અદાને કોઇ કહેતું નથી, ‘કયા અદા કયા જલવે તેરે અદા’ તેની કારકિર્દી અપ-ડાઉનથી ભરપૂર છે ને તેમાં અપ ઓછાને ડાઉન વધારે છે. તે પહેલેથી જ જાણી ગઇ હશે એટલે તેલુગુ, તમિલ ફિલ્મોમાં કામ કરવા માંડેલી. જો કે ત્યાં તે ટોપ સ્ટાર તો ન બની પણ કામ મળતું રહ્યું. વિક્રમ ભટ્ટે તેને ‘1920’ ફિલ્મમાં તક આપેલી. વિક્રમ તક આપે ત્યારે સમજવાનું કે બીજે તક નથી મળતી એટલે વિક્રમે તક આપી છે. તેને સ્ટ્રગલરને કામ આપવાનો આનંદ આવે છે ને સ્ટ્રગલર સાથે આનંદ માણે પણ છે. પણ વિક્રમ સાથેની ફિલ્મ સફળ જાય તો તેની હીરોઇન કોઇ સલમાન, શાહરૂખ ઋતિક, રણબીરની શું ટાઇગર શ્રોફનીય હીરોઇન ન બને. પણ હા, તેને લોકો ચાલેબલ માનવા માંડે એટલે કારકિર્દી આગળ તો વધે. અદા શર્મા ‘ફીર’, ‘હસી તો ફસી’, ‘કમાંડો-2’ થી આગળ વધી જ છે અને વિપુલ શાહની ‘ધ કેરલા સ્ટોરી’ તો અદાની પણ સકસેસ સ્ટોરી બની ગઇ છે. પણ તકલીફ એ કે રાજકીય વિચારવાળી એક ફિલ્મને સફળતા મળે તો તરત એવી બીજી ફિલ્મ મળે અને અદાને પણ ‘બસ્તર:ધ નકસલ સ્ટોરી’ મળી હતી. અદા હવે વિક્રમ ભટ્ટની ‘તુમકો મેરી કસમ’માં આવી છે અને ઇશ્વાક સીંઘ સાથે તેની જોડી બની છે. ફિલ્મમાં અનુપમ ખેરની ભૂમિકા મુખ્ય છે એટલે અને એશા દેઓલ પણ છે તો અદા બહુ આશાન રાખી શકે પરંતુ તેણે ટકવાનું છે તો ટટ્ટાર છે. તેની ‘ટિબ્બા’ અને ‘ધ ગેમ ઓફ ગિરગીટ’ છે. આ ફિલ્મો તેને આગળના કયા મુકામે લઇ જશે ? ગયા વર્ષે તો તેણે ‘રીટા સાન્યાલ’ નામની ટી.વી. શ્રેણીમાં રીટા સાન્યાલની ભૂમિકા કરેલી અને તે આ રીતે ટી.વી. શ્રેણી માટે તૈયાર જ રહે છે. ‘સન ફલાવર’માં રોઝી મહેતા અને તે પહેલાં ‘મિટ કયૂટ’માં શાલિની પણ તે બની હતી. અરે, તે તો મ્યુઝિલ વિડીયો મળે તે પણ કરી લે છે. ટકી જવા માટે કામ કરતા રહેવું. અદાને ચર્ચાસ્પદ ફિલ્મો મળે તો ગમે છે કારણ કે તેના કારણે ચર્ચામાં રહી શકાય છે. ચર્ચામાં રહેતા તેને આવડે ય છે. ભપ્પી લહરી જેવા સંગીતકારના મૃત્યુ વખતે પણ તે વિવાદાસ્પદ પોસ્ટને કારણે વિવાદે ચડેલી અને સુશાંત સીંઘ રાજપૂતનાં મૃત્યુ પછી તેના એપાર્ટમેન્ટ પર ગયેલી ત્યારે જ લોકોએ વિવાદ કરેલો. અદા શર્માનું તો નામ જ અદા છે તો અદા મારતી રહેશે. લોકો જુએ તો ન્યાલ, નહીં તો બેહાલ. •
