World

”હું રોજ મરી રહ્યો છું..”, પ્લેન ક્રેશમાં બચી ગયેલા એકમાત્ર પેસેન્જર વિશ્વાસ કુમાર માટે જીવન કપરું બન્યું

ગઈ તા. 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા, જેમાં ચમત્કારિક રીતે એકમાત્ર પેસેન્જર વિશ્વાસ કુમાર રમેશે બચી ગયો હતો.

લોકોએ વિશ્વાસ કુમાર રમેશને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ ગણાવ્યા. વિશ્વાસ કુમાર પોતે પણ માને છે કે તે નસીબદાર છે પરંતુ આ દુર્ઘટનાએ તેનું જીવન બદલી નાંખ્યું છે. બચી ગયો હોવા છતાં તે શાંતિથી જીવી શકતો નથી. તેણે કહ્યું કે આ દુર્ઘટના પછી હું માનસિક અને શારીરિક પીડાથી પીડાઈ રહ્યા છે.

લંડન જતી AI-171 ફ્લાઇટના કાટમાળમાંથી બહાર નીકળતા જોવા મળેલા વિશ્વાસ કુમારે જણાવ્યું કે તે હવે એકલો રહે છે અને તેની પત્ની અને પુત્ર સાથે વાત કરતો નથી.

બ્રિટિશ નાગરિક રમેશે જણાવ્યું કે તેનો નાનો ભાઈ અજય થોડી સીટો દૂર બેઠો હતો, તેનું અકસ્માતમાં મૃત્યુ થયું. આંખોમાં આંસુ સાથે રમેશે કહ્યું, “હું એકલો જ જીવિત છું અને મને હજુ પણ વિશ્વાસ નથી આવતો. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. મારો ભાઈ મારી કરોડરજ્જુ હતો. તેણે હંમેશા મને ટેકો આપ્યો અને હવે હું સંપૂર્ણપણે એકલો થઈ ગયો છું.”

રમેશે કહ્યું કે તે પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) થી પીડાય છે પરંતુ ભારતથી પાછા ફર્યા પછી તેણે સારવાર શરૂ કરી નથી. તેણે કહ્યું, “મારા અને મારા પરિવાર માટે આ ખૂબ જ મુશ્કેલ છે. મારી માતા દરરોજ દરવાજાની બહાર બેસે છે, કોઈની સાથે વાત કરતી નથી. હું પણ કોઈની સાથે વાત કરવા માંગતો નથી. હું આખી રાત વિચારું છું અને હું દરરોજ પીડામાંથી પસાર થાઉં છું.”

તેણે કહ્યું કે વિમાનના તૂટેલા ભાગમાંથી સીટ 11A પરથી નીચે ઉતરતી વખતે તેને પગ, ખભા, ઘૂંટણ અને પીઠમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તે કામ કરી શકતો નથી. વાહન ચલાવી શકતો નથી. રમેશે કહ્યું કે તે ધીમે ધીમે ચાલે છે અને તેની પત્ની તેને ટેકો આપે છે.

કમ્યુનિટી લીડર નેતા સંજીવ પટેલ અને પ્રવક્તા રેડ સિગરે રમેશને મળી રહેલા સમર્થનના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી. પટેલે કહ્યું, “તે માનસિક, શારીરિક અને આર્થિક તકલીફમાં છે. આ અકસ્માતે તેમના આખા પરિવારને બરબાદ કરી દીધો છે. જવાબદારોએ પીડિતોને મળવું જોઈએ અને તેની વાત સાંભળવી જોઈએ.”

અકસ્માત બાદ ધંધો પણ ઠપ્પ થઈ ગયો
આ અકસ્માત બાદથી દમણ અને દીવમાં રમેશ અને તેના ભાઈ દ્વારા ચલાવવામાં આવતો કૌટુંબિક માછીમારીનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે. દરમિયાન સિગરે એર ઈન્ડિયા પર મીટિંગ માટેની બધી વિનંતીઓને અવગણવાનો અથવા નકારવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “આ શરમજનક છે કે આપણે અહીં બેસીને રમેશને ફરીથી તે પીડામાંથી પસાર થવા દેવા પડ્યા. એર ઈન્ડિયાના અધિકારીઓએ આગળ આવીને તેમની સાથે વાત કરવી જોઈએ જેથી દુઃખ ઓછું થઈ શકે.”

ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેના વરિષ્ઠ અધિકારીઓ નિયમિતપણે પીડિતોના પરિવારો સાથે મુલાકાત કરી રહ્યા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે રમેશના પ્રતિનિધિઓ સાથે બેઠકનો પ્રસ્તાવ મૂક્યો છે અને સકારાત્મક પ્રતિભાવની અપેક્ષા રાખીએ છીએ.” રમેશે મીડિયામાં નિવેદન આપ્યું તે પહેલાં આ ઓફર કરવામાં આવી હતી.

એર ઇન્ડિયાએ 25 લાખ રૂપિયાનું વળતર આપ્યું
એર ઇન્ડિયાએ રમેશને £21,500 (લગભગ ₹25.09 લાખ) નું કામચલાઉ વળતર ઓફર કર્યું છે, જે તેમણે સ્વીકારી લીધું છે, પરંતુ તેમના સલાહકારો કહે છે કે આ રકમ તેમની વર્તમાન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ખૂબ ઓછી છે.

Most Popular

To Top