જીવન વીમો લેનારને જીવન વીમો લેતા અગાઉથી જ 20 વર્ષથી હાઇપરટેન્શન અને 3 વર્ષથી ડાયાબિટીસ હોવાનું અને તે હકીકત છુપાવીને જીવનવીમો લીધો હોવાનું જણાવી જીવનવીમાધારકના વિધવા અને તેના સંતાનોને જીવનવીમા પોલીસી અન્વયે કલેમ ચૂકવવાનો ઈન્કાર કરનાર LICને મૃતકની બે જીવનવીમા પોલીસીના રૂ. 8000/- વાર્ષિક 9% લેખેના વ્યાજ સાથે તેમ જ વળતર/ ખર્ચના બીજા રૂ. 15000/- સહિત મૃતકની વિધવા અને વારસોને ચૂકવવાના સુરત જિલ્લા ફોરમે કરેલ હુકમ સામે ગુજરાત સ્ટેટ કમિશનમાં અપીલ કરીને પડકારવાનું LICને ભારે પડયું છે. ગુજરાત સ્ટેટ કમિશને LICની અપીલ રદ કરી સુરત ફોરમનો હુકમ કન્ફર્મ કરતાં અપીલ ચલાવવામાં LICએ જે 8 વર્ષનો સમય વ્યતીત કર્યો તેના પરિણામે વાર્ષિક 9% લેખે વ્યાજનું રૂ.5.76 વધારાનું ભારણ LIC પર આવ્યું છે.
ભાનુબેન મહેતા તથા તેમના ચાર સંતાનોએ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારક્ત સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં LIC નડિયાદ વિરૂદ્ધ કરેલ ફરિયાદની વિગત એવી છે કે, ફરિયાદી નં.(૧)ના પતિ તેમ જ ફરિયાદી નં.(૨) થી (૫)ના પિતા હસમુખલાલ મૂળજીભાઈ મહેતાનો જીવનઆનંદ તરીકે ઓળખાતો જીવન વીમો રૂા. 5,00,000/-નો તેમ જ રૂ. 3,00,000/-નો સામાવાળા કનેથી લેવામાં આવેલો. જે અંગે સામાવાળાએ તા. 30/3/06ના રોજની પોલિસી નં. : 877193789 અને તા. 26/3/07 ના રોજ પોલિસી નં. : 77206446 વાળી પોલિસી ફરિયાદી નં.(૧)ના પતિને ઇસ્યુ કરેલી. મજકૂર વીમો સને 2006 તેમજ 2007ની સાલમાં લેવામાં આવેલો. મજકૂર જીવન વીમો લેવામાં આવ્યો ત્યારે સામાવાળાના એપ્રુવ્ડ પેનલ ડૉકટર પાસે ફરિયાદીના પતિની તબીબી તપાસ કરાવવામાં આવેલી અને સામાવાળાઓએ તેમના પેનલ ડૉકટરનો ઓપિનિયન મેળવ્યા બાદ મજકૂર જીવન વીમો આપવાનું સ્વીકારેલ. મજકૂર જીવન વીમો અમલમાં હતો તે દરમિયાન તા. 20/4/08 ના રોજ બપોરના આશરે 2:00ના સમયે હસમુખભાઈ સૂતા હતા. ત્યાર બાદ ઘણો સમય થઈ ગયા છતાં ઊઠેલ નહીં જેથી તેમના પત્નીએ તેમને જગાડવાનો પ્રયત્ન કરેલ પરંતુ, તેઓ બેભાન જણાતા તેઓને તાત્કાલિક BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવેલ અને હસમુખભાઈનો E.C.G., X-Ray, CT સ્કેન વગેરે ટેસ્ટસ કરવામાં આવેલા અને જરૂરી સારવાર આપવામાં આવેલ. જયાં તેઓનું તા. 22/4/08ના રોજ સવારે 7:00 વાગ્યે સારવાર દરમિયાન હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા મૃત્યુ નીપજેલ. ડેટ સર્ટિફિકેટમાં સામાવાળાએ તે મુજબ પ્રમાણિત કરેલું હતું.
ત્યાર બાદ, ફરિયાદી નં.(૧)નાએ મર્હૂમ હસમુખભાઈની ઉપરોકત રૂ. 5,00,000/- તેમ જ રૂ. 3,00,000/-ની જીવનવીમા પોલિસી અન્વયે મળવાપાત્ર રકમ મેળવવા માટે સામાવાળા સમક્ષ સામાવાળાનું કલેમ ફોર્મ ભરીને કલેમ કરેલ. સામાવાળાઓએ તેમના તા. 18/11/08 ના રોજના પત્રથી મર્હૂમ હસમુખભાઈને ફરિયાદવાળો વીમો લીધો તે પહેલાં 20 વર્ષથી ડાયાબિટીસ અને 3 વર્ષથી હાયપરટેન્શનની બીમારી હતી. જેની જીવનવીમાના પ્રપોઝલ ફોર્મમાં મજકૂર હકીકત જણાવેલ ન હતી એમ જણાવી કલેમ નામંજૂર કર્યો હતો. ફરિયાદીઓ તરફે એડવોકેટે દલીલો કરતાં જણાવ્યું હતું કે, હસમુખભાઇને અવસાનની તારીખ અગાઉ 20 વર્ષથી ડાયાબિટીસ કે 3 વર્ષ અગાઉ હાયપરટેન્શન હતા નહીં કે અવસાન થયું તેના અગાઉ 20 વર્ષથી ડાયાબિટીસ કે હાયપરટેન્શનની કોઇ ટ્રીટમેન્ટ લેતા ન હતા.
20 વર્ષથી ડાયાબિટીસ કે 3 વર્ષથી હાયપરટેન્શન હોવાની જો કોઈ નોંધ મેડિકલ પેપર્સમાં હોય તો પણ તે નોંધ ખોટી હતી. વળી, માત્ર મેડિકલ પેપર્સમાં કરવામાં આવેલ આવી નોંધના આધારે અગાઉથી બીમારી હોવાનું પુરવાર થઈ શકે નહીં. આવી નોંધ કરનાર ડૉકટર કે સ્ટાફની એફિડેવીટ કરાવવી જરૂરી છે. તેવી એફિડેવીટ LICએ કરાવેલ નથી. વળી હાઇપરટેન્શનને કારણે હાર્ટ-એટેક આવેલ હોવાનું પણ LIC પુરવાર કરી શકી નથી અને ખોટા અનુમાનના આધારે સાચો કલેમ નામંજૂર કર્યો હતો.સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ફરિયાદીની ફરિયાદ મંજૂર કરી બે જીવનવીમા પોલીસીના કુલ રૂ. 8 લાખ, વાર્ષિક 9% લેખેના વ્યાજ સહિત તથા માનસિક ત્રાસ અને ફરિયાદ-ખર્ચના બીજા રૂ. 15,000/- સહિત ફરિયાદીઓ ભાનુબેન મહેતા તથા તેમના ૩ પુત્રીઓ અને એક પુત્રને ચૂકવી આપવાનો LICને હુકમ કર્યો હતો. સુરત ફોરમના મજકૂર હુકમથી નારાજ LICએ ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ કમિશન (અમદાવાદ) સમક્ષ અપીલ ફાઇલ કરી સુરત ફોરમનો હુકમ રદ કરવાની દાદ માંગી હતી. ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રીસાઇડીંગ મેમ્બર ઉષાબેન જાનીની બેન્ચે LICની અપીલ રદ કરી સુરત ફોરમે કરેલો હુકમ કન્ફર્મ કર્યો છે.