નાવિલ બ્રાહ્મણ જ્ઞાતિ ગુજરાતની એક તેજસ્વી જ્ઞાતિ છે. મુઘલ યુગથી શરૂ કરીને આજ દિન સુધી તેણે મહાન રાજકારણીઓ, વહીવટકર્તાઓ, કેળવણીકારો, રાષ્ટ્રવાદીઓ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, મેનેજમેન્ટ નિષ્ણાંતો, ડોકટરો અને વ્યવહારલક્ષી બૌધ્ધિકો ગુજરાતને ભેટ આપ્યા છે તે મુજબ બંગભંગની લડત વખતે જયારે ભારતમાં સ્વદેશી આંદોલન (૧૯૦૪-૧૯૦૮) ભભૂકી ઉઠયું ત્યારે ‘સુરતનાં સિંહ’નું બિરૂદ પામેલા રાષ્ટ્રવાદી યુવાન દયાળજી દેસાઇએ તા.૧૬ જુન ૧૯૦૬ નાં રોજ સુરતનાં ગોપીપુરામાં અનાવિલ આશ્રમ સ્થાપ્યો હતો. આ આશ્રમનો ઉદ્દેશ અનાવિલ વિદ્યાર્થીઓનું ચારિત્રય ઘડતર કરવાનો અને તેમનામાં રાષ્ટ્રવાદની ભાવના કેળવવાનો હતો. દયાળજી જ્ઞાતિમાં માનતા હતા, પણ જ્ઞાતિવાદી નહોતા. તેઓ માનતા હતા કે જ્ઞાતિ પ્રત્યેની આઇડેન્ટીટી અને રાષ્ટ્રપ્રત્યેની આઇડેન્ટીટી વિરોધાભાસી નથી.
જ્ઞાતિ સંસ્થાનો ઉચ્છેદ કરવો શકય નથી અને જરૂરી પણ નથી. હિંદુ જ્ઞાતિ સંસ્થા ઇતિહાસનાં કાળક્રમે ઉત્ક્રાંત થઇ છે અને વિકસી છે. તેથી જ્ઞાતિને જડમૂળમાંથી ઉખેડી નાંખવાને બદલે જો હિંદુઓે જ્ઞાતિમાં નવશિક્ષણ દ્વારા સુધારા લાવીએ તો તે સમગ્ર સમાજ માટે વધારે સર્જનાત્મક પૂરવાર થશે. આવાં કારણોસર દયાળજી અનાવિલ આશ્રમ શરૂ કર્યો હતો. તે સુરતનાં પાટીદાર વિદ્યાર્થી આશ્રમની જેમ આઝાદીની લડત તેમજ સમાજ પરિવર્તનનું મધ્યબિંદુ હતો. આજે તો અનાવિલ આશ્રમની સ્થાપનાને ૧૧૬ વર્ષ થયાં છે અને તે વિશાળ વટવૃક્ષની જેમ ખીલ્યો અને પ્રસર્યો છે. આ આશ્રમ હવે ‘શ્રી દયાળજી કેળવણી મંડળ’ તરીકે પ્રસિધ્ધ છે. તે ‘તપસ્વીની તપોભૂમિ’ છે. દયાળજી કેળવણી મંડળને આશ્રયે અનેક સંસ્થાઓ પ્રવૃત્ત છે. આ સંસ્થા આજનાં ગુજરાતની યુવાશકિત અને યુવાપ્રવૃત્તિનું પ્રતિક છે. આવતા લેખમાં અનાવિલ વિદ્યાર્થી આશ્રમનાં ઉદય અને વિકાસની ચર્ચા કરીશું. આ લેખમાં તેનાં સ્થાપક દયાળજીભાઇની કારકિર્દીને આલેખવામાં આવી છે. નવાં નવાં સ્ત્રોતો અને દસ્તાવેજોને આધારે દયાળજી દેસાઇ અંગે ઉમેરણ કરવામાં આવ્યું છે.
