Entertainment

લાઈટ્સ, કેમેરા તો ઠીક પણ જોહન માટે ફક્ત એક્શન

15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છે એટલે રાષ્ટ્રપ્રેમની ફિલ્મ રજૂ થાય તો પ્રસંગ સચવાયેલો કહેવાય. આ 14મી ઓગસ્ટે ‘અટેક’ રજૂ થઈ રહી છે. પરદા પર ‘રાષ્ટ્રપ્રેમી હીરો’ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે ને તેમાં અક્ષયકુમાર અને જોહન ઍબ્રાહમ મુખ્ય છે. વચ્ચે વચ્ચે સલમાનખાન, અજય દેવગણ વગેરે પણ રાષ્ટ્રપ્રેમી હીરો તરીકે દેખાય જાય છે. આમીરખાન પણ આ યાદીમાં નામ ધરાવે છે. પણ તે નિયમિત રીતે એવી ફિલ્મો નથી કરતો કે જે તેની ઈમેજ બની જાય. જોહન અૅબ્રાહમ એકશન માટે જાણીતો છે પણ એ એક્શનમાં રાષ્ટ્રપ્રેમ ધોળતો થઈ ગયો છે ત્યારથી વધારે બરકત રહે છે.

‘પરમાણુ-ધ સ્ટોરી ઓફ પોખરણ’ ‘સત્યમેવ જ્યતે’, ‘બાટલા હાઉસ’ પછી હવે ‘સત્યમેવ-2’ અને ‘એટેક’ આવી રહી છે. ‘સત્યમેવ જ્યતે-2’ આ વર્ષના એપ્રિલમાં રજૂ થઈ શકી નહોતી એટલે હજુ ય અધ્ધર લટકે છે પણ એટેક હવે રજૂ થશે. આ ફિલ્મો તો તે નિર્માતા પણ છે અને નિર્માતા તરીકે તેની આ નવમી ફિલ્મ છે આમ તેની કોમેડી કરવાનો શોખ છે પણ નિર્માતા હોય ત્યારે શક્ય ત્યાં સુધી કોમેડીથી દૂર રહે છે. હમણાં મે મહિનામાં ‘સરદાર કા ગ્રાન્ડસન’ નો તે એક પાર્ટનર હતો પણ તેમાં તેણે નાની જ ભૂમિકા કરેલી. એ જાણે છે કે કોમેડીમાં તે સારો નથી. 

અત્યારે જે કેટલાક એકશન હીરો છે તેમાં જોહન એ રીતે જુદો પડે છે કે તેનું ફોક્સ એકશન પર જ રહે છે બાકી અક્ષયકુમાર, અજય દેવગણ પણ એકશનમાં સારા છે. પરંતુ તેઓ બીજા પ્રકારની ભૂમિકાઓ પણ કરે છે. જોહન શાણો કહેવાય. તે રોમેન્ટિક યા કોમેડી ફિલ્મો માટે નથી. એટલે જ એક્તા કપૂર અને ભુષણ કુમારની ‘એક વિલન રિટર્ન્સ’ માં પણ તે એકશન જ કરી રહ્યો છે. ‘પઠાણ’માં શાહરૂખ, દિપીકા છે પણ એકશન માટે જોહન છે. આ ઉપરાંત ‘1911’ છે જેમાં તે આઝાદી પહેલાના ભારતમાં કોલકાતામાં જે ફૂટબોલ જંગ છેડાતો તેની વાત કરે છે મતલબ કે સ્પોર્ટસની કેપ્સ્યૂલમાં રાષ્ટ્રપ્રેમ ભરેલો છે.

હમણાં તેની કારકિર્દી ધીમી પડેલી જણાશે એનું કારણ એ નથી કે તેની પાસે ફિલ્મો નથી બલ્કે ગયા વર્ષે એકેય ફિલ્મ રજૂ ન થઈ અને આ વર્ષે તેની બે ફિલ્મ રજૂ થઈ પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર એટલે તે પોતાને ખુશ રાખી શક્યો નહીં.

‘એટેક’માં પ્રેક્ષક આવશે? થિયેટર ચાલુ હોય તે પણ પ્રેક્ષકો અત્યારે વધારે જોખમ લેવા તૈયાર નથી. જિંદગી સાથે મનોરંજન મેળવવાનો સોદો કોણ કરે? આ કારણે જ તેણે નિર્માતા તરીકે પણ નવી ફિલ્મ જાહેર નથી કરી. પરંતુ એટલું જરૂર કહી શકાય કે તેણે તેનો પ્રેક્ષકવર્ગ ઊભો કર્યો છે. જોહનના નામે ફિલ્મો જોઈ શકાય છે. આનું કારણ કદાચ એ પણ છે કે તેણે એક સમજદાર અભિનેતા તરીકે પ્રતિષ્ઠા ઊભી કરી છે. તેના નામે વિવાદો ચડતા નથી. હા, બિપાશા બસુ સાથે સંબંધ તોડયો ત્યારે તે ચર્ચામાં આવી ગયેલો પણ તે પોતે પ્રિયા રૂંચાલને પરણી ગયો અને બિપાશાએ પણ લગ્ન કરી લીધા એટલે જાહેરમાં એકબીજા વિશે બોલવાના ચાન્સ ઓછા થઈ ગયા.

બિપાશા ન પરણી હોત તોય જોહન વિવાદથી દૂર જ રહ્યો હોત. તે શાણપણ સમજે છે અને એટલે જ ફિલ્મ નિર્માતા તરીકે જ ફિલ્મો બનાવે છે. પારસી મમ્મી અને મલયાલી ખ્રિસ્તી પિતાનો આ દિકરો બહુ સારુ ગુજરાતી બોલે છે. તેનું પારસી ના ફરહાન હતુ પણ બાપ્ટિસ્ડ થયો પછી જોહન થઈ ગયો. પરંતુ જન્મયો છે મુંબઈમાં એટલે તમે તેને મુંબઈગરો કહો તે વધારે યોગ્ય છે. તેની ‘એટેક’ મુંબઈમાં થયેલા આતંકી હુમલા આધારીત છે. આજકાલ રમતના ખેલાડીઓની સ્ટોરી અને આવા હૂમલાઓ, ઘટનાઓ શોધી તેની પર ઘણી ફિલ્મો બન્યા કરે છે થોડી અસલ ઘટના સાથે કલ્પના ભેળવી સારો મસાલો ભરી શકાય છે અને રાષ્ટ્રપ્રેમ પણ જો બજાર તરીકે ચાલતુ હોય તો ફિલ્મવાળા શા માટે ન બનાવે? ‘એટેક’માં રાષ્ટ્રપ્રેમ જોવાશે કે જ્હોનની એકશન? ફિલ્મ રજૂ જ થઈ રહી છે તો જવાબ મેળવી લેજો.

Most Popular

To Top