Sports

ભારતીય ચાહકોને આશા : 2011માં સચિનની જેમ મેસી પણ કરશે વર્લ્ડકપ જીતવાનું સપનું સાકાર

નવી દિલ્હી: લિયોનલ મેસી (Lionel Messi) પોતાના પાંચમા અને અંતિમ વર્લ્ડકપમાં (Worldcup) ક્રિકેટ (Cricket) આઇકોન સચિન તેંદુલકરની જેમ ફિફા વર્લ્ડકપ (FIFA Worldcup) ટ્રોફી ઉપાડવાનું લક્ષ્ય ધરાવે છે. સચિને 2011માં પોતાની અંતિમ વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ટ્રોફી ઉપાડી હતી. આવી સ્થિતિમાં ભારતીય ફૂટબોલ ચાહકો પણ રવિવારે કતારમાં મેસીને ફિફા વર્લ્ડકપ ટ્રોફી ઉપાડતો જોવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

પીટીઆઈ સાથે વાત કરતા, મુંબઈ સ્થિત વકીલ દીપ્તો રોય, જેઓ સેમીફાઈનલ અને ફાઈનલ જોવા દોહા ગયા છે, તેમણે કહ્યું હતું કે હવે હું માત્ર મેસીને વર્લ્ડકપ ટ્રોફી ઉંચકતો જોવા માગું છું. જો હું તે દિવસ પછી કોઈ રમત નહીં જોઉં, તો મને તેનો અફસોસ નહીં થાય. રોયે વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય હોવાને નાતે મુંબઈમાં ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ નિહાળી હતી. મેસી તમને સચિન જેવો અનુભવ કરાવે છે. એવું લાગે છે કે આખું વિશ્વ મેસીને વર્લ્ડકપ ઉપાડતો જોવા માંગે છે. અમે પરીકથાઓ વિશે સાંભળીએ છીએ અને હું તેમાં જીવવા માંગુ છું.

લિયોનલ મેસી રવિવારની ફાઇનલ પછી ઇન્ટરનેશનલ કેરિયરને અલવિદા કરશે
દોહા: મહાન ફૂટબોલ ખેલાડીઓમાંના એક એવા આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ પુષ્ટિ કરી છે કે કતારમાં ફિફા વર્લ્ડકપમાં રવિવારે રમાનારી ફાઇનલમાં પોતાની છેલ્લી વર્લ્ડકપ મેચ રમશે. મેસીએ આર્જેન્ટિનાના મીડિયા આઉટલેટ ડાયરિયો ડિપોર્ટિવો ઓલેને કહ્યું અહીં પહોંચ્યા પછી હું ખૂબ જ ખુશી અનુભવું છું. ફાઇનલમાં મારી છેલ્લી ગેમ રમીને મારી વર્લ્ડકપની સફરનો અંત કરીશ. આર્જેન્ટિનાના કેપ્ટને કહ્યું હતું કે હવે પછીના વર્લ્ડકપ માટે ઘણો સમય છે. મને નથી લાગતું કે હું ફરીથી તે કરી શકીશ. મેસીએ કહ્યું હતું કે બધું સારું અને સારું છે, પરંતુ મહત્વની વાત એ છે કે ટીમના લક્ષ્યને હાંસલ કરવામાં સક્ષમ બનવું. તે સૌથી સુંદર વસ્તુ છે. સખત મહેનત કર્યા પછી, અમે ટાઈટલથી માત્ર એક ડગલું દૂર છીએ અને આ વખતે અમે બધું કરી છુટવા તૈયાર છીએ.

Most Popular

To Top