તામિલનાડુના રાજકારણમાં કાયમ માટે વ્યક્તિપૂજા મહત્ત્વની રહી છે. એમ.જી.આર.ના મરણ પછી દાયકાઓ સુધી તામિલનાડુમાં કરુણાનિધિ અને જયલલિતા વારાફરતી સત્તા પર આવતાં રહ્યાં. જયલલિતાના મરણ પછી તામિલનાડુમાં શૂન્યાવકાશ પેદા થયો છે. તામિલનાડુના વર્તમાન મુખ્ય પ્રધાન પલાનીસ્વામી કોઈ કરિશ્મા ધરાવતા નથી.
જયલલિતાના મરણ પછી તેઓ તેમના વફાદાર હોવાને નાતે મુખ્ય પ્રધાન બની ગયા છે. જયલલિતાનાં ગાઢ સાથી શશિકલાને ભ્રષ્ટાચારના કેસમાં સંડોવીને જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.
શશિકલાની મહત્ત્વાકાંક્ષા જયલલિતાનાં વારસદાર બનવાની હતી, પણ તેમાં કેન્દ્ર સરકારની મદદ મળી નહોતી. શશિકલામાં કરિશ્મા છે અને તેમનો રૂઆબ પણ મહારાણી જેવો છે. બેંગલોરની જેલમાં ચાર વર્ષની સજા પૂરી કર્યા પછી શશિકલા તામિલનાડુના રાજકારણમાં પાછાં ફરી રહ્યાં છે ત્યારે ઉથલપાથલ થવાની છે.
તામિલનાડુમાં નજીકના ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ આ ચૂંટણી અન્ના ડીએમકેના ખભા પર સવાર થઈને લડી રહ્યો છે. જયલલિતાના મરણ પછી પલાનીસ્વામી અને પનીરસેલ્વમ જૂથ વચ્ચે સમાધાન કરાવવામાં ભાજપે મોટી ભૂમિકા ભજવી હતી.
અન્ના ડીએમકેની નબળી નેતાગીરીનો લાભ લઈને ડીએમકેના નેતા સ્ટાલિન સત્તા મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા છે. અન્ના ડીએમકેના કેટલાક નેતાઓ માને છે કે જો સ્ટાલિનનો મુકાબલો કરવો હોય તો શશિકલાને પાછાં પક્ષમાં લેવાં જોઈએ અને તેમને નેતૃત્વ પણ સોંપવું જોઈએ. હકીકતમાં શશિકલાની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.
બેંગ્લોરની જેલમાંથી મુક્ત થઈને શશિકલા પાછાં તામિલનાડુમાં આવી રહ્યાં છે ત્યારે તેમને આવકારવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જયલલિતાના મરણ પછી શશિકલાને પક્ષનાં મહામંત્રી બનાવવામાં આવ્યાં હતાં, પણ તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યાં તે પછી તેમણે પક્ષના નિર્ણયને અદાલતમાં પડકાર્યો હતો.
શશિકલાનો જન્મ તાંજોર જિલ્લાના મન્નારગુડીમાં થયો હતો. તેઓ તામિલનાડુની શક્તિશાળી પછાત જાતિ થેવરનાં સભ્ય છે. ઇ.સ.૧૯૭૫ માં શશિકલાનાં લગ્ન ચેન્નાઇના એમ.નટરાજન સાથે થયાં, જેઓ ડીએમકે પક્ષના કાર્યકર હતા. શશિકલાનાં લગ્નમાં ડીએમકેના સર્વેસર્વા કરુણાનિધિ હાજર રહ્યા હતા.
