એક દિવસ ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો, ‘જીવનમાં સૌથી કરવા જેવું મહત્વનું કામ કયું છે ખબર છે ??’શિષ્યો કઈ બોલ્યા નહિ એટલે ગુરુજીએ કહ્યું, ‘જીવનમાં કરવા જેવા તો ઘણા કામ છે પણ સૌથી મહત્વનું કામ છે આપણે જે આજે છીએ તેના કરતા આવતીકાલે થોડા વધુ સારા બનવું ..થોડા સુધરવું …અને સુધરતા જ રહેવું.જીવનમાં સફળ થવા માટે તમારી હરીફાઈ બીજા કોઈ સાથે નહિ તમારી પોતાની સાથે છે અને તેમાં તમારે પોતાણે હરાવીને આગળ વધવાનું છે.પણ આ જાત સાથેની હરીફાઈમાં જીતવું બહુ અઘરું છે કારણ કે આપણને આપણી પોતાની કોઈ ખામી કે ભુલ દેખાતી નથી.’
એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, રોજ રોજ થોડા વધુ સારા બનવા માટે શું કરવું જોઈએ તમે જ અમને સાચી દિશા સમજાવો.’ગુરુજી બોલ્યા, ‘ચાલો, બહુ ધ્યાનથી સાંભળજો આજે હું તમે પાંચ પગલા જણાવીશ જે પગલા માંડશો તો ચોક્કસ તમે તમારી જાતને સુધારતા જશે અને પોતાની સાથેની હરીફાઈમાં રોજ જીતશો.પણ યાદ રાખજો જરૂરી છે આ પગલા પર રોજ અટક્યા વિના ચાલવું…સતત ચાલવું…અને ચાલતા જ રહેવું.’
શિષ્યો એ પાંચ પગલા જાણવા આતુર બન્યા.ગુરુજીએ કહ્યું, ‘ચાલો, એ પગલાંઓ વિષે તમેન જણાવું પહેલું પગલું છે ‘કયારેય મોડા ન પડો.’…સમય અતિમૂલ્યવાન છે ક્યારેય તેનો વેડફાટ ન કરો. તમે ક્યાંય મોડા પડશો તો તમારો અને સામેવાળાનો બંને નો સમય વેડફાશે. અને યાદ રાખો ગયેલો સમય પાછો આવતો નથી જે સમય વેડફે છે …સમય તેને વેડફી નાખે છે.બીજું પગલું છે ‘ક્યારેય કોઈને પણ નફરત ન કરો.’…પ્રેમ અતિમૂલ્યવાન છે તે હંમેશા વહેંચો.દુનિયામાં કોઈને પણ ધિત્કારો નહિ.પ્રેમ આપશો તો પ્રેમ મળશે અને નફરત કરશો તો સામેથી નફરત જ મેળવશો માટે બધાને ચાહો.ત્રીજું પગલું છે ‘પ્રતીક્ષા કરતા શીખો.’…ધીરજ અતિ મુલ્યવાન છે તેનો સાથ ક્યારેય ન છોડો.
ધીરજ રાખી કામ કરતા રહો ફળ અચૂક મળશે.જોઈતી તક ન મળે છતાં મહેનત ચાલુ જ રાખો મનગમતી તકણી પ્રતીક્ષા કરો ચોક્કસ મળશે. ‘વિશ્વાસ ઉતપન્ન કરો.’વિશ્વાસ અને શ્રધ્ધા એક છૂપું બળ છે.તેને હંમેશા વધારો.તમે લોકો પર વિશ્વાસ રાખતા શીખો અને તમે તમારો વ્યવહાર એવો રાખો કે લોકો તમારો વિશ્વાસ કરે.આ વિશ્વાસની મૂડી તમને આગળ વધારશે.પોતા પર આત્મવિશ્વાસ રાખો અને ઈશ્વર પર શ્રધ્ધા તો ચોક્કસ આગળ વધી શકશો. ‘હંમેશા નિખાલસ રહો.’નિખાલસતા અને ઈમાનદારી એવી મૂડી છે જે પ્રગતિના માર્ગે લઇ આગળ લઇ જાય છે જો તમે હંમેશા નિખાલસ રહીને બધા સાથે સબંધ રાખશો.નીતિ અને ઈમાનદારીથી કાર્યો કરશો તો જીવન જીતી જશો. આ પાંચ પગલાં યાદ રાખશો તો હંમેશા જાત સાથેની હરીફાઈમાં રોજે રોજ વિજેતા બનશો.’ગુરુજીએ રોજે રોજ વધુ સારા માટેના પગલાં સમજાવ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.