સુરતનું એરપોર્ટ કાર્યરત થયું ત્યારથી અખબારોમાં અવરનવર એરપોર્ટને નડતરરૂપ ઊંચા બિલ્ડીંગોના સમાચાર આવતા રહે છે. ફ્લાઇટના ટેક ઓફ અને લેન્ડિંગ માટે કેટલાક હાઈરાઇઝ બિલ્ડીંગોને પરિણામે સુરત એરપોર્ટનો રનવે નાનો કરવામાં આવ્યો છે. જે નડતરરૂપ ઊંચા બિલ્ડીંગો છે તેને દૂર કરવા માટે સુરતના કલેક્ટર શ્રી દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્રથી જાણ પણ કરવામાં આવી છે. પરંતુ પરિસ્થિતિ ‘જૈસે થે’ જ રહી.
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું જેણે અનેક લોકોના સ્વપ્ન રોળી નાખ્યાં ત્યારે સુરતના એરપોર્ટ પર પણ જે હાઈરાઇઝ બિલ્ડીંગો નડે છે તે હોનારતનું કારણ નહીં બને એ માટે ફરીથી ચર્ચા શરૂ થઈ છે. આપણા દેશમાં ઉડ્ડયન ક્ષેત્રનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે પરંતુ આ ઝડપી વિકાસની સાથે સાથે વિમાનમાં મુસાફરી કરનારાઓની સલામતીનું ધ્યાન પણ રાખવામાં આવે તે આવશ્યક જ નહીં અનિવાર્ય પણ છે. હવાઈ મુસાફરી કરનારાઓની સલામતી માટે સુરત એરપોર્ટ પર અમદાવાદ જેવી દુર્ઘટના નહીં બને તે માટે સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જીવન એટલે પાઠશાળા
મનુષ્ય નિશ્ચિત વય સુધી શાળા, કોલેજ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શીખે છે, જ્યારે જીવન એ એવી પાઠશાળા છે જે આજીવન શીખવે છે. જીવનની પ્રત્યેક ઘટના મનુષ્યને કોઈકને કોઈક પાઠ શીખવે છે. પરંતુ, એ માટે મનુષ્યે આજીવન વિદ્યાર્થી અને જાગૃત બનવું જરૂરી છે. જીવનમાં આવતી આ પરિસ્થિતિઓમાંથી શીખ મેળવી, ભૂલોનું પુનરાવર્તન ન કરતો માનવી સ્વયંને સુધારી, સજજ કરી જીવનની પાઠશાળામાં હર કદમ પર ઉત્તીર્ણ થઈ નિરંતર પ્રગતિ સાધતો રહે છે.
સુરત – દિપ્તી ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.