National

યૂપી-રાજસ્થાનમાં વિજળીનો કહેર: જયપુરમાં આમેર મહેલ પર વીજળી પડતાં સેલ્ફી લઈ રહેલા 11નાં મોત

યુપી-રાજસ્થાનમાં વીજળી ત્રાટકતા 64 લોકોના મૃત્યુ થયા છે. જયપુરમાં ભારે વરસાદ દરમિયાન રવિવારે આમેર મહેલમાં ( AAMER MAHEL) બનેલા વોચ ટાવર ( WATCH TOWER) પર વીજળી પડી હતી. અહીં ફરવા આવેલા 35થી વધુ ટૂરિસ્ટ ( TOURIST) એની ઝપટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયાં છે. ઘટનામાં અનેક લોકો પહાડી પરથી નીચે ઝાડીમાં પડી ગયા હતા. ઘાયલોમાં હજુ અનેકની હાલત ગંભીર બનેલી છે. હાલ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે. રાજ્યમાં અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ બની છે, જેમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે.

વરસાદી માહોલ સર્જાતાં મોટી સંખ્યામાં લોકો આમેરની પહાડીઓ પર ફરવા નીકળ્યા હતા. અહીં ફોટોગ્રાફી અને સેલ્ફીનો સિલસિલો ચાલી રહ્યો હતો ત્યારે અચાનક વીજળી પડી હતી, જેને કારણે ત્યાં રહેલા અનેક લોકો દાઝી ગયા હતા, જેમાં અનેકની હાલત ગંભીર છે. અનેક લોકો ટાવર પરથી નીચે ઝાડીમાં પડી ગયા હતા. ઝાડીઓમાં પહોંચવું રેસ્ક્યૂ ટીમ માટે મુશ્કેલ છે. જેઓ નીચે પડી ગયા છે, તેમની બચવાની આશા ખૂબ ઓછી હોવાનું જણાવાઈ રહ્યું છે. રાતે આ કામ ખૂબ મુશ્કેલ બની ગયું હતું. ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં વરસાદ પડયો હતો. જેને પગલે 20 લોકોના મોત નિપજ્યા હતા. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક સ્થળોએ વિજળીની ઘટનામાં આ મોત નિપજ્યા હતા. બીજી તરફ દિલ્હીમાં હજુ પણ ચોમાસાની શરૂઆત નથી થઇ. જ્યારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે.

દરમિયાન ઉત્તરાખંડમાં એક આઠ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ઉત્તરાખંડમાં ભુસ્ખલનને કારણે એક મકાન તુટી પડયું હતું, જેને પગલે ત્રણ લોકો માર્યા ગયા હતા. બીજી તરફ રાજસ્થાનમાં સાત બાળકો સહિત દસ લોકોના વિજળી પડવાથી મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય છ બાળકો અને એક મહિલા સહિત 15ને ઇજા પહોંચી છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર ભારતમાં વિજળી પડવાની કેટલાક રાજ્યોમાં ઘટનાઓ સામે આવી છે.

રાજસ્થાન ડિઝાસ્ટર મેનેજમેન્ટના જોઈન્ટ સેક્રેટરી કલ્પના અગ્રવાલે જણાવ્યું કે રાજ્યમાં ઓછામાં ઓછા 23 લોકો વીજળી પડવાથી મોતને ભેટ્યા છે અને 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે યુપીમાં પણ વીજળી પડવાથી 41 લોકોના મોત થયા છે. રાજ્યના રિલીફ કમિશનર રણવીર પ્રસાદે કહ્યું કે અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી મુજબ રાજ્યમાં વીજળી પડવાથી 16 જિલ્લામાં થઈને 41 લોકોના મૃત્યુ થયા છે અને 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોના પરિજનોને 4 લાખની આર્થિક સહાય કરવામાં આવશે. આ ઉપરાંત તેમના જણાવ્યાં મુજબ યુપીમાં ઘાયલોને રાજ્ય સરકાર તરફથી સારવાર પૂરી પાડવામાં આવશે. આ  બાજુ આકાશી કહેરના કારણે 250 જેટલા પશુઓના મોત થયા છે અને 20 ઘાયલ થયા છે.

Most Popular

To Top