જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલામાં ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલ સહિત 26 નિઃશસ્ત્ર પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારોએ મૃતકોને શહીદનો દરજ્જો આપવાની માંગ કરી છે. આજે હરિયાણાના કરનાલમાં મીડિયા સાથે વાત કરતા લેફ્ટનન્ટ વિનયના પત્ની હિમાંશી નરવાલે શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે અમે નથી ઇચ્છતા કે લોકો મુસ્લિમો કે કાશ્મીરીઓ વિરુદ્ધ ખરાબ વર્તન કરે. જેમણે ગુનો કર્યો છે તેમને સજા આપો. હિમાંશીએ કહ્યું કે અલબત્ત અમને ન્યાય જોઈએ છે, પણ તેઓ શાંતિ અને ફક્ત શાંતિ ઇચ્છે છે.’
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ શહેર નજીક ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાતા પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019માં પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી ઘાતક હુમલો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 26 મૃતકોમાં બે વિદેશી અને બે સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ આતંકવાદી હુમલાને “તાજેતરના વર્ષોમાં નાગરિકો પર થયેલા કોઈપણ હુમલા કરતા ઘણો મોટો” ગણાવ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે છે. જમ્મુ અને કાશ્મીરમાં પર્યટન અને ટ્રેકિંગ સીઝન વેગ પકડી રહી છે.
ફેબ્રુઆરી 2019 માં જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પછી ખીણમાં સૌથી ઘાતક હુમલો પહેલગામમાં થયો છે. પહેલગામ શહેરથી લગભગ છ કિલોમીટર દૂર આવેલું બૈસરન ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલું એક વિશાળ ઘાસનું મેદાન છે અને દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં એક પ્રિય સ્થળ છે.