જિંદગીનો મતલબ માત્ર જીવતા રહેવું નથી. જિંદગીનો મતલબ જિંદગીને સોળે કળાએ જીવવી એ છે. જિંદગીની સફર જન્મથી શરૂ થાય છે અને છેલ્લા શ્વાસ સુધી જિંદગી ચાલતી રહે છે પણ જિંદગી ધબકતી હોય છે ખરી? જિંદગી રણકતી હોય છે ખરી? આપણી લાઇફ વિશે આપણે કેવું વિચારીએ છીએ? આપણી જિંદગી ‘ફુલ ઓફ લાઇફ’ ખરી? અરે ફુલ તો શું હાફ ઓફ લાઇફ પણ ખરી? માણસ માત્ર માટે ‘જિંદગી’થી વધુ પવિત્ર શબ્દ કયો હોઇ શકે? જિંદગીને પવિત્રતા કોણ આપે છે? ચારિત્ર્ય કોણ આપે છે?
જે પાત્રમાં પાત્રતા હોય અને જેની પાસે જીવનનો સ્વચ્છ અભિગમ હોય અને તે અભિગમ તરફ જેના કદમ ઊંચકાય એ માણસ જીવનને અર્થપૂર્ણ અને પ્રયોજનપૂર્ણ બનાવી શકે. આપણી દરેક પ્રવૃત્તિમાં રસ હોવો જોઇએ. જીવનમાં નીરસતા કોઇને ગમે નહીં. ભોજનમાં નીરસતા હોય તો ખાવાનું ભાવે નહીં. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા કેટલા બધા મસાલાનું મિશ્રણ કરીએ છીએ. જીવનને પણ રંગીન બનાવવા જીવનમાં રોમાંચ અને રસ હોવા જોઇએ. કશુંક સરસ જુએ, સાંભળે અને એની ચેતના થનગને નહીં તો એ માણસ માણસ નથી પણ રેશનકાર્ડ છે, સમસ્યા છે.
એક યુવાનની વાત – એ પહેલી વાર પ્લેનમાં બેઠો હતો. એની રગેરગમાં રોમાંચ હતો. પ્લેન ઊડયું પછી સતત બારીમાંથી જોતો હતો. મકાન નાનાં નાનાં થઇ ગયાં અને પછી અલોપ થઇ ગયાં. પ્લેન વાદળો વચ્ચે આવી ગયું. એ મનમાં ખૂબ ખુશી અનુભવતો હતો. એને થતું હતું કે હું તો જાણે રૂના પહાડોની વચ્ચે છું. તેણે બહારથી દ્રષ્ટિ ફેરવી પ્લેનની અંદર જોયું. તેની બાજુમાં જે માણસ બેઠો હતો તેનું મોઢું તરડાયેલું હતું. યુવાને તેને પૂછયું – ‘કે તમને રોમાંચ નથી થતો?’ પેલા માણસે કહ્યું – ‘હું પહેલી વખત વિમાનમાં નથી બેઠો. મને તો કંટાળો આવે છે કંટાળો!’ યુવાને કહ્યું કે ‘હું તો 50 કે 100 વાર પણ પ્લેનમાં બેઠો હોત તો પણ મને તો કદાચ આવો જ રોમાંચ થાત.’ રોમાંચને મારી નાંખવો કે જીવાડવો એ આપણા હાથની વાત છે.
જિંદગીની પ્રત્યેક ક્ષણને માણવાનો એક રસ હોવો જોઇએ. ઘણા માણસો એક જ ઘરેડમાં જીવતા હોય છે. એની એ જ વાત અને એ જ ક્રમ, એનું એ જ વિષચક્ર – ત્યારે લાગે છે માણસમાં અને ઘાણીના બળદમાં શું ફેર? જિંદગી અદ્ભુત છે જો અનુભવો તો ક્ષણો સુંદર બની જાય છે. ઘણાં પતિ – પત્ની સાથે રહેતાં હોય છે પણ દામ્પત્ય મરી ગયું હોય છે. રોમાંચ 100 જોજન દૂર હોય છે. રોમાંચ તરફડીને શ્વાસ છોડી દે છે પછી માત્ર શ્વાસ ચાલતા હોય છે, જિંદગી અટકી ગઇ હોય છે. પડયું પાનું નિભાવવું અને જીવવું એમાં ફરક છે. શ્વાસમાં સુગંધ નથી હોતી પણ જિંદગી જો ખીલેલી હોય તો જીવન મહેકતું રહે છે.
જિંદગી સરસ છે, અંગુરી જેવી, આસવ જેવી, સરસ શબ્દમાં રસ છે, તરસ શબ્દમાં રસ છે, બસ રસપાન કરો. જીવન રસપૂર્વક જીવો! ગમે તેટલી હતાશા હોય, જીવન અંધકારમય હોય પણ મન જોડે સમાધાન કરો અને સમજો. અંધકારમય રાત્રિમાં જ તારાઓના દર્શન થાય છે. રાતના સમયે રસપૂર્વક તારાઓને, ચંદ્રને જોવાને બદલે તમે રડયા કરશો તો ટાગોર કહે છે તેમ સૂર્યને પણ ચૂકી જશો. આનંદ માણવાની તક મળે એને ઝડપી લો.