નટરાજન તામિલનાડુની સરકારમાં સહાયક જાહેર સંપર્ક અધિકારીનો હોદ્દો ધરાવતા હતા. તેમનું પહેલું પોસ્ટિંગ કડલોરમાં થયું હતું, જેનાં કલેક્ટર ચંદ્રલેખા એમ.જી. રામચંદ્રનની નજીક મનાતાં હતાં. શશિકલા ચેન્નાઇમાં વીડિયો શોપ ચલાવતાં હતાં.જયલલિતાને એમ.જી. રામચંદ્રને પક્ષનો પ્રચાર કરવાનું કામ સોંપ્યું હતું.ઇ.સ.૧૯૮૨ માં ચંદ્રલેખાએ શશિકલાની ઓળખાણ જયલલિતા સાથે કરાવી હતી. જયલલિતાએ શશિકલાને તેમનાં ભાષણોના વીડિયો બનાવવાનું કામ સોંપ્યું હતું.
શશિકલાએ તે કામ ખૂબીથી કરી આપ્યું હતું. જયલલિતાનાં ભાષણો ઉપરાંત પોઇસ ગાર્ડનના બંગલામાં જયલલિતાની અન્ય પ્રજાલક્ષી પ્રવૃત્તિઓને પણ શશિકલા વીડિયોમાં વણી લેતાં હતાં. આ વીડિયો જાહેર સમારંભોમાં દેખાડવામાં આવતાં હતાં, જેને કારણે જયલલિતાની લોકપ્રિયતા વધતી ગઇ હતી. ઇ.સ.૧૯૮૭ માં એમ.જી. રામચંદ્રન અને જયલલિતા વચ્ચે નાનકડી બાબતમાં અંટસ પડી ગયું તેને દૂર કરવામાં શશિકલાના પતિ નટરાજને મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.
ઇ.સ.૧૯૮૭ માં એમ.જી. રામચંદ્રનનું મરણ થયું ત્યારે તેમનાં વિધવા જાનકીરામનને તામિલનાડુનાં મુખ્ય મંત્રી બનાવી દેવામાં આવ્યાં અને જયલલિતાની હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે શશિકલા તેમની પડખે રહ્યાં હતાં. ઇ.સ.૧૯૮૮ માં તો શશિકલા પોતાના પતિ સાથે પોઇસ ગાર્ડનમાં રહેવા આવી ગયાં હતાં.
શશિકલા પોતાના એક પછી એક સગાને પોઇસ ગાર્ડનમાં લાવવા માંડ્યાં હતાં. તેમને દરેકને મહત્ત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી. શશિકલાના ભાઇ દીવાકરનને પોઇસ ગાર્ડનમાં સિક્યોરિટીની જવાબદારી સોંપવામાં આવી હતી.
તેઓ પોતાના ગામમાંથી મવાલીઓને લાવીને તેમને સુરક્ષા ગાર્ડ બનાવી દેતા હતા. આ સુરક્ષા ગાર્ડો જયલલિતાને મળવા આવતા ચાહકો સાથે તોછડું વર્તન કરીને તેમને તગેડી મૂકતા હતા. આ કારણે અમ્માની છાપ એકદંડિયા મહેલમાં રહેતા નેતા જેવી થઇ ગઇ હતી.
ઇ.સ.૧૯૯૧ થી ૧૯૯૫ દરમિયાન જયલલિતા તામિલનાડુનાં મુખ્ય મંત્રી હતાં તે દરમિયાન શશિકલાનાં ૧૭ સગાંઓએ તેમની સત્તાનો ઉપયોગ કરીને ભારે ભ્રષ્ટાચાર આચર્યો હતો. આ ભ્રષ્ટાચારના છાંટા જયલલિતાને ઊડતાં ૧૯૯૬ માં તેમને જેલમાં જવાની નોબત આવી ગઇ હતી.
