Charchapatra

લાઈન ટોકિઝ

આ જ નામથી પહેલાં સુરતમાં સિનેમા રોડની ઓળખાણ હતી.આજે મલ્ટિપ્લેક્સ અને અત્યંત આધુનિક સગવડ ધરાવતાં થિયેટર શહેરમાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ હું આજથી 20 વર્ષ પહેલાંની વાત કરું તો સુરત શહેરના સ્ટેશન રોડ પર જયાં આજે  ટોરેન્ટ પાવરની ઓફીસ છે તે લાઈનમાં ઘણી બધી ટોકિઝ હતી. પ્રકાશ ટોકીઝ,ન્યુ લક્ષ્મી ટોકીઝ,નટરાજ ટોકીઝ અને એક-બે નાં તો મને નામ પણ યાદ નથી. આ ટોકિઝમાં અપર અને બાલ્કની એમ બે વિભાગ આવતા. લાકડાની ખુરશી હતી અને ફક્ત દશ કે પંદર રૂપિયામાં કાગળની રંગબેરંગી ટિકિટ મેળવીને અમે સૌ મિત્રો ૭૦ એમ એમ ના પડદા પર હિન્દી ચિત્રપટની મજા લેતા.

ઘરેથી એક સાથે એક જ રીક્ષામાં 10 થી 11 જણા બેસીને રવિવારના દિવસે ક્રિકેટ રમ્યા પછી મોટે ભાગે  સુપરહીટ થયેલી પિક્ચરો સાવ નજીવા દરે જોતા હતા.દસ રૂપિયાની ટિકિટ,દસ રૂપિયાના વડા અને દસ રૂપિયાની સોડા.મને યાદ છે સલમાન ખાનની તેરે નામ મુવી અમે લગભગ સળંગ આઠ-દશ રવિવાર જોઈ હતી.આજના મલ્ટિપ્લેક્સમાં અત્યંત સુખ-સુવિધાઓ હોવા છતાં મિત્રો સાથે મુવી જોવાની મજા જે લાઈન ટોકીઝમાં આવતી હતી તે આ મલ્ટિપ્લેક્સમાં આવતી મજા કરતાં અનેક ગણી વધારે હતી.
સુરત     – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top