Vadodara

૭ વર્ષની તાન્યાને નદીમાં ફેંકી દેનાર માતા-પુત્રોને આજીવન કેદ

નડિયાદ: નડિયાદના ચકચારી તાન્યા પટેલ અપહરણ અને હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી, તેના નાના ભાઇ અને તેની માતાને નડિયાદ કોર્ટે છેલ્લા શ્વાસ સુધી કેદની સજા તેમજ રૂ. ૪ લાખના વળતર આપવાનો હુકમ કર્યો હતો. નડિયાદમાં સંતરામ દેરી રોડ પર આવેલ લક્ષ ડુપ્લેક્ષમાં રહેતો મીત ઉર્ફે ભલો વિમલભાઈ પટેલને ક્રિકેટનો સટ્ટો રમવાના ચક્કરમાં લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જેથી દેવું ભરપાઈ કરવા માટે મીત પટેલે તેના પાડોશમાં રહેતી ૭ વર્ષીય તાન્યાનું અપહરણ કરી, તેની દાદી પાસેથી ૧૮ લાખની ખંડણી માંગી હતી. જે મુજબ તા.૧૮-૯-૨૦૧૭ ના રોજ મીત પટેલે તેના ભાઈ ધ્રુવ ઉર્ફે બબુ વિમલભાઈ પટેલ, માતા જીગીશા પટેલ તેમજ અન્ય બે કિશોરવયના મિત્રોની મદદથી તાન્યાનું અપહરણ કરી, વાસદ નજીકથી પસાર થતી મહિસાગર નદીના બ્રિજ ઉપરથી તાન્યાને જીવતી નદીમાં ફેંકી તેની હત્યા કરી હતી.

પુત્રીની હત્યાથી અજાણ તાન્યાની દાદી અને પરિવારજનો તેને શોધતા અંતે સમગ્ર મામલાની તપાસમાં પોલીસે તાન્યાનું અપહરણ કરી, તેની હત્યા કરવાના આરોપમાં મીત, તેના નાના ભાઇ ધ્રુવ, માતા જીગીશાની અટક કરી હતી. આ ઉપરાંત ગુનામાં સંડોવાયેલા બે કિશોરો સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન બુધવારે નડિયાદના એડી.સેસન્સ કોર્ટના ન્યાયાધીશ ડી આર ભટ્ટની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ ગોપાલ.વી.ઠાકુર, પી.આર.તિવારી તેમજ ફરીયાદી પક્ષના વકીલ સંઘર્ષ.ટી.બાજપાઈ દ્વારા ૨૯ સાક્ષીઓ તેમજ ૯૭ કરતાં વધુ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યાં હતાં. ખંડણી માંગવાના ઈરાદે ૭ વર્ષની બાળકીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારનાર આરોપીઓને સખત સજા કરવા દલીલ કરી હતી. જેને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ ડી.આર.ભટ્ટે ત્રણેય આરોપીઓને જીવનના છેલ્લાં શ્વાસ સુધીની (આજીવન) કેદની સજાનો હુકમ તેમજરૂ.૩૦,૦૦૦ નો દંડ અને રૂ. ૪ લાખના વળતરનો હુકમ કર્યો હતો.

તાન્યાનો હત્યારો મીત – શહેરના ચકચારી કલ્પના રોહિત આપઘાત કેસમાં પંચ હતો
તાન્યા અપહરણ અને હત્યા પ્રકરણનો મુખ્ય આરોપી મીત પટેલ તાન્યા પ્રકરણના થોડા દિવસ પહેલાં જ શહેરના કલ્પના રોહિત આપઘાત કેસમાં પંચ તરીકે હાજર રહ્યો હતો. કલ્પના રોહિત આપઘાત કેસમાં પોલીસની સાથે સતત હાજર રહેતાં મીતને તાન્યાના ઘરે જોઇને કેટલાક લોકોને આશ્ચર્ય પણ થયું હતું.

મીતના પિતાએ જ ૧૬૪ મુજબનું નિવેદન આપ્યું હતું
તાન્યા અપહરણ અને હત્યા કેસમાં મીતના પિતાનું નિવેદન અત્યંત મહત્વનું સાબિત થયું હતું. મીતના પિતા વિમલ પટેલે બંને પુત્ર અને પત્ની વિરૂધ્ધ નિવેદન આપ્યું હતું. સ્ટાર વિટનેસ બનેલા વિમલભાઇ પટેલ બુધવારે જ્યારે પત્ની અને પુત્રોને સજા સંભળાવાઇ ત્યારે કોર્ટમાં હાજર નહોતા રહ્યા.
વકીલે એક પણ રૂપિયો ફી ન લીધી
સમગ્ર મામલામાં ફરિયાદી પક્ષના વકીલ સંઘર્ષ બાજપાઇ દ્વારા માસુમ તાન્યાનો કેસ લડવામાં આવ્યો હતો. આ કેસમાં સંઘર્ષ બાજપાઇ દ્વારા એકપણ રૂપિયો ફી પેટે લેવામાં આવ્યો નહતો. નગરની માસુમ દીકરીને ન્યાય અપાવવાની લડતમાં સંઘર્ષ બાજપાઇએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

