SURAT

નેધરલેન્ડના રોટરડેમ સિટી જેવા ‘વોટર પ્લાઝા’ હવે સુરતને પણ બનાવશે ખૂબસુરત

નેધરલેન્ડના રોટરડેમની જેમ સુરત પણ નદી અને દરિયાના સંગમ સ્થળના કિનારા પર હોવાથી રોટરડેમની જેમ સુરતમાં પણ આગામી દિવસોમાં દેશમાં પ્રથમ વખત મલ્ટિપર્પઝ ઉપયોગ થઈ શકે તેવા એક પછી એક આઠ વોટર પ્લાઝાનું નિર્માણ કરાશે. તાજેતરમાં રોટરડેમનું ડેલિગેશન સુરત આવ્યું હતું, ત્યારે નેધરલેન્ડના રોટરડેમ શહેરના ચીફ રેસીલીયન્સ ઓફિસર આર્નોડ મોલેનાર અને રોટરડેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર એક્સપર્ટ કોર્જન ગેબ્રાડે ‘ગુજરાતમિત્ર’ સાથેની વિશેષ મુલાકાતમાં રોટરડેમ-સુરત વચ્ચે રહેલી સામ્યતા અને રોટરડેમના ખાસ આકર્ષણ એવા ‘વોટરપ્લાઝા’ના કોન્સેપ્ટ અંગે વાત કરી હતી.

વિશ્વનાં શહેરોને એકબીજા સાથે જોડવા માટે યુરોપિયન સિટી અને અન્ય દેશો વચ્ચે પાર્ટનરશીપ કરવા માટે સ્થપાયેલા (IURC) ઈન્ફર્મેશન અર્બન એન્ડ રિજનલ કોર્પોરેશનના રેસિલિયન્ટ સિટીઝ નેટવર્ક કે જેમાં 100 રેસિલિયન્સ સિટીનો સમાવેશ કરાયો છે, જેમાં વિશ્વનાં શહેરો એકબીજાની સમસ્યા અને ખાસિયતોની ગ્લોબલ પ્લેટફોર્મ પર ચર્ચા કરી માહિતીનું આદાનપ્રદાન કરે છે. આ ગોઠવણ અંતર્ગત રોટરડેમ સુરત સાથે કામ કરવા કરાર થયા છે. જેના પરિપાકરૂપે સુરતના મેયર અને કમિશનર સહિતનું ડેલિગેશન રોટરડેમ ગયું હતું અને ત્યાંના ખાસ કરીને વોટર પ્લાઝાના કોન્સેપ્ટમાં સુરતના તંત્રવાહકોને રસ પડ્યો હોવાથી સુરત મનપાના બજેટમાં શહેરના તમામ ઝોનમાં એક એક વોટર પ્લાઝા બનાવવાનું આયોજન સમાવાયું છે જે દેશમાં પ્રથમ વખત છે. જો કે, આ વોટર પ્લાઝા એટલે શું ? એ સવાલ સુરતવાસીઓ જાણવા માગી રહ્યા હોવાથી તાજેતરમાં સુરત આવેલા રોટરડેમના ડેલિગેશનના સભ્યો નેધરલેન્ડના રોટરડેમ શહેરના આંતરરાષ્ટ્રીય સલાહકાર ઇસ્માય કેયુસ, મેયર ઓફિસના સલાહકાર કોર્જન ગેબ્રાડે સાથે ‘ગુજરાતમિત્ર’એ કરેલી વિશેષ મુલાકાતમાં વોટર પ્લાઝા વિશે રસપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

‘વોટર પ્લાઝા’માં શું હશે ?
વોટર પ્લાઝા અંગે સાદી ભાષામાં વાત કરીએ તો એક એવી વિશાળ ખુલ્લી જગ્યા જ્યાં ચોમાસા દરમિયાન કે નદીમાં વધારે પાણી આવે ત્યારે પાણી ડાયવર્ટ કરીને પાણીનો સંગ્રહ થઇ શકે અને શહેરને પૂરથી બચાવી શકાય. તેમજ જ્યારે પાણી ના હોય ત્યારે આ જગ્યાએ મેળાવડા, ગેમઝોન, સભાઓ કે જાહેર આયોજનો તરીકે ઉપયોગમાં લઇ શકાય. રોટરડેમમાં ફ્લડ મેનેજમેન્ટના ભાગરૂપે વોટર પ્લાઝા બન્યા છે. જો કે, સુરત મનપા દ્વારા દર વર્ષે ગણેશ વિસર્જન, દશામા મૂર્તિ વિસર્જન કે છઠ્ઠ પૂજા વગેરે માટે મનપા દ્વારા શહેરમાં 3 કરોડથી વધુનો ખર્ચો કૃત્રિમ તળાવો બનાવવા પાછળ કરવામાં આવે છે. આ ખર્ચને ઓછો કરવા માટે હવે રોટરડેમની જેમ સુરતમાં અલગ અલગ ઝોનમાં કુલ 8 લોકેશન પર વોટર પ્લાઝા બનાવવાનું નક્કી કરાયું છે. જેના થકી આ ધાર્મિક તહેવારોની વિધિઓ થઇ શકશે. ઉપરાંત અહીં પાણીનો સંગ્રહ થવાનો હોવાથી જમીનનું ભૂગર્ભ જળસ્તર સુધરશે. જ્યારે પાણી નહીં હોય ત્યારે ત્યાં રમતગમત, સામાજિક-ધાર્મિક મેળાવડા, પિકનિક, એમ્યુઝમેન્ટ વગેરેનું આયોજન થઇ શકશે. જેના કારણે મનપાને આર્થિક સ્ત્રોત પણ મળશે.