દયાળજી દેસાઇ (૧૮૭૭-૧૯૪૨) ગાંધીયુગ પહેલાં
દયાળજીનો જન્મ તા. ૧૬-૧૧-૧૮૭૭ નાં રોજ અનાવિલ જ્ઞાતિના વેસ્મા ગામના (જલાલપુર તાલુકો, નવસારી જીલ્લો) ખેડૂત પરિવારમાં થયો હતો. માત્ર છ મહિનાની વયે પિતા નાનુભાઇનું અવસાન થતાં માતા ગંગાબહેનનાં શીરે બાળકને ઉછેરવાની જવાબદારી આવી પડી. માતાએ શીશુને ઉછેરીને તેને વર્નાકયુલર ફાઇનલ સુધી ભણાવ્યો, અને ૧૪ વર્ષનાં કિશોરે વેસ્માની પ્રાથમિક શાળાનાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે નોકરી શરૂ કરી. ત્યાર પછી સરકારી મહેસૂલ ખાતામાં અને છેલ્લે સુરતના અઠવાફાર્મની નોકરી શરૂ કરી. પણ બંગભંગનું આંદોલન અને બીજી તરફ રાષ્ટ્રવાદ અને સમાજ સુધારણાને વરેલા આર્ય સમાજની અસર. ખેડૂત પરંપરામાં ઉછરેલા આ નવયુવાને નોકરી ફગાવી દીધી અને ૧૯૦૬ માં અનાવિલ વિદ્યાર્થી આશ્રમ સ્થાપ્યો.
દયાળજીએ પોતે લખ્યું છે કે ‘એક દિવાથી બીજો દિવો અને તેમાંથી હજારો નાનાં દિવાઓ સળગે છે. મારો હેતુ અનાવિલ આશ્રમ દ્વારા વિદ્યાર્થીઓનો સમગ્ર ગુજરાતનો ઉત્કર્ષ કરવાનો હતો, અને તેની સાથોસાથ અનાવિલ જ્ઞાતિનો સામાજિક મોભો વધારવાનો પણ ઉદ્દેશ હતો.’ દયાળજી અને તેમણે સ્થાપેલી આ સંસ્થાએ તેમનું સ્વપ્નું સાકાર કરી બતાવ્યું છે. તેમનું મૃત્યુ તા.૫ જાન્યુઆરી ૧૯૪૨ માં થયું હતું. આજે ૨૭ માર્ચ ૨૦૧૨ નો દિવસ છે. દયાળજીનાં અવસાનને ૮૦ વર્ષ થઇ ગયા, અને જન્મને તો ૧૪૫ વર્ષ! આજે ગુજરાતે યાદ કરવા જેવા તેઓ અસ્સલ નિભેળ ગુજરાતી ભાષાનાં ચાહક! પહેરવેશમાં ખાદીનું ધોતિયું, પહેરણ, કફની અને ટોપી. કોઇકવાર માથે પીળો સાફો બાંધે. જાણે બીજા લાલા લજપતરાય કે સ્વામી વિવેકાનંદ જોઇ લો! માત્ર ડ્રેસ નહીં, બધી મિલ્કત દેશને ચરણે ધરી દીધી હતી. તેઓ સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધીને પોતાનાં ગુરુ ગણતા હતા. પુરેપુરા રાષ્ટ્રવાદી અનાવિલ બ્રાહ્મણ ખેડૂત! મોરારજી દેસાઇ દયાળજી દેસાઇને તેમનાં ‘રોલ મોડલ’ ગણતા હતા!
૧૯૧૬ માં ગાંધીજીનાં પરિચયમાં આવતાં પહેલાં દયાળજી આર્ય સમાજ અને સ્વદેશી આંદોલન (૧૯૦૪-૧૯૦૮) થી પ્રભાવિત થયા હતા. વડોદરાના સયાજીરાવ ગાયકવાડે આર્યસમાજની વિચારધારાનો પ્રચાર કરવા આત્મારામ અમ્રતસરી નામનાં પંજાબી યુવાનને ૧૯૦૩ માં વડોદરા બોલાવ્યા હતા અને તેઓ નવસારી પ્રાંત તથા દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રવાદ અને સમાજ સુધારાનો પ્રચાર કરતા હતા. દયાળજી દેસાઇ અને આત્મારામ અમ્રતસરી જેવા મહાનુભાવોની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં થઇ હતી, અને આ ‘હિંદુ રાષ્ટ્રવાદ’ની અસર અનાવિલ જ્ઞાતિનાં ખેડૂતોએ ઝીલી હતી. બરાબર આ જ સમયે દયાળજી દેસાઇ પાટીદાર આશ્રમનાં સ્થાપક કલ્યાણજી મહેતાનાં પરિચયમાં આવ્યા હતા, અને તેઓ એવા તો ગાઢ મિત્ર બની ગયા કે