જીગીશા ચંપલ પહેર્યા વગર કોર્ટમાં હાજર રહી
રૂ. ૧૫ લાખ માટે માસુમ તાન્યાનું અપહરણ કરી તેની હત્યા કરવાના કાવતરામાં પોતાના બે પુત્રોને મદદરૂપ થનાર જીગીશા પટેલ બુધવારે કોર્ટમાં ચંપલ પહેર્યા વગર હાજર રહી હતી. ચુકાદો સાંભળ્યા બાદ તે ચિંતીત થઇ હતી. કોર્ટથી જેલ પરત જતી વખતે તેણે પુત્ર ધ્રુવને પોતાની બાજુમાં બેસાડ્યો હતો.
કુસુમ બા સાથે પોલીસને ઘટનાની જાણ કરવા મીત ગયો હતો
તાન્યા ગુમ થયા બાદ પરિવાર સાથે પાડોશીઓ દ્વારા તેની શોધખોળ શરૂ કરાઇ હતી.તાન્યાનું અપહરણ અને હત્યા કર્યા બાદ મીત પરત આવીને બધાની સાથે તેને શોધવા લાગ્યો હતો.બાદમાં સમગ્ર ઘટનાની જાણ કરવા માટે કુસુમ બા અને તેમના પરિવારજનો સાથે મીત પણ પોલીસ મથકે ગયો હતો.

મોટી કેનાલ પાસેથી પથ્થર કારમાં મૂક્યો હતો
તાન્યાની હત્યાનું પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે ૧૮-૯-૨૦૧૭ ના રોજ બપોરના સમયે મીતે અને તેના કિશોર વયના મિત્રો નડિયાદ શહેરના કોલેજ રોડ ઉપરથી પસાર થતી મોટી કેનાલ પાસે ગયા હતા. અને ત્યાંથી મોટો પથ્થર લઇ અને તેને ગાડીની ડિકીમાં મૂકી દીધો હતો. તાન્યાના શરીરે પથ્થર બાંધીને તેને નદીમાં ફેંકવાનો પ્લાન મીત પટેલે ઘડ્યો હતો. જ્યારે તેની માતા જીગીશાએ પણ તાન્યાની હત્યા કરવા મીત અને ધ્રુવની સાથે ગઇ હતી. જીગીશાએ જતી વખતે પોતાની સાથે કપડાં સૂકવવાની પ્લાસ્ટિકની દોરી પણ લીધી હતી. જેનાથી તાન્યાને બાંધવાની હતી. પુત્રોને માસુમની હત્યા કરતાં રોકવાની જગ્યાએ જીગીશાએ તેમને સાથ આપ્યો હતો.

અંબાજી જવાનું કહીને મિત્રની ગાડી લીધી હતા
મીત પટેલે તાન્યાના અપહરણ અને હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું. તાન્યાના અપહરણ માટે તેને કારની જરૂર હોવાથી તેણે પોતાના મિત્ર જયદીપ પાસે કાર માંગી હતી. તેણે પરિવારને લઇને અંબાજી જવાનું હોવાથી કાર આપવા વિનંતી કરી હતી. મીતના ષડયંત્રથી અજાણ જયદીપે પણ પોતાની કાર આપી હતી, જેનો ઉપયોગ મીતે તાન્યાના અપહરણ અને હત્યામાં કર્યો હતો.
પોલીસની ટીમ કઇ રીતે આરોપીઓ સુધી પહોંચી
પોલીસની પાછળ પાછળ ફરતાં મીત પર પોલીસને શંકા ગઇ હતી. આ ઉપરાંત સર્વેલન્સ ટીમ દ્વારા જે તે સમયે ફોનના લોકેશનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મીત અને તેના સાગરીતો પર શંકા વધુ દ્રઢ બની હતી. તાન્યા ગુમ થયાથી લઇને મીતના ફોનનું લોકેશન બદલાયું હતું. જેથી પોલીસે મીતની અટક કરી તેની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને તેણે ગુનાની કબુલાત કરી હતી.

ફાંસીની સજા થવી જોઇતી હતી
પોતાની લાડકી પૌત્રી તાન્યાને યાદ કરીને તાન્યાના દાદી કુસુમ બા અને તેના ફોઇ તેમજ નાનાની આંખો ભીની થઇ ગઇ હતી. લાડકી પૌત્રીને યાદ કરીને કુસુમ બા રડી પડ્યા હતા અને માસુમ દીકરીનો જીવ લેનારને ફાંસીની સજા મળવી જોઇતી હતી તેવી લાગણી વ્યક્ત કરી હતી.
મીતે માતાને આશ્વાસન આપ્યું
ચુકાદો સાંભળ્યા બાદ આરોપીઓના ચહેરાની રેખા બદલાઇ હતી. મીતને માતાને મળવા લઇ જવામાં આવ્યો હતો. માતા સાથે હાથ મીલાવ્યા બાદ મીતે તેને ચિંતા ન કરવા જણાવ્યું હતું મીતને અમદાવાદ જ્યારે જીગીશા અને ધ્રુવને બિલોદરા જેલમાં લઇ જવામાં આવ્યા હતા.

  • કયાં ગુનામાં કેટલી સજા
  • ઈ.પી.કો ૩૬૩ સાથે વાંચતા કલમ ૧૨૦બી ના ગુનામાં તમામ આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા
  •  ઈ.પી.કો કલમ ૩૦૨ સાથે વાંચતા કલમ ૧૨૦બી ના ગુનામાં તમામ આરોપીઓને જીવનના છેલ્લાં શ્વાસ સુધીની (આજીવન) સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા
  •  ઈ.પી.કો કલમ ૩૬૪(એ) સાથે વાંચતા કલમ ૧૨૦બી ના ગુનામાં તમામ આરોપીઓને આજીવન કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા
  •  ઈ.પી.કો કલમ ૨૦૧ સાથે વાંચતા કલમ ૧૨૦બી ના ગુનામાં તમામ આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫,૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા

Most Popular

To Top