હમણાં સાપુતારા ફરવા જવાનું થયું. વરસાદ અચાનક દેમાર પડવા લાગ્યો. પલળી ન જવાય એટલે બધા કોઇ દુકાનના છાપરા નીચે તો કોઇ ઝાડ નીચે તો કોઇ સિટી બસના સ્ટેન્ડમાં જલદી જલદી દોડયાં. બધા વરસાદથી બચવાના પ્રયાસ કરતા હતા પણ એક યંગ છોકરી ઘડિયાળ અને મોબાઇલ પર્સમાં મૂકી સખીને પર્સ આપી પડતાં વરસાદમાં હાથ પહોળા કરી એ વરસાદને મન ભરી માણવા લાગી. એની રગેરગમાં રોમાંચ હતો. એ યંગ છોકરી પોતાનામાં એવી તો ખોવાઇ ગઇ. કયારેક માણસ પોતાનામાં પણ ભૂલું પડવું જોઇએ.
આમ આપણે આપણામાં ભૂલું પડવું જોઇએ. આમ આપણે આપણામાં ખોવાઇ જઇએ તો શૂન્યમાંથી સર્જન થાય. પાણીના ટીપામાં આખો સાગર છલકાય, કૂંપળમાં પણ આખું જંગલ સર્જાય, કયારેક તો તમારામાં ભૂલા પડો! વરસાદમાં પલળતી છોકરીને જોઇ એક ભાઇ બોલ્યા, ‘આનંદથી જીવવાનો જીવનરસ. મજેની લાઇફ!’ આજુબાજુ ઊભેલા બધા બોલ્યા, ‘તમે પણ વરસાદને માણો. કોણ ના પાડે છે?’ ઘણા માણસોને ખાવાનો પણ ભાર, જીવવાનો પણ ભાર લાગે. જીવવા છતાં અર્ધા મરેલા, નિરાશ, હતાશ, ભાંગી પડેલા. આવા જીવનને બદલે જીવનના ધબકારા સાથે, ઉંમર સાથે, ચિત્તની પ્રફુલ્લતા સાથે જીવન જીવીએ તો કેવું સરસ.
એક પ્રેમી યુગલ બગીચામાં બેઠું હતું. પતંગિયાની ઊડાઊડ છોકરીને રોમાંચિત કરતી હતી. પ્રેમિકાએ પ્રેમીને કહ્યું, ‘જો તો કેવું સરસ પતંગિયું છે. રંગબેરંગી કોમળ પાંખો. મને તો ઊડતાં પતંગિયાં પકડવાનું મન થઇ જાય છે. ચાલ, આપણે બીજી બાજુ ફૂલોની કયારીમાં ખૂબ પતંગિયાં ઊડી રહ્યાં છે, તેની સુંદરતા માણીએ.’ પ્રેમી તરત જ બોલ્યો, ‘બેસ એમાં નવું શું છે?’ પ્રેમિકાએ કહ્યું – ‘તમે કેવા માણસ છો, તમને કોઇ વાતથી રોમાંચ થતો નથી? તમારી સંવેદનાઓ કેમ સાવ સૂકી છે. હું તો પતંગિયાથી જ નહીં, કોયલના ટહુકાથી પણ રોમાંચિત થઇ ઊઠું છું. હરણને છલાંગ મારતું જોઉં છું ત્યારે મારામાં તરવરાટ ઊભરે છે.
મેઘધનુષના 7 પટામાં મને સૂરજના 7 ઘોડા દેખાય છે. મારી અંદર બધું જીવે છે. તને આવતો જોઇને હું ખીલી ઊઠું છું. રોમાંચ તો અંદરથી અનુભવાવો જોઇએ. રોમાંચ ખતમ થઇ જાય તો જીવનમાં રહે શું? જિંદગી ‘FEEL’ કરવા માટે છે ‘KILL’ કરવા માટે નહીં.’ જે પોતાનામાં ખોવાઇ ન શકે તે કશામાં પણ ખોવાઇ શકતો નથી. જિંદગીને જીવવા જેવી રાખવી હોય તો રોમાંચ ઓસરવા ન દો. તો વાચક મિત્રો! તૈયાર થઇ જાવ રસીલું ધબકતું જીવન જીવવા. જેની જિજીવિષા પ્રબળ છે એને માટે કશું અશકય નથી. આ જીવનરસ જ સારસર્વસ્વ. જીવન આપણા સ્વપ્નમાં, આપણી વાસ્તવિકતામાં, આપણી લાચારીમાં, આપણી ખુમારીમાં, આપણા ગીતમાં, આપણા સ્મિતમાં, આપણા આંસુમાં, કતલખાનું હોય કે કબ્રસ્તાન માણસે જીવનનો દ્રોહ ન કરવો જોઇએ. માણસની ફિલિંગ્સ બહુ અગત્યની વાત છે.
સુવર્ણરજ
એક પાંદડી આપો,
આખું ફૂલ નહીં માંગું,
એક પાંદડી આપો રે મારા રાજ,
આખી વસંત મારી એ રહી.
– સુંદરમ્