થિયેટરોમાં હિન્દી ફિલ્મો રજૂ કરવા નિર્માતાઓ ખચકાઇ રહ્યા છે ત્યારે ઓટીટી ઉપર પણ ફિલ્મોની રજૂઆત અટકી ગઇ હોવાથી દર્શકોને નવાઇ લાગી રહી છે. થિયેટરોમાં હિન્દી ફિલ્મો રજૂ કરવામાં આવી રહી નથી એ વાતનો લાભ લેવાનું ઓટીટી પ્લેટફોર્મ ટાળી રહ્યા છે. અત્યારે ભારતની ઇન્ગ્લેંડ સાથેની ક્રિકેટ મેચ કે પછી લગ્નની સીઝનને કારણે ઓટીટી પર દક્ષિણની અને હોલિવૂડની ફિલ્મો જ વધુ રજૂ થઇ રહી છે. ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં ઓટીટી પર શ્રુતિ હસનની તેલુગુ ફિલ્મ ‘પિટ્ટા કઠાલુ’, નોઆની હોલિવૂડ ફિલ્મ ‘ટુ ઓલ ધ બોયઝ’, મોહનલાલની મલયાલમ ‘દ્રશ્યમ ૨’ વગેરે આવી છે.
જેમાં અગાઉ હિન્દીમાં અજય દેવગન સાથે બની હતી એ ‘દ્રશ્યમ’ ની સીકવલ ‘દ્રશ્યમ ૨’ ચર્ચા જગાવી શકી છે. બધાંને ખબર છે કે એના પરથી હિન્દી ફિલ્મ બનવાની જ છે કેમ કે ‘દ્રશ્યમ ૨’ ની રજૂઆત પહેલાં જ ‘દ્રશ્યમ’ બનાવનાર નિર્માતા કુમાર મંગતે ‘દ્રશ્યમ ૨’ ના હિન્દીના હક્ક ખરીદી લીધા છે. જો કે, હિન્દી ‘દ્રશ્યમ’ નું નિર્દેશન કરનાર નિશિકાંત કામતનું ગયા વર્ષે અવસાન થયું હોવાથી નવા નિર્દેશકને બાગડોર સોંપવામાં આવશે. જુદા જુદા ઓટીટી પ્લેટફોર્મ પર હિન્દી વેબસિરીઝ ઘણી આવી રહી છે. 19 મી ફેબ્રુઆરીથી ‘ગર્લ્સ હોસ્ટેલ 2’, 20 મીથી ‘દેવ ડીડી 2′, 26 મીથી ‘1962: ધ વૉર ઇન ધ હિલ્સ’ અને ‘જમાઇ 2.0’, 28 મીથી ‘બેકાબૂ 2’, 8 મી માર્ચથી ‘ધ મેરિડ વુમન’ અને અંગ્રેજી ‘બોમ્બે બેગમ’ શરૂ થવાની છે.
ઓટીટી પર હિન્દી ફિલ્મો ઓછી રજૂ થઇ રહી છે. 19 મીએ ‘ટયુઝડેઝ એન્ડ ફ્રાઇડેઝ’ રજૂ થઇ છે. જ્યારે 26 મી ફેબ્રુઆરીએ પરિણિતિ ચોપડાની ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ આવશે. ઓટીટી પર મોટા સ્ટાર્સની મોટી ફિલ્મો રજૂ થવાની નથી. એ કારણે મોટા પડદાનું મહત્ત્વ ઓછું થવાનું નથી. સલમાન ખાન જેવા સ્ટાર પોતાની ફિલ્મો મોટા પડદા પર રજૂ કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. આ વર્ષે સલમાન ફિલ્મોની સંખ્યા બાબતે અક્ષયકુમારની સાથે સ્પર્ધા કરશે એમ લાગે છે. ખુદ સલમાન ખાને પોતાની પાંચ ફિલ્મો આ વર્ષે રજૂ થવાની હોવાની માહિતી આપી છે. જ્યારે અક્ષયકુમારની ચાર ફિલ્મો રજૂ થઇ શકે છે. 2019માં સલમાનની ‘ભારત’ અને ‘દબંગ 3’ આવી હતી. અક્ષયકુમારની ‘કેસરી’, ‘મિશન મંગલ’, ‘હાઉસફુલ 4’ અને ‘ગુડ ન્યૂઝ’ જેવી ચાર ફિલ્મો અને 2020 માં ઓટીટી પર ‘લક્ષ્મી’ આવી હતી.
