National

LICનો આઇપીઓ ચોથી મેએ ખુલશે, સરકારી તિજોરી માટે રૂ. 21000 કરોડ ઉભા થશે

નવી દિલ્હી: દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસીની (LIC) ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ મે (May) મહિનાની ચોથી તારીખે ખુલશે અને 9 મેએ બંધ (Close) થશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ આઇપીઓ મારફતે સરકાર આ સરકારી માલિકીની જીવન વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાંથી તેનો 3.5 ટકા હિસ્સો વેચશે અને સરકારી તિજોરી માટે રૂ. 21000 કરોડ ઉભા કરશે. આ આઇપીઓમાં એલઆઇસીનું મૂલ્ય રૂ. 6 લાખ કરોડ અંદાજવામાં આવ્યું છે. સરકારે ફેબ્રુઆરીમાં આ મહાકાય વીમા કંપનીમાંથી તેના પ ટકા હિસ્સાનું અથવા 31.6 કરોડ શેરો વેચવાનું આયોજન કર્યું હતું અને સેબી સમક્ષ તે માટેના મુસદ્દાના કાગળો પણ રજૂ કર્યા હતા. જો કે રશિયા-યુક્રેન યુદ્ઘના કારણે શેરબજારમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે આ આઇપીઓની યોજનાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ અગાઉ સરકાર દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીમાં 5% હિસ્સો વેચવા જઈ રહી હતી, પરંતુ હવે સરકાર IPO માટે માત્ર 3.5% હિસ્સો ઓફર કરશે. IPO માટે LICનું વેલ્યૂવેશન રૂ. 6 લાખ કરોડ છે. હવે આ IPOનું કદ રૂ. 21,000 કરોડ થશે. મળતી માહિતી મુજબ એક અધિકારીએ જણાવ્યું હતું કે જો IPOની બજારમાં માંગ સારી રહેશે તો સરકાર તેમાં 5% વધારો કરી શકે છે.

ગયા સપ્તાહે સરકારે એલઆઇસીના તેના ઇસ્યુનું કદ ઘટાડીને 3.5 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારે 5 ટકા હિસ્સાના વેચાણના નિયમમાં અપવાદ આપવા માટેની અરજી પણ સેબી સમક્ષ કરી છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સેબીના નિયમ પ્રમાણે જે કંપનીનું વેલ્યુએશન રૂ. 1 લાખ કરોડ કરતા વધારે થાય તેણે આઇપીઓમાં 5 ટકા હિસ્સો વેચવાનો રહે છે.

US ફેડરલ રિઝર્વ તેની નાણાં નીતિમાં વ્યાજ દરોને લઈ કડક વલણ અપનાવવા જઈ રહી હોવાથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ ભારતીય શેરબજારમાં વ્યાપક પ્રમાણમાં વેચાણ કરી રહ્યાં હોવાથી બજાર સેન્ટીમેન્ટમાં ભારે અફરા-તફરી જોવા મળી રહી છે.

Most Popular

To Top