Sports

વિશ્વ વિખ્યાત ફૂટબોલર મેસીના નામે વધુ એક રેકોર્ડ: પોતાની જ ટીમમાં રહી…

કુઇએબા : કોપા અમેરિકા (Copa america)માં બોલિવિયા (Bolivia) સામેની મેચમાં રમવા ઉતરતાની સાથે જ લિયોનલ મેસી (Lional messi) આર્જેન્ટીના (Argentina) વતી સર્વાધિક ઇન્ટરનેશનલ મેચ (Most match by Argentina) રમનારો ફૂટબોલર બન્યો હતો. 34 વર્ષિય મેસીની આ આર્જેન્ટીના વતી 148મી મેચ હતી અને તેણે નિવૃત્ત થઇ ચુકેલા ડિફેન્ડર ઝેવિયર માસચેરાનોનો આર્જેન્ટીના વતી સર્વાધિક મેચ રમવાનો રેકોર્ડ તોડ્યો હતો.

મેસીએ બોલિવિયા સામેની 4-1ની જીતમાં બે ગોલ કર્યા હતા અને આ જીતની સાથે આર્જેન્ટીનાએ ટોચના સ્થાને પહોંચીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને હવે તે શનિવારે ઇક્વાડોર સામે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. લિયોનલ મેસીએ આર્જેન્ટીના વતી પોતાની પ્રથમ મેચ હંગેરી સામે 2005માં રમી હતી. આ ફ્રેન્ડલી મેચમાં પોતાના પ્રતિસ્પર્ધી પર કોણી વડે પ્રહાર કરવાના કારણે તેને મેચ બહાર કાઢી મુકાયો હતો.

બાર્સિલોના વતી રમનારા મેસીના નામે અત્યાર સુધીમાં 75 ઇન્ટરનેશનલ ગોલ નોંધાયેલા છે અને તે સર્વાધિક ગોલના પેલેના દક્ષિણ અમેરિકન રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો છે. પેલેએ બ્રાઝિલ વતી રમીને 77 ઇન્ટરનેશનલ ગોલ કર્યા હતા અને હાલ તેઓ સર્વાધિક ગોલ કરનારા દક્ષિણ અમેરિકનોમાં ટોચના સ્થાને છે.

મેસી હવે કોપા અમેરિકામાં સર્વાધિક મેચ રમવાના રેકોર્ડની પણ બરોબરી કરી શકે છે. તેણે અત્યાર સુધીમાં 31 મેચ રમી છે જ્યારે ચિલીના સર્જિયો લિવિંગસ્ટોનના નામે સર્વાધિક 34 મેચ રમવાનો રેકોર્ડ છે.

Most Popular

To Top