Comments

જિંદગી આમ ના જીવાય

સવારના પહોરમાં દાદા હાથમાં ગરમ ચાનો કપ અને છાપું લઈને આંગણાના ઝૂલા પર ઝૂલી રહ્યા હતા. સવાર પડી હતી અને ચારે બાજુ દોડાદોડ ધમાલ ચાલુ હતી. મમ્મીએ સવારના પહોરમાં જ દૂધવાળાનો વારો કાઢી નાખ્યો કે ‘દૂધમાં તમે પાણી ભરો છો. પાણી મિક્સ કરો છો અને હવે હું તમારું દૂધ બંધ કરી દઈશ.’ અંદરથી સોમેશની બૂમાબૂમ આવી કે ‘મારો રૂમાલ ક્યાં છે? મારો મોબાઇલ ક્યાં છે? મારું ચાર્જર ક્યાં છે? મને ઓફિસ જવાનું મોડું થાય છે. મારું ટિફિન રેડી છે કે નહીં? અને આટલી બધી બૂમાબૂમ સાંભળી દૂધવાળા પર ગુસ્સે થયેલી મમ્મી અંદર ગઈ અને પતિ પર નારાજ થઈ ગઈ. તેણે ગુસ્સાથી દીકરા અને દીકરીને ઉઠાડ્યાં અને કહ્યું, ‘ હું એકલી જ છું કે બધું કામ કરું. તમે બધા પણ તમારું કામ ફટાફટ કરવા લાગો.’ દાદા ક્યારના બધું જોઈ રહ્યા હતા.  સવારે સાઇકલિંગ પર ગયેલો દાદાનો નાનો દીકરો પાછો આવ્યો. ગુસ્સામાં બુટ કાઢીને ખૂણામાં ફેંક્યા અને બોલ્યો, ‘હવે હું કોઈ દિવસ આ વિરલ જોડે સાયકલિંગ કરવા જવાનો જ નથી.

મારે તેની સાથે કોઈ વાત જ નથી કરવી.’ દાદીમા દાદાની પાસે આવ્યાં અને બોલ્યાં, ‘આ રોજ સવારે ધમાલ ને કચકચ ને ઝઘડા અને બૂમાબૂમથી તો એવી કંટાળી ગઈ છું ને એમ થાય છે કે ‘હું ઘર છોડીને જતી રહું.’  દાદા જોતા રહ્યા કે કોઈ કોઈ પર ગુસ્સે થતું હતું. કોઈને દુઃખ હતું. કોઈ એકબીજાને નફરત કરતું હતું. કોઈ કોઈનો વાંક કાઢતું હતું. કોઈ નારાજ થઈને બેઠું હતું. સોમેશ પત્નીના ગુસ્સાથી નારાજ થઈને ટિફિન લીધા વગર જતો રહ્યો.રીના મમ્મીએ કામ સોપ્યું એટલે ગુસ્સે થઈને ધમપછાડા કરીને કામ કરી કોલેજ જવા નીકળી. દાદા બધું જોઈ રહ્યા હતા. તે કંઈ ન બોલ્યા.રાત્રે દાદા આઈસ્ક્રીમ લઈને આવ્યા અને પછી બધાને બેસાડીને કહ્યું, ‘ ચાલો, આજે આપણે આઈસ્ક્રીમ પાર્ટી કરીએ.’

આઈસ્ક્રીમ ખાઈને બધાનો બગડેલો મૂડ થોડો સારો તો થયો. દાદાએ પૂછ્યું, ‘આઈસ્ક્રીમ ખાવાની મજા આવી?’ બધાએ કહ્યું, ‘હા, દાદા મૂડ સરસ થઈ ગયો. થેંક્યુ.’ દાદા બોલ્યા, ‘આપણી જિંદગી પણ આઈસ્ક્રીમ જેવી જ છે. જેમ આઈસ્ક્રીમને માણવાની મજા પળે પળ લઈએ તો મજા આવે નહિ તો આઈસ્ક્રીમ પીગળી જાય પછી બહુ મજા આવે નહિ.તેમ જીવન પણ નાનકડું છે. આખો દિવસ ઝઘડા, દુઃખ, નફરત, ગુસ્સામાં વિતાવશો તો જિંદગી માણવાની જ રહી જશે.આ રીતે જિંદગી ન જીવાય.જીવનને પ્રેમ ,લાગણી,મહેનતથી ભરો   અને જિંદગીને દુઃખી કરતાં,નારાજગી ફેલાવતાં તત્ત્વોથી દૂર રહો અને જિંદગીને પ્રેમથી માણતાં રહો.’ દાદાએ જિંદગી જીવવાની રીત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top