સુરત : તબીબને ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે પરંતુ ક્યારેક તબીબો જ એવું કૃત્ય કરે છે કે તેમની પર નફરત થઈ જાય. અંકલેશ્વરના એક તબીબે એવું જ કંઈક કર્યું. આ તબીબે થોડી રકમ માટે પોતાના મોતનું નાટક રચ્યું હતું. વીમા કંપની પાસેથી ક્લેઈમની રકમ લઈ તે બિન્ધાસ્ત ફરતો હતો, પરંતુ જ્યારે ભાંડો ફૂટ્યો ત્યારે તેની હાલત કફોડી બની હતી. પોતાનું મોત થયા હોવા અંગેના બોગસ દસ્તાવેજો ઉભા કરનાર એલઆઇસીના (LIC) પેનલ ડોક્ટર (Doctor) અને તેની પત્નીને કોર્ટે 7 વર્ષની સજા (Punishment) અને રૂ.15 હજારનો દંડ કર્યો હતો.
- એલઆઇસી સાથે ઠગાઇ કરનાર એલઆઇસીની પેનલના જ ડોક્ટર અને તેની પત્નીને 7 વર્ષની સજા
- પોતાનું મૃત્યુ થયું હોવાનો બોગસ પીએમ રિપોર્ટ અને પ્રમાણપત્ર બનાવી એલઆઇસીમાંથી રૂ.2 લાખનો ક્લેઇમ મેળવ્યો હતો
આ કેસની વિગત અનુસાર વર્ષ 2004માં અંકલેશ્વરના રહેવાસી ડો.પંકજ હીરાલાલ મોદી અને પત્ની મીના મોદી સામે મહિધરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એવો આરોપ હતો કે, ડૉ.પંકજ મોદી LICના પેનલ ડૉક્ટર હતા. તેણે કતારગામ શાખામાંથી પોતાના નામે ત્રણ પોલિસી ખરીદી હતી. તેણે તેની પત્ની અને મિત્ર સાથે મળીને કાવતરું ઘડ્યું. અકસ્માતમાં તેના મૃત્યુની વાર્તા ઘડી કાઢી મોત અંગેના બોગસ પ્રમાણપત્ર તેમજ બોગસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ તૈયાર કર્યો હતો.
આ બોગસ પુરાવાને ડો.પંકજ મોદીની પત્ની મીનાએ LIC સમક્ષ રજૂ કરી અને દાવો મંજૂર કરાવ્યો હતો. એલઆઇસી દ્વારા રૂ. 2 લાખનો ક્લેઇમ ચુકવવામાં આવ્યો હતો. થોડા દિવસો પછી, જ્યારે પંકજ મોદીની છેતરપિંડીનો પર્દાફાશ થયો, ત્યારે તેણે છેતરપિંડીની કબૂલાત કરી અને એલઆઈસીને પૈસા પરત કર્યા હતા. પરંતુ એલઆઈસીએ પતિ-પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી કલમ 406, 409, 418, 420, 465, 467, 468, 471, 120(બી), 114 અને 201 હેઠળ ફરિયાદ નોંધી હતી. અને બંનેની ધરપકડ કરી હતી.
કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા બાદથી કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ બી.આર.દેસાઈ આરોપો સાબિત કરવામાં સફળ રહ્યા હતા. આખરી સુનાવણી બાદ કોર્ટે આરોપી ડો.પંકજ મોદી અને મીના મોદીને તમામ કલમો હેઠળ દોષિત ઠેરવી સાત વર્ષની કેદ અને રૂ.15 હજારનો દંડ ફટકાર્યો હતો.