જીવનમાં ઘણી વાર ઘણું બધું બહુ મોડું સમજાય છે. સહજ ભાવે જોતાં જીવનના ઘણા પ્રસંગો સામાન્ય લાગે છે, પણ જેમ જેમ સમય જતો જાય, આપણી સમજશક્તિ વિકસે-અનુભવ વધે-વધુ પુખ્તતા આવે તેમ કેટલુંક સત્ય સમજાય છે અને પ્રતીતિ થાય છે કે વાસ્તવિક પરિસ્થિતિનું જ્ઞાન મોડું થયું. એટલે તો કયારેક ગમે તેમ બોલાયેલા બોલ માટે તો કયારેક ન બોલવા માટે-કયારેક કરવા માટે તો કયારેક ન કરવા માટે સુજાતાને હંમેશ મનમાં બળાપો રહેતો હતો. સુજાતાને મનમાં પ્રશ્ન થતો શા માટે મેં આમ કર્યું? આમ ન કર્યું હોત તો કેવું સારું થાત! અને એ વિચારોએ મને ઘણી અસ્વસ્થ કરી મૂકી છે. મારી જાત ઉપર મને ગુસ્સો આવે છે. કયારેક વાણી પરનો સંયમ ચૂકી જવા માટે, ધીરજ ગુમાવવા માટે તો કયારેક કર્તવ્યની કેડી ચૂકી જવા માટે, ઘણો અફસોસ કર્યો છે.
હમણાં છ મહિના પહેલાં કોરોનાકાળમાં મારા સસરા મારા જેઠને ત્યાં કાયમ રહેતા હતા. બન્યું એવું કે જેઠને ત્યાં બધાંને છોકરા-વહુ, જેઠ-જેઠાણી બધાંને કોરોનાની બીમારી આવી. મારા જેઠનો ફોન આવ્યો પપ્પાને તમારા ઘરે લઇ જાવ. મારા પતિ સંદીપે મને વાત કરી. ‘‘હું પપ્પાને લેવા જાઉં છું.’’ મેં ઘસીને ના પાડી દીધી. સંદીપે મને કેટલી સમજાવી -‘‘આપણા પપ્પા છે, કાયમ તો આપણે એની સંભાળ રાખતા નથી. આવી પરિસ્થિતમાં તો આપણે જ સાચવવાના હોય ને? તેમાં તને વાંધો શું છે?’’
‘‘તમને વાંધો નહિ હોય, મને છે. એક તો તે લોકોના ઘરે બધાંને કોરોના થયો છે. તેમનામાં પણ રોગનાં ચિહ્નો હોય જ ને! એમના આવવાથી આપણે પણ સપડાઇ ગયા તો? એક તો ઘરમાં કામવાળી બાઈઓ નથી. બધાંની ઊઠવેઠ મારાથી નહીં થાય…’’ સંદીપે કહ્યું-‘‘સુજાતા થોડા દિવસનો જ સવાલ છે. માંદગી વખતે આપણે કામમાં ન આવીએ તો કેવું લાગે?’’
ખબર નહીં તે દિવસે હું એકની બે ન થઇ- હું ના પાડતી જ રહી. બેચાર દિવસમાં ખબર આવી પપ્પાને પણ કોરોનો થયો-ઓક્સિજનની કમી-હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અમે હોસ્પિટલ દોડ્યા-પણ બહાર બેસીને ઘેર પાછા આવ્યા. તબિયત વધુ બગડતી ગઇ અને પંદર દિવસમાં તો પપ્પા હતા ન હતા થઇ ગયા. મારી આ જડતા માટે મને ખૂબ દુ:ખ થયું. સંદીપને મારા આ વર્તનથી ખૂબ ખરાબ લાગ્યું અને એણે મને મારા આ વર્તન માટે કદી માફ નહીં કરી.
બીજો એક અફસોસ પણ મને ઘણો સતાવે છે. કુંવારી હતી ત્યારે પણ મેં મારું ધાર્યું જ કર્યું છે. બસ જોઇએ એટલે જોઇએ. બિચારી મા ગભરાતી ગભરાતી મારા શોખ પૂરા કરતી. ભણીગણી ડિગ્રી મેળવી સારી કંપનીમાં નોકરીએ લાગી પણ એ પૈસા મેં મારા મોજશોખમાં જ પૂરા કર્યા. ઘરમાં ભાઈ-ભાભી, તેનાં બાળકો હતાં. પરિસ્થિતિ સાધારણ હતી. મેં એક દિવસ પણ મા કે ભાઈના હાથમાં મારી કમાણીના પૈસા મૂકયા નથી. કોઇ દિવસ માતાને માટે એક સાડી ખરીદીને એને પહેરાવી નથી. ભાઈનાં બાળકોને ખુશ કરવા એક કેડબરી લાવીને પણ આપી નથી. આ બધું યાદ આવે છે ને જીવ બળીને ખાખ થઇ જાય છે. અફસોસ થાય છે. મારા પ્રમાદ માટે. સાચા નિર્ણય લેવાની અશક્તિ માટે. ખોટા નિર્ણયો કરી જિંદગીમાં મુશ્કેલીઓ ઊભી કરવા માટે.
