવવા માટે ઓલિવ ઓઇલ એક અકસીર ઉપાય છે. એ લગાડવાથી હોઠ કાયમ મોઇશ્ચરાઈઝ્ડ રહેશે. ઓલિવ ઓઇલ હોઠ પર લગાડો. આશ્ચર્યજનક પરિણામ મેળવવા માટે દિવસના બે વાર ઓલિવ ઓઇલ હોઠ પર લગાડો.
આર્ગન ઓઇલ
ઠંડીની ઋતુમાં આર્ગન ઓઇલ પણ લિપ્સ માટે ફાયદાકારક છે. એમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે અને સહેલાઈથી એબ્સોર્બ થઇ જાય છે. એ હોઠની ત્વચાના ટેકસચરને સુધારે છે અને પોપડી થતાં અટકાવે છે.

વંડર ઓઇલ
લવંડર ઓઇલ નેચરલ મોઇશ્ચરાઈઝિંગ તત્ત્વોનો સારો સ્ત્રોત છે જે શિયાળાની શીત લહેરોથી હોઠને શુષ્ક અને ફાટતાં અટકાવે છે. લવંડર ઓઇલને કોકો બટર સાથે મિકસ કરી હોઠ પર લગાડો. એ નેચરલ લિપ બામનું કામ કરશે અને એ હોઠને નરમ અને મુલાયમ રાખશે.

Most Popular

To Top