Business

જીવન રેતીનું ઘર

ગામડામાંથી આખું ફેમીલી મુંબઈ ફરવા આવ્યું.મુંબઈનો દરિયો જોઇને બધાં ઘેલાં ઘેલાં થઈ ગયાં.ચોપાટીની રેતીમાં બેઠાં.દરિયાનાં મોજામાં પગ બોળ્યા.પાંઉભાજી અને ભેળની મજા માણી.નાનાં બાળકોએ સાથે લાવેલાં સાધનો અને મોટા ભાઈની મદદથી રેતીનું ઘર બનાવવા લાગ્યાં. મહમહેનતે ઘણી ચીવટથી સુંદર રેતીનું ઘર બનાવ્યું.નાનકડી રૂપા ઘર જોઇને ખુશ ખુશ થઇ ગઈ અને બધાને ઘર જોવા બૂમ પાડી.ઉત્સાહથી ઉછળતી રૂપા હજી બોલતી હતી કે, ‘જુઓ અમે કેટલું સરસ ઘર બે માળનું બનાવ્યું,આ આંગણ ,આ ગાર્ડન ,આ રસોઈ ,આ ઉપર જવાનો રસ્તો ….આ બારી …આ દરવાજો …’ હજી બધાં ઘરને મન ભરીને જુએ અને કૈંક બોલે તે પહેલાં જ દરિયામાં ભરતીનું પ્રમાણ વધ્યું અને એક પાણીનું મોજું આવ્યું અને બધી રેતી સરીને પાણીમાં ભળી ગઈ. ઘરનું કોઈ નામનિશાન ન રહ્યું.

નાનાં મોટાં બધાં જરાક ઉદાસ થઇ ગયાં.નાનકડી રૂપા તો રડવા જ લાગી. બધાં તેને શાંત કરવામાં પડ્યાં.પપ્પાએ કહ્યું ‘આ લે ચોકલેટ.’ ભાઈએ કહ્યું, ‘જો મેં ફોટો પાડ્યો છે.’ બહેન બોલી, ‘ચલ ફરી બનાવીએ..’ મમ્મીએ કહ્યું, ‘બે ઘડી ગમ્મત હતી.  રેતીનું ઘર તો તૂટી જ જાય ને.’ આવો નાનકડો પ્રસંગ લગભગ રોજેરોજ ક્યાંક ને કયાંક બીચ પર સર્જાતો જ હશે.પણ આ પ્રસંગમાંથી ઘણું સમજવા જેવું છે.આપણું જીવન પણ આ રેતીના ઘર જેવું જ છે.કેટલી મહેનત અને ભાગદોડ કરીને આપણે ઘર બનાવીએ અને પળવારમાં ભૂંસાઈ જનારા રેતીના ઘર જેવા આભાસી સુખને મેળવીને ખુશ થઈએ અને જયારે તે સુખ હાથમાંથી છટકી જાય ત્યારે દુઃખી થઈને રડવા લાગીએ છીએ.

પછી તે દુઃખને ભૂલવા આપણે ચોકલેટની જેમ તરત મળી જતો આનંદ શોધીએ છીએ અથવા ફોટો જોઇને ભૂતકાળના સુખમાં જ જીવીએ છીએ અથવા ફરી ભાગદોડ મહેનત કરી ફરી તે જ આભાસી સુખ મેળવવાની કવાયત શરૂ કરીએ છીએ. પણ અહીં સમજવાનું છે કે જેમ રેતીનું ઘર બે ઘડી ગમ્મત હતી, તે તો તૂટી જ જાય તેમ આપણા જીવનનાં બધાં આભાસી સુખો થોડી વારની ખુશી છે.પ્રસન્ન જીવન જીવવા કોઈ આભાસી સુખની નહિ પણ મનના આનંદની જરૂર હોય છે. તે મળે છે અંદરથી ,આપણા સ્વભાવથી, મનના સંતોષથી ,આપણા વ્યવહારથી, આપણી સમજથી… ચાલો, સ્નેહ ,સંતોષ, સરળતા ,ક્ષમા સાથે ખરું પ્રસન્ન જીવન જીવીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top