જયલલિતા સામે જે ભ્રષ્ટાચારનો કેસ થયો હતો તેમાં સંગીત નિર્દેશક ગંગાઇ આમરણનો કિસ્સો બહુ ગાજ્યો હતો. ગંગાઇ પાસે ચેન્નાઇ નજીક મહાબલિપુરમ રોડ પર બાવીસ એકર જમીનમાં ફેલાયેલું ફાર્મ હાઉસ હતું. શશિકલાનાં સગાંઓ ગંગાઇ પાસે પહોંચી ગયાં હતાં અને કહેવા લાગ્યાં હતાં કે, તમારું ફાર્મ હાઉસ અમ્માને બહુ ગમી ગયું છે, માટે તેને વેચી કાઢો. આ ફાર્મ હાઉસ તેમણે માત્ર ૧૩.૧ લાખ રૂપિયામાં પડાવી લીધું હતું.
ઇ.સ.૧૯૯૬ માં જયલલિતા જામીન પર છૂટ્યાં તે પછી તેમણે રોષમાં આવીને શશિકલાને પોઇસ ગાર્ડનમાંથી હાંકી કાઢ્યાં હતાં; પણ ટૂંક સમયમાં અમ્માની માફી માગીને શશિકલા પોઇસ ગાર્ડનમાં પાછાં ફર્યાં હતાં. ઇ.સ.૨૦૧૧ માં જયલલિતાને શંકા ગઇ હતી કે શશિકલા તેમને ધીમું ઝેર આપીને મારી નાખવા માગે છે.
આ શંકાના આધારે ફરી વખત તેમણે શશિકલાની હકાલપટ્ટી કરી હતી; પણ શશિકલા સગાંઓ સાથે સંબંધ નહીં રાખે તે શરતે તેમને પુનર્પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે શશિકલાનાં સગાંઓ પોઇસ ગાર્ડનમાં પાછાં ફર્યાં હતાં. જયલલિતાના અંતિમ સંસ્કાર વખતે તેઓ શશિકલાની આજુબાજુ ફરતાં દેખાયાં હતાં.
જયલલિતાના મરણ પછી અન્ના ડીએમકે દ્વારા શશિકલાને પક્ષનાં મહામંત્રી તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં. તેમણે પોતાના વફાદાર મનાતા પનીરસેલ્વમને તામિલનાડુના મુખ્ય મંત્રી બનાવ્યા હતા. દરમિયાન તેમને ભ્રષ્ટાચારના કેસમાં જેલની સજા થઈ હતી. તેમની ગેરહાજરીમાં પનીરસેલ્વમ અને પલાનીસ્વામી સંપી ગયા હતા. તેમણે મળીને શશિકલાની પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી.
શશિકલાના ભત્રીજા દિનકરને તેની સામે કોર્ટમાં કેસ પણ કર્યો છે. હવે શશિકલા જેલમાંથી બહાર આવીને પક્ષનો કબજો પાછો લેવાના પ્રયાસો કરશે. તેમને અન્ના ડીએમકેના કેટલાક નેતાઓનો ટેકો પણ છે. તેઓ માને છે કે શશિકલા વગર તેઓ ચૂંટણી નહીં જીતી શકે. જો ડીએમકેને સત્તા પર આવતાં રોકવો હોય તો પણ શશિકલાને સુકાન સોંપવું જરૂરી છે.
કર્ણાટકમાં અન્ના ડીએમકેના મહામંત્રી એમ.પી. યુવરાજે શશિકલાને મળવાની કોશિષ કરી તો તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. શશિકલા જેલમાંથી બહાર નીકળ્યાં ત્યારે અન્ના ડીએમકેનો ઝંડો લગાવેલી ગાડીમાં હોટેલ ભણી હંકારી ગયાં હતાં. અન્ના ડીએમકેમાંથી હકાલપટ્ટી પછી તેમણે અમ્મા મુનેત્ર કળગમ નામનો પોતાનો પક્ષ બનાવ્યો છે.
પોતાના ભત્રીજા દિનકરનની મદદથી શશિકલા રાજકારણમાં પુનરાગમન કરવા માગે છે. આગામી ચૂંટણીમાં તેમની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. તામિલનાડુની પ્રજા અમ્મા (જયલલિતા) ના મરણ પછી ચિનમ્મા (શશિકલા) ને પસંદ કરી શકે છે.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.