નિરાલી ઘરે આવી અને ટેનિસનું રેકેટ જોરથી ફેંક્યું. ઘરમાં બધા સમજી ગયા કે આજે નિરાલી ટેનિસની મેચ હારી ગઈ લાગે છે. કોઈએ તેને બોલાવવાની હિંમત ન કરી. થોડીવાર રહીને મમ્મી અને દાદી જ્યુસ લઈને ગયા. નિરાલી રૂમમાં સુનમુન પડી હતી. મમ્મીએ જ્યુસનો ગ્લાસ આપ્યો અને નિરાલીએ જ્યુસ પીવાની ના પાડી એટલે દાદી હાથમાં ગ્લાસ લઈને તેની બાજુમાં બેઠા અને પ્રેમથી પોતાના હાથે જ્યુસ પીવડાવવા લાગ્યા.નિરાલીએ ચુપચાપ જ્યુસ પી લીધો.
દાદીએ મમ્મીને તેલ ગરમ કરીને લાવવા કહ્યું અને પોતે નિરાલીના માથમાં તેલ માલીશ કરવા લાગ્યા. પ્રેમથી માથમાં તેલ માલીશ કરતા દાદી બોલ્યા, ‘દીકરા આજે મેચ હારી ગઈ ?’ આ સાંભળી નિરાલીની આંખોમાં આંસુ આવી ગયા તે બોલી, ‘દાદી, હા હું મેચ હારી ગઈ અને તે પણ એક નવી જ શીખવા આવેલી છોકરી સામે! દાદી હું ત્રણ વર્ષથી ચેમ્પિયન છું અને નવી છોકરીએ મને હરાવી દીધી એટલે બધા મારી મજાક કરવા લાગ્યા અને હજી કેટલી મજાક કરશે. મેં નક્કી કરી લીધું છે હવે હું ક્યારેય ટેનીસ નહિ રમું!’
નિરાલીની વાત સાંભળીને દાદીના માથમાં માલીશ કરતા હાથ અટકી ગયા. તેઓ બોલ્યા, ‘ના દીકરા મારી સામે જો, એક હાર કંઈ અંત નથી હોતો અને મારું માનવું છે કે સ્પોર્ટ્સમાં તો હાર જીત ચાલ્યા કરે અને તારા દાદા સારા ટેનીસ પ્લેયર હતા તેઓ હંમેશા કહેતા કે દરેક હાર તમને તમારી ગેમ સુધારવાની તક આપે છે.. કંઈક શીખવાડે છે… ફરી મહેનત કરી જીતવાની પ્રેરણા આપે છે.’ નિરાલી બોલી, ‘ના દાદી મારે હવે રમવું જ નથી ફરી હરીશ તો તો મારી બહુ મજાક થશે.’
દાદી બોલ્યા, ‘દીકરા એક હાર કઈ કાયમી હાર નથી…આજે તું કેમ હારી તે વિચાર કર… મેચનો વીડિયો હોય તો ફરીથી જો, નહિ તો તારા કોચ સર અને મિત્રોને પૂછ કે ભૂલ કયા થઇ અને તેમાંથી શીખ. ફરી એ ભૂલો ન થાય તેનું ધ્યાન રાખજે. જો દીકરા કોઇપણ રમત હોય કે જીવનના કોઈ સંજોગ એક હાર કયારેય કાયમી નથી હોતી, તેમાંથી શીખીને, પ્રેરણા લઈને હારને જીતમાં પલટી શકાય છે પણ છોડી દેવું અને મેદાન છોડીને ભાગી જવું એ કાયમી હાર છે છોડીને ભાગી ગયા બાદ તમરી જીતવાની કોઈ શક્યતા રહેતી નથી એટલે રમત હોય કે જીવન ક્યારેય કઈ છોડવાની વાત કરવી નહિ સમજી.’ દાદીએ નિરાલીને સમજાવી તેના મનની નિરાશા દુર કરી.નિરાલીના મમ્મી સવારે પ્રેક્ટિસ માટે જવાની બેગ પેક કરતા કરતા નિરાલી સામે હસ્યા. દાદી અને મમ્મીએ આપેલી હિંમતથી નિરાલીએ હારને જીતમાં બદલવાનો નિર્ણય કર્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.