સુરત: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે લિંબાયત ઝોન (Limbayat Zone) વિસ્તારમાં મીઠી ખાડી વિસ્તાર, વરાછા ઝોન (Varachha Zone) વિસ્તારમાં કાપોદ્રા ખાતે, વાલક સણીયા હેમાદ વિસ્તારોમાં પાણી ભરાય જાય છે. આ તમામ વિસ્તારો પૈકી માત્ર સણીયા હેમાદ-મીઠી ખાડી પાસેના વિસ્તારોમાં પાણીનો ભરાવો વધુ થઈ રહ્યો છે. જ્યારે અન્ય વિસ્તારોમાંથી પાણીનો નિકાલ થઈ રહ્યો છે. પરંતુ સણીયા હેમાદ અને મીઠી ખાડીના પાણીનો (Bay waters) નિકાલ થતો ન હોવાથી સ્થાનિકોને પણ મુશ્કેલી થઈ રહી છે. જેથી પાણીનો નિકાલ થવો જોઈએ.શહેરમાં ખાડીપૂરના સંકટનો કાયમી હલ કરવા તંત્ર હરકતમાં આવ્યું હતું એ માટે ખાડીઓની એક બ્લુપ્રિન્ટ (Blueprint) તૈયાર કરવામાં આવશે.
વરસાદને કારણે સ્થાનિકોને ખાડીપૂરનો ભોગ બનવું પડ્યું હતું.
સુરત મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તાર સણીયા હેમાદ તથા કુંભારિયા ગામ સાથે સાથે મીઠી ખાડીમાં જે પાણીનો ભરાવો થાય છે તેને અન્ય ખાડીમાં ડાયવર્ટ કરી શકાય કે કેમ અને સણીયા હેમાદથી મીઠી ખાડી તરફ જે પાણી આવે છે તેને કેનાલમાં ડાયવર્ટ કરી શકાય કે કેમ ? તે અંગે હવે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. ખાડીપૂરની સમસ્યા દર વર્ષની છે. આ વર્ષે પણ ભારે વરસાદને કારણે સ્થાનિકોને ખાડીપૂરનો ભોગ બનવું પડ્યું હતું.
અત્યારથી જ મેપિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી
આવતા વર્ષે મનપાની ડિઝાસ્ટર બુકમાં એસ.ઓ.પી. હશે અને તે માટે અત્યારથી જ મેપિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. શહેરમાં ખાડી-કેનાલને લિંક કરી શકાય કે કેમ અને તમામ ખાડીનું ઈન્ટરલિંક થઈ શકે? તેમજ લો-લાઈન એરિયાને કેવી રીતે અપ કરી શકાય એ માટે ખાડીઓની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ ખાડીઓના પાણીને ડાયવર્ટ કરવા માટે ફિઝિબિલિટી ચકાસણી કરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. જેથી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય.
મીઠીખાડી ઉપર બિલ્ડરે બનાવેલા પુલનો વિરોધ
મીઠી ખાડી પાસે મિલેનિયમ-4 માર્કેટના બિલ્ડરે બનાવેલા પુલને કારણે ખાડીના વ્હેણમાં અવરોધ સર્જાયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ઘરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વર્ષ 2018થી મિલેનિયમ ટેક્સટાઈલ 4 માર્કેટના સંચાલકો દ્વારા મીઠીખાડી પર ખાનગી ધોરણે પુલ બનાવી દેવામાં આવ્યો હતો. આ અંગે માર્કેટના સંચાલકો દ્વારા પાલિકા પાસેથી મંજુરી મેળવવામાં આવી છે કે કેમ તે અંગેની તપાસની માંગ કરવામાં આવી છે.