જીવન એટલે જન્મ અને મૃત્યુના બે બિંદુઓ વચ્ચેનો આયુષ્ય ખંડ આ સમયપટ એટલે પુરુષાર્થના અક્ષરો અંકિત કરવાની સોનેરી તક, જીવનનો અર્થ જ લક્ષ્ય છે. પછી તે લક્ષ્ય જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરવાનું હોય, પુરુષાર્થના બળે મેળવવાનું હોય કે સેવાની સુગંધથી મહેકાવાનું હોય, પણ ગતિ તો કરવાની છે એ નિશ્ચિત છે. મનુષ્ય જીવન દુર્લભ છે, એ ઘણા અર્થમાં સાચું છે. માત્ર શ્વાસોચ્છશ્વાસ લેવા એ જીવનકાર્ય નથી. માત્ર અસ્તિત્વ ટકાવવું એ પણ જીવન નથી. બીજાનો લોપ કરીને જીવવું એ પણ જીવન નથી. પ્રાણ તો ઈશ્વરે અનેક જીવોને આપ્યા છે અને એ બધાં જીવો એક યા બીજા પ્રકારની જીંદગી તો જીવે જ છે, જ્યારે મનુષ્ય જીવન દુર્લભ ગવાયો છે ત્યારે એ સાર્થક કરવો ખૂબ જરૂરી છે.
આયુષ્યના બે ધ્રુવ બિંદુ જન્મ અને મૃત્યુ. પણ માનવી જન્મનો જેટલો આનંદ મનાવે છે એટલો જ તે મૃત્યુથી ભય પામે છે. જેમ જન્મ એ જીવનનું સત્ય છે તેમ મૃત્યુ પણ ઉત્સવ જ છે. મૃત્યુને આપણે ભયના રંગથી એટલું બધું રંગી નાખ્યું છે કે એનો સાચો રંગ દેખાતો જ નથી. મૃત્યુને જાણ્યા પછી મનુષ્ય નિર્ભય બની જાય છે. આપણે મૃત્યુથી જેટલા નથી ડરતા એટલું આપણા કર્મોના પડછાયાથી ડરીએ છીએ. આપણા ખોટાં કર્મો અનેક પ્રશ્નો બની ને આપણી આગળ બિહામણું રૂપ ધારણ કરીને ઊભા રહે છે અને તેને આપણે મૃત્યુનું ભયાનક સ્વરૂપ માનીએ છીએ.
જીવતા જીવન તરફ દૃષ્ટિ કરીશું તો ઘણાને ખબર નથી કે જીવન એટલે શું? પણ તેમને એટલી તો ખબર છે કે ભૂખ લાગે ત્યારે ખાવાનું જોઈએ છે ટાઢ, તડકો અને વર્ષોથી બચવા વસ્ત્ર અને ઘર જોઈએ છે પણ તેમને જ્ઞાન નથી કે જીવન આનાથી વિશેષ છે તેથી તેઓ આ સરહદથી આગળ જઈ શકતા નથી અને જેમનામાં જીવન વિશેનું સાચું જ્ઞાન છે તે પૂર્ણ મનુષ્ય બનવા, પુરુષોત્તમ બનવા લક્ષ તરફ ઉન્નતિ કરતો રહે છે. જીવન એક અપૂર્વતક છે પોતાની જાતને વ્યક્ત કરવાની. જ્ઞાન દ્વારા નૂતન રેખાઓ દોરવાની, સ્નેહ દ્વારા સ્નેહ પામવાની, પ્રયત્નો કરવાની ને પુરુષાર્થ કરવાની. આ તક મનુષ્ય ઝડપી લે તો તે માનવી આત્મિક આનંદનો અનેરો અનુભવ જરૂર કરશે.
ખરું જોતા તો મૃત્યુ એ જીવનનો અંત નથી અને તેથી તેનાથી ભય પામવાની પણ જરૂર નથી. જન્મ જીવનનો હિસાબ માંગતો નથી તેથી તે આપણને ગમે છે પણ મૃત્યુ જીવનો હિસાબ કરવા પ્રેરે છે, તેથી અજાણ્યા ભયથી આપણે ધ્રૂજી જઈએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા જીવની ઉધાર બાજુ ખીચોખીચ ભરેલી છે. જન્મી તો સૌ જાણે છે પણ જે મરી જાણે તે સાચો માનવી અને મૃત્યુને મારવા માટે તો માનવીએ સાચું જીવન જીવવું જ પડે. કીર્તિ કેરા કોટડા ન હોય તો વાંધો નહિ. સુવર્ણની દિવાલ ન હોય તોયે વાંધો નહિ. પણ જન્મ અને મૃત્યુ વચ્ચેના કાળખંડમાં એણે ક્યારેય નિઃસ્વાર્થપણે કોઈને સ્નેહ આપ્યો છે?
જીવન બે રીતે જીવાય છે. એક રીત છે. જૂઠા મૂલ્યોની માવજત કરીને, જૂઠાને સત્ય તરીકે પ્રસ્થાપિત કરીને. બીજી રીત છે સાચા મૂલ્યોની માવજત કરીને, સત્યને સત્ય તરીકે સ્થાપીને. જો કે સત્યનો માર્ગ સરળ નથી. જૂઠનો જુગાર ખેલનાર નિદ્રા પણ લઈ શકતા નથી. જીવન એક એવી જડીબુટ્ટી છે કે જો એનો આપણે સમજપૂર્વક સાવચેતીથી અને યોગ્ય ઉપયોગ કરીએ તો પુરુષોત્તમ થવાનો માર્ગ આપોઆપ ખૂલી જાય છે. નરાધમ થવું કે નરોત્તમ થવું એ આપણા પોતાના હાથની વાત છે. આ જગતમાં કશું જ ખરાબ નથી, તેમ મૃત્યુ પણ ખરાબ નથી. જે માનવીમાં આત્મવિશ્વાસ છે, જે માનવીને તેના કર્મોમાં વિશ્વાસ છે, જેને સત્યમાં શ્રદ્ધા છે, જેમાં સાચા સ્નેહની સ્પર્શ શક્તિ છે તે સદાય નિર્ભય છે.
મૃત્યુ એને માટે મૃત્યુ નથી પણ જીવન છે. મૃત્યુ એને મન પૂર્ણવિરામ નહિ પણ પ્રારંભ છે. માનવીના માનવી થવાના પ્રયત્નમાં જ જીવનનો શ્રદ્ધા શૂર રહેલો છે. એ શ્રદ્ધા રને આપણે કેટલે અંશે અનુસરીએ છીએ, એના પરથી જ આપણી જીવનયાત્રાનું માપ નીકળે છે. મિત્રો, આપણે જીવન અને મૃત્યુના મર્મને સમજી લીધા પછી એનું કર્મમાં આચરણ કરીએ અને સાચો આત્મિક આનંદ અનુભવતા – અનુભવતા આપણી જીવન યાત્રા સફળ બનાવીએ, આપણા સહપરિવાર અને મિત્રમંડળ માટે પણ આપણે પ્રેરણા સ્વરૂપ બનીએ તેવી શુભ ભાવના અને શુભકામના સાથે…