સુરતઃ સરસ્વતીનું મંદિર ગણાતી શાળામાં બે કિશોરીની છેડતી કરાયાનો કિસ્સો સામે આવ્યો હતો. ઉમરીગર સ્કૂલમાં લાઇબ્રેરીયને લાઇબ્રેરીમાં આવતી 10 વર્ષીય બે કિશોરીની અવાર નવાર છેડતી કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ આખો મામલો એટલે ગંભીર બન્યો છે, કેમ કે પોલીસને આ મામલે સાત કરતા વધારે બાળકી સાથે લાયબ્રેરિયને છેડતી કરી હોવાની શંકા છે.
- ઉમરીગર સ્કૂલના લાયબ્રેરિયને 10 વર્ષની બે વિદ્યાર્થિની સાથે છેડતી કરી
- બે સંતાનના પિતા એવા 48 વર્ષીય વિજય પટેલ સામે છેડતીના વધુ ગુના નોંધાવાની શક્યતા
- વિદ્યાર્થિનીના ગાલ અને શરીર પર હાથ ફેરવતો નરાધમ કેમેરામાં કેદ
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં પોલીસની ટીમ દ્વારા અવાર નવાર બાળકો અને બાળકીઓને તેમની સાથે બનતા જાતીય હુમલાઓને લઈ તેમને માર્ગદર્શન આપવામાં આવતું હતું. બાળકો માટેના આ અભિયાનમમાં ગુડટચ બેડટચ વિશે સમજાવવામાં આવતું હતું. જે માર્ગદર્શનથી સ્કૂલની બે બાળકીઓ સાથે શારીરિક અડપલા કરતા શિક્ષકનો મામલો બહાર આવ્યો હતો.
ઉમરાગામની ઉમરીગર સ્કૂલમાં વિજય ચંપકભાઈ પટેલ (ઉ.48,રહે. રાજહંસ રેસિડેન્સી, મોરાભાગળ) લાઇબ્રેરીયન તરીકે ફરજ બજાવે છે. આ સ્કૂલમાં ભણતી 10 વર્ષીય કિશોરીઓ સ્કૂલમાં લાઇબ્રેરીમાં અવારનવાર જતી હોય ત્યારે વિજય કિશોરીઓને ગાલ પર અને શરીર પર હાથ ફેરવતો હતો.
વિજય આવી હરકત ઘણાં સમયથી કિશોરીઓ સાથે કરતો આવ્યો હતો. સ્કૂલમાં અને પોલીસની સી ટીમ દ્વારા ગુડટચ બેડ ટચ વિશે માર્ગદર્શન મેળવ્યું હોવાથી તેમની સાથે વિજય સર કંઇક ખોટું કરી રહ્યા હોવાનું ખ્યાલ આવ્યો હતો.
તેમણે પરિવારને જાણ કરતાં પરિવારે પોલીસનું શરણું લીધું હતું. પોલીસે બાળકીની પૂછપરછ કરી વિજય પટેલ વિરૂદ્ધ પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) અને છેડતીની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે હજુ વિજય પટેલે કેટલા બાળકો સાથે આવું કૃત્ય આચર્યું છે, તે દિશામાં તપાસ શરૂ કરી છે.
શાળાના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા બાદ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધ્યો
કિશોરીઓની રજૂઆત બાદ પરિવાર ઉમરા પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસ પરિવારની ફરિયાદ સાંભળી અચંબમાં પડી ગઈ હતી. જેથી બાળ કલ્યાણ અધિકારી, પોલીસ અધિકારી દ્વારા તેમના વાલીઓ સમક્ષ વિદ્યાર્થીનીઓની પૂછપરછ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, આરોપી તેમને ખોટી રીતે ટચ કરે છે.
આ સંદર્ભે શાળાના સંચાલકો સાથે પણ વાતચીત કરવામાં આવી. શાળાના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. બાળકીઓએ જે પ્રકારની ફરિયાદ કરી હતી તે સીસીટીવીમાં જોતા સ્પષ્ટ પણે જણાઈ આવ્યું હતું. આરોપી ખોટી રીતે બાળકીઓને ટચ કરી રહ્યો હતો.
મેનેજમેન્ટ હાલ સહકાર આપી રહ્યું છે, ગફલત હશે તો કાર્યવાહી કરાશે: ડીસીપી ગુર્જર
દરમિયાન આ મામલે ડીસીપી વિજયસિહ ગુર્જરે જણાવ્યું કે તેઓને યોગ્ય લાગ્યું તો વધારે પૂછપરછ કરવામાં આવશે. ડીસીપી વિજયસંહ ગુર્જરે જણાવ્યું હતું કે હાલ તો તેઓ તપાસ કરી રહ્યાં છે, પરંતુ આ મામલે જો મેનેજમેન્ટની ગફલત હશે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેઓ વાલીઓને બોલાવીને પૂછપરછ કરશે. હાલ તો મેનેજમેન્ટ તમામ રીતે સપોર્ટ કરી રહ્યું હોવાની વાત પોલીસ કરી રહી છે.