યુવાવસ્થામાં આવા ઘણા પ્રસંગો બન્યા. પણ વર્ષોના વીતવા સાથે અનુભવથી સમજાયું છે કે ભૂતકાળના પ્રસંગોને, ઘટનાઓને વાગોળવાથી ઘણી વખત માત્ર દુ:ખ જ પ્રાપ્ત થાય છે. જે થયું તે ન થયું બનતું નથી. યાદ કરવાથી માત્ર વેદના જ ઘૂંટાતી રહે છે. કવિ મનસુખલાલ ઝવેરીની એ પંક્તિ હું ઘણી વાર મનમાં યાદ કરું છું- ‘જિંદગી કંઇ ગણિતની રકમ નથી કે દાખલો ખોટો થતાં ભૂંસીને ફરીથી લખી શકાય.’’ સરી ગયેલી પળો ફરી કદી આવતી નથી. આપણે તો નવી પળને જ ઘડવાની હોય છે. મનમાં નિશ્ચય કર્યો ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવવાનો.
કયારેક બે નાનકડા શબ્દો વેરી સોરી ન બોલવા માટે પણ પછીથી પશ્ચાત્તાપ થયો છે. મારા જેઠાણી રીતુભાભી સાથે બોલાચાલી થઇ ગઇ. મારી વાત સાચી હતી પણ એમને ખોટું લાગી ગયું- એમનું અપમાન કરવાનો મારો કોઇ ઇરાદો ન હતો. ત્યારે મારે બે જ શબ્દો વેરી સોરી બોલવાના હતા- પણ એ હું બોલી ન શકી કારણ વચમાં મોટો અહમ હું શું કામ માફી માગું? કુટુંબમાં વિખવાદ કરનાર ખરેખર આ હુંપણું જ છે.
મારાં બાળકો પર પણ એની નાનીસરખી ભૂલો માટે વધુ પડતો ગુસ્સો કરી મારી મારીને તેઓનાં હાડકાં ખોખરાં કર્યાં છે. કેટલીય વખત હું ભૂલી ગઇ છું એના સહજ તોફાન-મસ્તીને સ્વીકારી લેવાને બદલે એને ડાહ્યાડમરા બનાવવામાં બાળકોને લીધે કેટલોય કલેશ કર્યો છે. આજે આ બધી ભૂલો સમજાય છે. મારા ખુદના દામ્પત્યજીવનમાં પણ હું શાંતિથી ગોઠવાઈ નથી. સંદીપ જેવો ઘરમાં આવે કે મારી રેકર્ડ ચાલુ થઇ જાય આજે ઘરમાં ઝઘડો થયો. છોકરાંઓ ભણતાં નથી-ઘરમાં ગેસ સિલિન્ડર ખલાસ થઇ ગયું છે. ખાંડ નથી-અનાજ ખૂટયું છે. આ મોંઘવારીમાં ઘર ચલાવતાં હું થાકી ગઇ છું.
સંદીપ જોરથી બરાડી કહેવા લાગ્યો-‘‘એક તો મારું માથું ફાટી જાય એટલું દુ:ખે છે. તેમાં તું માથું વધારે પકવે છે. એક તો તારી ફરમાઈશ અને બીજી બાજુ ઓફિસમાં ઉપરી લોહી પીએ. સુજાતા, તું ઘરે બેસીને ઘરનાં કામ તો જાતે મેનેજ કર. સામાન્ય રીતે કામ તો બધાંને કરવું પડતું હોય છે. પરિસ્થિતનો સામનો પણ કરવો પડે છે. તો શા માટે સતત ટેન્શન અને એકબીજા પર બંને ગુસ્સો કરીએ?
તું થોડો મારો પણ વિચાર કર. ચિંતા-માનસિક તાણ અને ક્રોધ એ તો વિષમ કીટાણુઓ કરતાં પણ આપણા સ્વાસ્થ્ય માટે વધુ જોખમરૂપ છે.’’
હું જાણું છું પતિની વાત સો ટકા સાચી છે.પણ મારા સ્વભાવ પર આ અસર થોડી વાર જ રહે અને ફરી પાછું મારું અસલ સ્વરૂપ આવી જ જાય છે. આજે કેટલાં વર્ષો પછી દરેક વસ્તુની સારપ હું સમજી શકી છું પણ પાણી વહી ગયાં પછી… શું? પાણી પહેલાં પાળ બાંધવાની જરૂર હતી. ખૂબ મોડું સમજાયું.! તો વાચકમિત્રો, આપણાં સૌના જીવનમાં આવું કયારેક ને કયારેક બને જ છે. તો પહેલેથી જ સજાગ બની જઈએ જેથી ખોટું વેતરાઈ નહીં જાય. ખરું ને?