સલમાન ખાનની ગયા વર્ષે એક પણ ફિલ્મ આવી ન હતી. કોરોના મહામારી અને લૉકડાઉનને કારણે સલમાનની ફિલ્મો પણ અટકી ગઇ હતી. આ વર્ષે તેની હાલમાં નિર્માણાધીન પાંચ ફિલ્મોની રજૂઆતની શક્યતા છે. એ સિવાય તેની નવી બે ફિલ્મોના નિર્માણની જાહેરાત થઇ શકે છે. સલમાન આ વર્ષે બોક્સઓફિસ પર અક્ષયકુમાર સામે મેદાન મારી જાય એવી શક્યતા છે કેમ કે તેની ફિલ્મો એકસો કે બસો કરોડની ક્લબમાં જ આવતી રહી છે. સલમાનની સૌથી પહેલાં ઇદ પર દિશા પટની સાથેની ‘રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ’ થિયેટરમાં આવશે. આ ફિલ્મ સાથે શાહરૂખ ખાન અને અજય દેવગન પણ અલગ રીતે જોડાઇ ગયા હોવાથી મોટી ફિલ્મ બનવાની છે. સલમાને ફિલ્મના વીએફએક્સનું કામ શાહરૂખની કંપની ‘રેડ ચિલીસ’ ને સોંપી દીધું છે.
તો અજયની કંપનીને પોસ્ટ પ્રોડક્શનનું કામ સોંપવામાં આવ્યું છે. સલમાને તેના બનેવી આયુષ શર્માની ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રુથ’ નું શુટિંગ પૂરું કરી લીધું છે. જુલાઇ માસમાં રજૂ થનારી નિર્દેશક મહેશ માંજરેકરની આ ફિલ્મમાં સલમાને એક શીખ પોલીસની ભૂમિકા ભજવી છે. ‘બિગ બોસ’ શો પૂરો થયા પછી તે માર્ચમાં સિધ્ધાર્થ આનંદ નિર્દેશિત શાહરૂખ ખાન સાથેની એક્શન થ્રિલર ‘પઠાન’ નું અને ‘ટાઇગર’ સીરિઝની ત્રીજી ફિલ્મનું કેટરિના કેફ સાથે શુટિંગ શરૂ કરશે. ‘ટાઇગર’ ના ત્રીજા ભાગમાં મુખ્ય જોડી સિવાય ઘણા ફેરફાર થયા છે. પહેલામાં કબીર ખાન, બીજામાં અલી અબ્બાસ ઝફર અને ત્રીજામાં નિર્દેશક મનીષ શર્મા છે. ફિલ્મમાં વિલન તરીકે ઇમરાન હાશમીનો પણ પ્રવેશ થયો છે. સલમાનની પાંચમી ફિલ્મ ‘કભી ઇદ કભી દિવાલી’ નું નિર્દેશન ફરહાદ શામજી કરવાના છે. સલમાન એમાં ડબલ રોલ કરવાનો છે. જેમાં એક હિન્દુ અને એક મુસ્લિમ છે. એમાં એ.આર. રહેમાનનું સંગીત છે. સલમાન ખાન આ વર્ષે મોટા પડદા પર મોટી ફિલ્મો સાથે દર્શકોનું ભરપૂર મનોરંજન કરવાનો છે.