ગુજરાતમાં તેઓ ‘દલુ-કલુની જોડી’ તરીકે પ્રસિધ્ધ થઇ ગયા. મુદ્દો એ છે કે ૧૯૧૫ બાદ ગાંધીજીનાં સમાગમમાં આવતાં પહેલાં દયાળજી દેસાઇ અને તેમનાં મિત્ર ભાઇઓ કલ્યાણજી અને કુંવરજી મહેતા અનુક્રમે અનાવિલ અને પાટિદાર ‘રેનેસાં’નાં પ્રણેતા હતા. ગાંધીજી ૧૯૧૫ માં સ્વદેશ પાછા ફર્યા તે અગાઉ પણ તેમની દક્ષિણ આફ્રિકાની પ્રવૃત્તિમાંથી તેઓ વાકેફ હતા, કારણકે દક્ષિણ ગુજરાતમાંથી સંખ્યાબંધ અનાવિલો, પાટીદારો અને કોળી પટેલો દક્ષિણ આફ્રિકા ગયા હતા અને તેમણે ગાંધીજીનાં પાયાનાં કાર્યકરો તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ગાંધીયુગ અને દયાળજી
ગાંધીજી 1915માં હિંદમાં આવ્યા તેને બીજે જ વર્ષે તેમણે તા. 2 જાન્યુઆરી 1916નાં રોજ સુરતની મુલાકાત લીધી હતી, અનાવિલ અને પાટીદાર આશ્રમોમાં ગયા હતા. તેમણે દયાળજીની હાજરીમાં આર્યસમાજ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ રીતે દયાળજીના જીવનમાં ગાંધીવાદી મૂલ્યો પ્રગટ થયાં. તેમણે આદિવાસી સમાજના વિકાસમાં રસ લેવો શરૂ કર્યો. તેઓ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. 1923થી 1938 સુધીમાં ભરાયેલી તમામ રાનીપરજ પરિષદોમાં ભાગ લીધો. 1925માં બારડોલી તાલુકામાં આવેલ સુરાલી-મઢી ગામમાં મળેલી પાંચમી રાનીપરજ પરિષદનું પ્રમુખપદ સંભાળતા દયાળજીએ જાહેર કર્યું: ‘હાળીપ્રથા દૂર કરવા માટે તેમના અનાવિલ ધનીયાળાઓ, પાટીદાર જમીનદારો અને વાણીયા શાહુકારોએ જૂની જમીનદારી વ્યવસ્થા બદલવાની જરૂર છે.’ દયાળજી અને અન્ય રાષ્ટ્રવાદીઓના પ્રયાસોને લીધે આદિવાસી સમાજમાં જાગૃતિ આવી. આદિવાસીઓમાં દારૂબંધી ખાદી અને રેંટીયાનો પ્રચાર થયો. દયાળજી દેસાઇ, કલ્યાણજી અને કુંવરજી તથા જુગતરામ દવેના પ્રયાસોની એવી અસર થઇ કે આ પરિષદમાં 726 રેંટીયાનું આદિવાસીઓમાં વિતરણ થયું એટલું જ નહીં ખૂદ આદિવાસી યુવાનોએ આ પરિષદમાં મહત્વનો ભાગ ભજવ્યો. દયાળજી દેસાઇના જીવનમાં આવેલો આ નવો વળાંક મહત્વનો હતો. અનાવિલ આશ્રમ વધારે ઉદાર અને સર્વસમાવેશક થયો હતો.
દયાળજીભાઇએ અસહકારના આંદોલન ઉપરાંત બારડોલી સત્યાગ્રહ, સવિનય કાનૂન રંગની લડતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. વળી એમણે કુંવરજી અને કલ્યાણજીની સાથે તિલક મહારાજની હોમરૂલ મૂવમેન્ટમાં પણ ભાગ લીધો હતો. દયાળજી અને અનાવિલ વિદ્યાર્થી આશ્રમની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિને ડામવા અંગ્રેજ સરકારે 1932માં અનાવિલ આશ્રમને ચાર વર્ષ સુધી જપ્ત કર્યો હતો અને તેમાં ભણતા આ છાત્રોને કાઢી મૂકયા હતા અને દયાળજીને જેલમાં પૂર્યા હતા. પણ આ છાત્રો સ્વતંત્ર સંગ્રામમાં જોડાઈ જતાં ગોરી સરકારની મૂંઝવણ વધી હતી. પણ દયાળજી અડગ રહ્યા હતા. તેથી સરદાર વલ્લભભાઇ પટલે દયાળજી દેસાઇને સુરતના સિંહની ઉપમા આપી.
