Business

ગૌરવ લેવા જેવું, INS – સુરત

તા. 15/05/22ના ‘ગુજરાતમિત્ર’માં સુરતના લોકો માટે ગર્વ કરવા લાયક ‘INS સુરત’ યુદ્ધ જહાજના સતસ્વીર સમાચાર આપ્યા બદલ ધન્યવાદ! કેન્દ્ર સરકારે આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ ટાણે ભારતીય નેવી સર્વિસના યુદ્ધ જહાજને ‘INS સુરત’ નામ આપી દેશના વિકાસમાં સુરતનું મહત્વ સ્વીકારી ઉજાગર કર્યું છે. દેશમાં આ પહેલા અનેક યુદ્ધ જહાજોને શહેરોના નામો અપાયા છે. જેમ કે ‘INS મુંબઇ’, ‘INS કલકત્તા’, ‘INS દિલ્હી’, ‘INS કોચી’. જે યાદીમાં હવે સુરત ઉમેરાઇને ગૌરવાન્વિત થયું છે. આ અત્યંત આધુનિક યુદ્ધ જહાજ 7500 ટન વજનનું ડીસ્ટ્રોપર પ્રકારનું અત્યંત શકિતશાળી જહાજ છે. જેનું નિર્માણ મુંબઇના મઝગાંવ ડોકયાર્ડમા કરાયું છે.

આ જહાજની લંબાઇ 553 ફૂટ, પહોળાઇ 57 ફૂટ છે. એમાં 50 અધિકારીઓ અને 250 જવાનો સહ 300 કર્મચારીઓ તૈનાત રહેશે. જેમાં 4 ઇન્ટર સેપ્ટર સ્પીડ બોટ, 2 સર્વેલન્સ હેલિકોપ્ટરો રહેશે. આ યુદ્ધ જહાજ આધુનિક જમાના પ્રમાણે ભારે પ્રહારક ક્ષમતા ધરવતા અસ્ત્ર-શસ્ત્રથી સજજ કરાયું છે. જેમાં દુશ્મન મિસાઇલોને હવામાં જ તોડી પાડતી ઇઝરાયલી બરાક મિસાઇલ સિસ્ટમ, દુશ્મન વિમાન કે હેલિકોપ્ટરોને તોડી પાડે તેવા રોકેટ લોન્ચર સાથે સમુદ્ર સપાટી નીચે લચકતી દુશ્મન સબમરીનના નાશ માટે RBU – 6000 ડેપ્થ ચાર્જ ગોળા છોડતી સિસ્ટમ સાથે 290 K.M. સુધી અચુક પ્રહાર કરે તેવા બ્રહ્મોસ મિસાઇલોથી આ યુદ્ધ જહાજ સજ્જ છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top