Columns

દિવાળીના દિવસથી જીવનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરીએ

દિવાળીમાં તહેવારોની સીઝન જોતજોતામાં આવી. તહેવારની ખુશી વચ્ચે મનુષ્યને જીવનમાં ઉત્તરોત્તર બદલાવ લાવવાની તમન્ના અને ઝંખના બંને હોય છે. આના માટે અનેક લોકો અથાગ પ્રયત્નો કરતાં પણ નજરે પડે છે. આમાંથી મોટા ભાગના પોતાની કારકિર્દીથી ખુશ નથી અથવા તો તેમની જીવનશૈલી તેમને ખુશ રાખતી નથી. દરેક વ્યક્તિ જીવનમાં કંઈક નવું કરવાની પેરવીમાં હોય છે. જેનાથી પોતાની જિંદગીમાં નવા ઉત્સાહનું સિંચન થાય. નવી આશા અને ઊર્જા સાથે પોતાની કારકિર્દીને નવી દિશા આપવાની ખેવના રાખીને તેઓ બેઠા હોય છે પરંતુ હંમેશાં બનતું હોય છે તેમ જિંદગીમાં બદલાવ લાવવાની તમામની ઇચ્છાઓ પરિપૂર્ણ થતી નથી. વ્યક્તિનો પ્રયત્ન આપણી કહેવત ‘આરંભે શૂરા’ જેવો જ સાબિત થાય છે. સફળતા અને એ પણ ત્વરિત સફળતાની આશાઓ ફળીભૂત ન થતાં મોટા ભાગના માણસો હતોત્સાહ થઈ જાય છે અને પોતાના પ્રયત્નોને તિલાંજલિ આપી દે છે.
એક પ્રગતિશીલ કંપનીના યુવા મેનેજરે પોતાની વ્યથા એક મેનેજમેન્ટના નિષ્ણાત સમક્ષ રજૂ કરી. તેણે કહ્યું હતું કે, ‘‘હું મારી કંપનીમાં સારા હોદ્દા ઉપર છું. મારા કર્મચારીઓ પાસેથી હું સારા દેખાવ અને સારા વર્તાવની અપેક્ષા રાખું છું. તેમની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો કેળવવા, તેમની સાથે યોગ્ય વ્યવહાર કરવા હું હંમેશાં પ્રયત્નશીલ હોઉં છું પરંતુ મારા કર્મચચારીઓ મને વફાદાર નથી. જો હું એક દિવસ પણ ગેરહાજર હોઉં તો આ લોકો દિવસનો મોટા ભાગનો સમય ગપ્પાં મારવામાં અને નિરર્થક કામોમાં જ વિતાવી દે છે. હું તેમને વધુ જવાબદાર બનાવવા માટે શું કરું? કંઈ ખબર પડતી નથી.’’ મેનેજમેન્ટ નિષ્ણાતે યુવા અને પ્રગતિશીલ તેમ જ અત્યંત ઉત્સાહી મેનેજરની વાત ધીરજપૂર્વક સાંભળી. તેમણે પણ વિચાર કર્યો કે યુવા મેનેજરનો કામ પ્રત્યેનો અભિગમ ઉમદા છે. તેના કર્મચારીઓ પ્રત્યે પણ લાગણી ધરાવે છે પરંતુ સામેથી તેને ધાર્યું પરિણામ કે સાથ-સહકાર મળતો નથી. જેની તે અપેક્ષા રાખીને બેઠો છે. તેમણે કંપનીના મેનેજરને કહ્યું કે તારા કર્મચારીઓ પ્રત્યેનો તારો અભિગમ સરાહનીય છે પરંતુ અભિગમની સાથે તેમના પ્રત્યેના તમારા વર્તનમાં શો બદલાવ લાવી રહ્યા છો તે અગત્યનું છે.મેનેજરે કહ્યું કે, ‘‘હું મારા વર્તનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરું છું પણ બદલાવ થોડા સમયમાં તેના મૂળ સ્થાને આવી જાય છે.’’ મેનેજમેન્ટ નિષ્ણાતે તેને એટલે જ કહ્યું કે ‘Every new day is a chance to change your life.’ તેમણે વધુમાં કહ્યું કે દરેક દિવસ તમને તમારા જીવનમાં નવી તક પૂરી પાડે છે. નવા દિવસનો આરંભ ખુશીથી કરો અને કુદરતે આપેલા જીવનમાં બદલાવ લાવવાની તકનો ભરપૂર ઉપયોગ કરો. આનાથી જિંદગીમાં નિખાર આવશે. મૅનેજરને વાત ગળે બરોબર ઊતરી. એ જ દિવસથી તેણે પોતાના જીવનમાં બદલાવ લાવવાની કોશિશ શરૂ કરી. આખરે કર્મચારીઓને તેની લાગણી સમજાઈ. દરેકે મૅનેજરને પૂરતો સહકાર આપવાનો પ્રયત્ન શરૂ કર્યો.

Most Popular

To Top