જેવી રીતે ગુજરાતમાં આદિવાસી ઉત્થાન માટે રાનીપરજ પરિષદો મળી હતી તેવી રીતે રાજકીય અને રાષ્ટ્રીય જાગૃતિ માટે પણ પરિષદો મળી હતી. પહેલી ગુજરાત રાજકીય પરિષદ નવેમ્બર 1917માં ગોધરામાં મળી. ત્યારબાદ નડિયાદમાં બીજી (1918), સુરતમાં ત્રીજી (1919), અમદાવાદમાં ચોથી (1920), ભરૂચમાં પાંચમી (1921) અને આણંદમાં છઠ્ઠી (1922) પરિષદો મળી. આ તમામ પરિષદોમાં દયાળજી દેસાઇ ઉપરાંત કુંવરજી અને કલ્યાણજી મહેતાએ સક્રિય ભાગ લઇને સુરતનું નામ રોશન કર્યું હતું. તેને પરિણામે અનાવિલ અને પાટીદાર આશ્રમો રાષ્ટ્રીય પ્રવૃત્તિથી ધમધમી ઉઠયા હતા. આ ઉપરાંત દયાળજીભાઇએ 1916માં અમદાવાદમાં અને 1917માં ભરૂચમાં મળેલી ગુજરાત કેળવણી પરિષદમાં ભાગ લીધો હતો. વળી તા.19-22 ઓકટોબર 1916 દરમિયાન અમદાવાદમાં મળેલી 16મી મુંબઇ પ્રાંતિક કોન્ફરન્સમાં દયાળજી દેસાઇએ ભાગ લીધેલો. તેના પ્રમુખપદે મહંમદઅલી ઝીણા હતા. તેમાં ગાંધીજી, રમણભાઇ નીલકંઠ, વલ્લભભાઇ પટેલ અને લોકમાન્ય તિલકે પણ ભાગ લીધેલો. આ કોન્ફરન્સમાં દયાળજી દેસાઇ પહેલી વખત મહંમદઅલી ઝીણાને મળ્યા હતા. ગાંધીજી તો તે અગાઉ 2 જાન્યુઆરી 1916ના રોજ સુરત આવી ગયા હતા અને દયાળજીની હાજરીમાં આર્યસમાજ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. દયાળજી દેસાઇ સમગ્ર ગુજરાતના મહાન રાષ્ટ્રવાદી હતા. ઇન્દુલાલ યાજ્ઞિકે એમની આત્મકથાના બીજા ખંડમાં લખ્યું છે:
‘સુરતમાં સ્થપાયેલ અનાવિલ આશ્રમ અને પાટીદાર આશ્રમના વ્યવસ્થાપકો અનુક્રમે દયાળજી દેસાઇ અને કલ્યાણજી મહેતા સાર્વજનિક પ્રવૃતિનાં નેતા હતા. આ બંને જોશીલા જુવાનો લગભગ એક સાથે હોમરૂલની ચળવળમાં જોડયા અને ગાંધીજીના આંદોલનો સાથે ઓતપ્રોત થયા. સુરત અને ગામડાઓની સભાઓમાં હૃષ્ટપુષ્ટ શરીર ધરાવતા દયાળજી બુલંદ અવાજે ગર્જના કરતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાતનાં સિંહ તરીકે જાણીતા બન્યા હતા. તેમણે સ્થાપેલા વિદ્યાર્થી ગૃહમાં અનાવિલ ખેડૂતો, વેપારીઓ, જમીનદારો અને અન્ય વ્યવસાય ધરાવતા માણસોનાં બાળકો આવતા. દલુ-કલુની જોડી સુરત, વલસાડ, નવસારી અને ગ્રામ વિસ્તારોમાં જાણીતી બની ગઇ. લોકો તેમને દલુ-કલુનાં ટુંકા નામથી ઓળખતા હતા.’ આવા નિ:સ્વાર્થ માણસે 1906માં સ્થાપેલો અનાવિલ વિદ્યાર્થી આશ્રમ આજે વટવૃક્ષની જેમ સર્વત્ર ફેલાયો છે. તેમાં ભણેલા છાત્રો આજે દેશ વિદેશમાં વસે છે તે લોકલ તેમજ ગ્લોબલ મહત્વ ધરાવે છે. (ક્રમશ:)