નડિયાદ: નડિયાદમાં રહેતા ઇસમને પરણિત મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ તેના પતિની નિર્દયતાથી હત્યા કરનાર ઇસમને નડિયાદ કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. નડિયાદના હાથજ ભંડેરી ફળિયામાં રહેતા જમીરખાન પરબતખાન ભંડેરીને વાધુજી મહિપતસિંહ વાઘેલાની પત્ની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમમાં આડખીલીરૂપ વાધુજીનો કાંટો કાઢવા 9મી જાન્યુઆરી,18ના રોજ જમીરખાને નડિયાદની કબ્રસ્તાન ચોકડીથી રીક્ષામાં બેસાડ્યા હતા અને કમળા ચોકડીથી જમીરખાન સાથે તેના અન્ય બે મિત્રો પણ હતા.
કમળા ચોકડીથી વાધુજીને ડભાણ ગામની સીમ, ગુરૂકૂળની પાછળ નહેર પર ગયા હતા. જ્યાં વાધુજીને દારૂમાં ઘેનની ગોળીઓવાળા સોડા ભેળવીને પીવડાવતા તે બેહોશ થયા ગયા હતા. વાધુજીને રીક્ષામાં બારેજા ગયા હતા. બારેજાથી પરત ખેડા આવવાના રસ્તા પર વાધુજીના ખિસ્સામાંથી રૂ. ૪૭૦૦ રોકડા અને એક મોબાઇલ ફોન લઇ લીધા બાદ દેદરડા તરફ જવાના રોડ પાસે સાત તાણિયા વિસ્તારમાં આવેલા ગાંડા બાવળની ઝાડીમાં વાધુજીનું માથું રીક્ષામાંથી બહાર કાઢી, બ્રેક વાયરથી ગળામાં આંટી મારી, એક તરફથી જમીરખાને અને બીજી તરફથી તેના બે સાગરીતોએ બ્રેક વાયર ખેંચીને ગળેટૂંપો આપી હત્યા કરી હતી. બાદમાં પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને નજીકમાં આવેલા પાણીના ખાડામાં ફેંકી દીધો હતો.
આ હત્યાના આ મામલે વાધુજીના ભાઇ રવજી ઉર્ફે ચકુ મહિપતસિંહ વાઘેલાએ ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના અંતે જમીરખાન ભંડેરી, વસીમખાન ઉર્ફે ચિનો યુસુફખાન પઠાણ અને અલ્ફાફ ઉર્ફે કાલિસ હુસેન પઠાણની અટક કરી હતી. આ મામલો સોમવારે નડિયાદના એડી.સેસન્સ જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પી.આર.તિવારીએ કોર્ટમાં 61 દસ્તાવેજી પુરાવા અને 38 મૌખિક પુરાવાઓ રજૂ કર્યા હતા. સરકારી વકીલ પી.આર.તિવારીએ દલીલ કરી હતી કે, જો આવા કેસમાં સજા થાય તો સમાજ અને ગામમાં કાયદાનો ડર બેસે, જે દલીલ અને પુરાવાઓને કોર્ટે ધ્યાને લીધા હતા. આ ગુનામાં ન્યાયાધિશ ડી.આર.ભટ્ટ દ્વારા આરોપી જમીરખાન ભંડારીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.