Charchapatra

જિંદગી એક સફર હૈ સુહાના

ચાલો ફરી એક જન્માષ્ટમી ગઈ. શંખનાદ થયા, ઘંટનાદ થયા, પંજેરી ખાધી ને મંજીરા પણ ઠોકી લીધા. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી..! આવતા વર્ષ સુધી નિરાંત..! આવતા વરસે ફરી જનમ થશે. ત્યાં સુધી એ એમના રસ્તે ને આપણે આપણા રસ્તે..! જય કનૈયા લાલકી..! ચમનીયો આજે તોફાની moodમાં લાગતા પૂછ્યું, “ ચમના..! આજે કેમ હાઈ-વેનાં ખાડા ખાબોચિયા જેવા વેણ કાઢવા માંડ્યા.? સાતમ આઠમની રમતમાં પરવારી ગયેલા કે શું..? 

નારેના..! આ તો વિચાર કરું છું કે, આવું સાડા પાંચ વરસથી હાલે છે..! ગીતામાં promise આપ્યું છે છતાં, માધવ જનમ લેતા નથી. ઉકળાટ તો થાય ને યાર..!  આજે ચારેય બાજુ સૂર કરતાં અસુરોના રાફડા વધી ગયા. બે-ચાર તો મહોલ્લામાંથી પણ નીકળે. પણ જેવી જન્માષ્ટમી આવે એટલે હરખની હેડકી ઉપડે..! ‘સરકાર આપને દ્વાર’ આવી હોય એમ સૂર હોય કે અસુર બધા જ, ઘેલા હો માનવી બની જાય..!  આખું વર્ષ મંદિરમાં જઈને તાળી નહિ પાડનારને પણ, ઢોલ-નગારા ને મંજીરા ઠોકવાની ‘ઈમ્યુનીટી’ આવી જાય..!  ટીવીની બધી ચેનલો મરી પરવારે, ને માત્ર શ્રીકૃષ્ણની ચેનલ ઉડી ઉડીને આંખે વળગે.

પારણે પોઢેલા ભગવાન પણ અચંબામાં પડી જાય કે, જન્માષ્ટમીની એક જ પડીકીમાં આટલી બધી સફેદી આવી ક્યાંથી..?  પછી થાય શું ખબર છે..? જનમ થયાને હજી ૧૦ મિનીટ ના થઇ હોય,  ત્યાં પારણું ઝુલાવવા સાથે ભક્તોના માંગણા પત્રક શરુ થઇ જાય..! ભગવાન વિચારે કે, આ મારા વધામણા કરવા આવ્યા છે કે, ફરિયાદોના લોકમેળામાં..?  અમુક તો વિરોધ પક્ષની મથરાવટી સાથે આવ્યા હોય એમ, જાહેરમાં બરાડા પાડે કે, “ જય રણછોડ માખણચોર…! ગોકુળમાં કોણ છે, કાળો કાળો ચોર છે.” એના કપાળમાં કાંદા ફોડું જાણે પાછા વળવાના ચીહાળા પાડતા હોય એમ હલ્લો કરે. ભગવાન પણ વિચારમાં પડી જાય કે, આ લોકો મને રમાડવા આવ્યા છે કે, મારા વગોવણા કરવા..?

ભગવાનશ્રી કૃષ્ણને ઓળખવા યશોદાની આંખ અને દેવકીનો પાલવ જોઈએ. રાધાનું હૃદય અને વાસુદેવની છત્રછાયા જોઈએ. અર્જુનની શ્રધ્ધા અને દ્રૌપદીની આસ્થા જોઈએ. ભક્તિની ભીનાશ અને સુદામાની મિત્રતા જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ વિષે બોલવું, લખવું કે હસાવવું સહેલું નથી, હાંફી જવાય યાર..! મોટા જોડામાં પગ નાંખીને ડુંગરા ખુંદવાનું સાહસ વ્હોરતા હોય એવું લાગે..! નહિ ચલાય નહિ ઘસડાય..!  ‘ફીઈઈણ-ફીઈઈણ’ નીકળી જાય. એમના વિષે મારે જો લખવું હોય તો,’ દેશી ઉંદરડું ગણપતિદાદાની આત્મકથા લખવા બેઠું હોય એવું લાગે..!’ 

ચોખ્ખો હરિરસ પણ ઝરવો જોઈએ ને..? જન્મોત્સવ આવે એટલે. માખણની ચોરી યાદ આવે,  સખાને મદદ કરવાની વાત યાદ આવે, નરસૈયાની હુંડી સ્વીકારવાની વાત યાદ આવે, ગોપીઓના ચીર હરવાની વાત યાદ આવે કે દ્રોપદીના ચીર પુરવાની વાત યાદ આવે, પણમાત્ર કૃષ્ણની જ યાદ આવે..! આવી અનેક યાદોમાં પાછી જીવતરની ફરિયાદ તો હોય જ..! (તુમ્હીને દર્દ દિયા તુમ્હી દવા દેના ) જિંદગી સહન નહિ થાય એટલે સીધો છેડો કાપવાની જ વાત કરે. શ્વાસ ભલે લાંબા હોય પણ જીવતર ટૂંકાવી દેવાના અઘોરી વિચાર આવે. ત્યારે જન્માષ્ટમી એક એવું ટોલ નાકું છે કે, એને રોકે-ટોકે-રાહત આપે  ને વિચારો બદલવામાં બે પંપ મારી આપે…!