રોટરડેમ-સુરત વચ્ચે માહિતીની સાથે સાથે સંસ્કૃતિનું પણ આદાન પ્રદાન થશે, ભવિષ્યમાં પણ IURC પ્રોગ્રામ હેઠળ કામો કરાશે: કોર્જન ગેબ્રાડે, આર્નોડ મોલેનાર
રોટરડેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર એક્સપર્ટ કોર્જન ગેબ્રાડ ‘ગુજરાતમિત્ર’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયન પ્રોજેક્ટ અંર્તગત યુરોપ યુનિયન અને ભારત દેશ વચ્ચે અંડરસ્ટેન્ડિંગ થઈ છે. જેથી ભારત સરકારને પણ વેગ મળશે. ભવિષ્યમાં પણ IURC પ્રોગ્રામ હેઠળ ઘણા કામો કરવામાં આવશે કે જેથી ગોલ્બલ ઈશ્યુના નિવારણ આવી શકશે. જ્યારે અને ચીફ રેસિલિયન્સ ઓફિસર આર્નોડ મોલેનારએ જણાવ્યું હતું કે, ચીફ રેસિલિયન્સ ઓફિસર આર્નોલ્ડ મોલેનારએ જણાવ્યું હતું કે, સુરત શહેર અને નેધરલેન્ડના રોટરડેમ શહેરમાં ઘણી સામ્યતાઓ છે. નદી અને સમુદ્રના ડેલ્ટાશેપને લઈ રોટરડેમ જે સમસ્યાનો સામનો કરી રહ્યું હતું તે જ સામનો સુરત શહેર કરી રહ્યું છે. જેથી હવે વોટર પ્લાઝા કોન્સેપ્ટ સુરત શહેર આપનાવવા જઈ રહ્યુ છે તેની સાથે સાથે એજ્યુકેશન, કલ્ચર વગેરેનું પણ આદાનપ્રદાન થવું જોઈએ. અને ત્યારે જ ખરા અર્થમાં રોટર ડેમ અને સુરત શહેર સિસ્ટર સિટી તરીકે સાર્થક થશે.

વોટર પ્લાઝા જેવા કોન્સેપ્ટથી એકસાથે ઘણી સમસ્યાનો હલ આવશે: કમલેશ યાજ્ઞિક
ચીફ રેસિલિયન્સ ઓફિસર તેમજ ચેમ્બરના માજી પ્રમુખ કમલેશ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, સુરતની પુરની સમસ્યાને નાથવા માટે નેધરલેન્ડના રોટરડેમ શહેરના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. અને વોટર પ્લાઝા કોન્સેપ્ટ અપનાવવામાં આવી રહ્યો છે આવા કોન્સેપ્ટથી ઘણી સમસ્યાનો હલ આવશે.

વોટર પ્લાઝાની આસપાસ મલ્ટિ એક્ટિવિટી ઝોન પણ બનાવવામાં આવશે
વોટર પ્લાઝા એક વોટર બોડી હશે. જે મોટા એરિયામાં પાણીનો સંગ્રહ કરશે અને તેની આસપાસના વિસ્તારને પણ ડેવલપ કરવામાં આવશે. જેથી લોકો અહીં હરવાફરવા પણ આવી શકે અને અહીં મનોરંજનની પ્રવૃત્તિઓ પણ થઈ શકે એ રીતની પબ્લિક પ્લેસ બનશે. કુલ 5400 સ્ક્વેર મીટર જગ્યામાં આ પ્લોટ બનશે. 1 વોટર પ્લાઝા બનાવવા પાછળ અંદાજિત રૂ.5 કરોડનો ખર્ચ થશે.

રોટર ડેમ શહેરે સુરત મનપાને ડિઝાઈન આપી છે
નેધરલેન્ડના રોટરડેમ શહેરના આંતરરાષ્ટ્રીય સલાહકાર ઇસ્માય કેયુસ, મેયર ઓફિસના સલાહકાર કોર્જન ગેબ્રાડેએ ‘ગુજરાતમિત્ર’ને માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુરત અને રોટરડેમ શહેરનો એક કોમન ઈશ્યુ ફ્લડ છે. આ બંને શહેર નદી-સમુદ્રના મિલન સ્થળે આવેલાં છે જે ડેલ્ટા શહેર તરીકે ઓળખાય છે. રોટરડેમ દ્વારા 2010માં પ્રથમ વોટર પ્લાઝા બનાવાયો હતો. અને હાલ રોટરડેમમાં 25 જેટલા વોટર પ્લાઝા કાર્યરત છે. વોટર પ્લાઝામાં પાણી એકત્ર થાય છે અને એની ડિઝાઈન એ રીતની હોય છે કે, જેમાં પાણીને ડાયવર્ઝન આપવામાં આવે છે. સુરત શહેરને ડિઝાઈન, કન્સ્ટ્રક્શન અને મેઈન્ટેનન્સ તેમજ સ્ટ્રેટેજી શેર કરવામાં આવશે. તેમજ સમગ્ર પ્લાન પણ આપવામાં આવશે. જેથી સુરત મહાનગરપાલિકા આસાનીથી આ વોટર પ્લાઝા બનાવી શકશે. સુરતમાં વોટર પ્લાઝાને ખેલકુંડ નામ આપવામાં આવ્યું છે.

Most Popular

To Top