૮૪ લાખ ફેરાની વાતો તો શાસ્ત્ર ઘણી કરે. નેતાજીના વચન જેવી  સાચી હોય કે ના હોય એમાં મારે ડૂબકી મારવી નથી, પણ, દરેકના નસીબમાં મરણ તો હોય જ..! ધરતી ઉપરથી  વિદાય થયેલો માણસ પાછો આવીને ‘હેલ્લો’ કહેવા કે પોતાની જમીનનો ૭+૧૨ નો ઉતારો શોધતો આવ્યો નથી. દરેક વ્યક્તિ  Return ટીકીટ લઈને જ આવે. વિદેશમાં તો વિઝા પૂરા થવા છતાં, ચોંટી પડયાના બનાવો બનતા હશે, બાકી ધરતીના વિઝા પૂરા થાય એટલે  ચાલતી જ પકડવાની..! ક્યારેક આડું-અવળું થાય પણ કહ્રું. એ માટે ગળામાં ગાળિયો નાંખીને ભગવાન સાથે બળવો નહિ કરાય. ભગવાન  ભેજાબાજ છે. એ સમયે સ્વીચ પાડી જ દે.  એ પહેલા નોટીશ પણ મોકલાવે.

જેમ  કોઈ મોટો નેતા વિદેશ જાય તે પહેલા એમનો સરસામાન પહોંચી જાય, ને પછી નેતા જાય એમ, જીવતરની દોરી ખેંચતા પહેલા વાળની સુવિધા ઉઠાવી લે, દાંતની ઉઠાવી લે, આંખની ઉઠાવી લે, કાનની  ઉઠાવી લે, શરીરની ઉઠાવી લે એમ, સઘળી સુવિધા ઉઠાવી લીધા પછી જ ધંતુરાને ઉઠાવે..! પછી ભલે ને, પાકટ વયે ઘોડે ચઢેલો હોય તો પણ વિઝા પુરા થાય એટલે ઘોડા ઉપરથી પણ ઉથલાવી દે.. ! કડક તો રહેવું જ પડે ને મામૂ..? મૃત્યુનો ધાક ના હોય તો, આ બધા તો ધરતી પણ નામે કરાવી લે એવા..! તંઈઈઈઈ..? મૃત્યુનો ડર છે, એટલે તો જીવડો સખણો છે. બાકી કોરાનાને પણ ઘોડાની જગ્યાએ બાંધીને કોરાના-ગાડી બનાવી ‘’હોલી-ડે’ કરવા જાય તેવા..!

હતાશા નિરાશાના આફરા નહિ ચઢે એ માટે તો ભગવાન તહેવારોના ટોલ-નાકા આપે ખરો,  પણ જીવડાને ગુંચવાયેલી દોરી જેવો તો રાખે. દોરીનો ગુચ્છો દેખાય, પણ છેડો નહિ જડે..! જજેલાવાળી જિંદગીને પણ જીવતી  રાખે. જિંદગી ગમે કે ના ગમે પણ સવાર પડે એટલે, જિંદગી  ‘જીન’ ની માફક ‘જી હજૂર’ કરીને હાજર તો થઇ જાય. આપણે ત્યાં તો રોજ સુરજ  ઉગે, એટલે કીમત ઓછી. બાકી પ્રશ્ચિમના દેશોમાં તો જે દિવસે સુરજ ઉગે તે દિવસે, ભગવાન સાક્ષાત ‘હેલ્લો’ કરવા આવ્યા હોય એટલો આનંદ લુંટે..! જે લોકો કોઈપણ કારણવશ જિંદગીને ફેંદે છે, જિંદગી ટૂંકાવે છે, એ મહાપાપ અને ઈશ્વરની સામેનો ફિટકાર છે. યાદ રાખવાનું કે, આવતા વરસે પણ જન્માષ્ટમીનું પારણું ઝુલાવવાનું છે જાહેરાત જેવો માલ નહિ મળે તો, અકળાવાય નહિ. ઉડતા પ્લેનના દરવાજામાંથી ધક્કો મારીને ફેંકી દીધો હોય એમ, કકળાટ નહિ કરવાનો. મનની શાંતિ વિધવા બની જાય. આ બધું ફટાકડાની લૂમ જેવું છે યાર..? 

લૂમમાં ગોઠવાયેલા બધા જ ફટાકડા સરસ લાગતા હોય, પણ બધા જ ફૂટતા નથી. સરસ દેખાતા ફટાકડા પણ સુરસુરિયાની જમાતના નીકળે. સ્વીકારી લેવાનું કે, ફૂટે તો ફટાકડો, નહિ તો સુરસુરિયું..! સુરસુરિયાની પણ મઝા માણવાની ત્રેવડ રાખવી પડે મામૂ..! ગામને ગોકળિયું બનાવવું હોય તો, ઉભા વાંહડાનએ પણ વાંહળી બનવું પડે. ફૂંક મારવાની ફાવટ હશે તો, વાંહળી પણ વાગશે. ને વાંહળી વાગશે તો જ કાનુડાને ખોળામાં રમાડતો હોય એવો શકુન મળશે, તંઈઈઈઈ..! 

લાસ્ટ બોલ
ચમનીયો કહે, આજે પણ મારા ખિસ્સામાં વાઈફને બદલે, હું ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો ખિસ્સામાં રાખું છું. ઘણા તો વાઈફનો ફોટો રાખે..! કદાચ એને એમ હશે કે, ભગવાન તો આવે ત્યારે આવે, તત્કાળ હળવા થવું હોય તો, વાઈફનો ફોટો જ કામ આવે..!  જાગૃત રહેવાય કે, આનાથી વિશેષ મુશીબત આવવી ના જોઈએ..!
એના કપાળમાં કાંદા ફોડું. આ તો  હસવા-હસાવવાની વાત,  બાકી મેટરમાં કોઈ Taste (સ્વાદ) નહિ..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top