Comments

આંકડાને ઉકેલીએ તો વંચાય વાસ્તવિકતા

કોવિડ-૧૯ ના પગલે જે અણધારી પરિસ્થિતિ પેદા થઈ તેમાં સૌથી બૂરી દશા શ્રમિકોની થઈ. સ્થળાંતરિત શ્રમિકો પોતપોતાને વતન જવા નીકળી પડ્યાં ત્યારે તેમના પ્રત્યે દર્શાવાયેલી ભારોભાર અસંવેદનશીલતા અસહ્ય હતી. એ ઉપરાંત આ અરસામાં જે ઔદ્યોગિક અકસ્માતો થયા, તેમાં પણ શ્રમિકોએ જાન ખોવાનો વારો આવ્યો.

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સરકાર દ્વારા અપાયેલી માહિતી મુજબ વર્ષ ૨૦૨૦ માં કુલ સાત જિલ્લામાં ૫૬ લોકો ઔદ્યોગિક અકસ્માતમાં મૃત્યુ પામ્યાં. સૌથી વધુ અકસ્માતો અને મૃત્યુ વલસાડ જિલ્લામાં થયાં.

સૌથી ઓછા અકસ્માત તેમજ મૃત્યુ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયાં. સરકાર દ્વારા અપાયેલા આ આંકડા પર એક નજર કરવા જેવી છે. વલસાડ જિલ્લામાં ગત વર્ષ દરમિયાન કુલ ૧૯ અકસ્માતમાં ૨૦ લોકો મરણને શરણ થયાં. બીજા ક્રમે કચ્છ જિલ્લામાં ૧૦ અકસ્માતોમાં ૧૧ લોકોની જાનહાનિ થઈ.

એ પછી રાજકોટ જિલ્લામાં થયેલા ૯ અકસ્માતોમાં ૯ લોકો મૃત્યુ પામ્યાં. વડોદરા જિલ્લામાં થયેલા ૭ અકસ્માતમાં ૮ લોકોનો ભોગ લેવાયો. મહેસાણા જિલ્લામાં ૫ ઔદ્યોગિક અકસ્માતો નોંધાયા અને ૫ જણાએ તેમાં જાન ગુમાવવાનો વારો આવ્યો. ખેડા જિલ્લામાં થયેલા ૨ અકસ્માતોમાં કુલ ૨ મૃત્યુ થયાં. સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર એક અકસ્માત થયો, જેમાં એક જણનું મોત થયું.

આ અકસ્માતોને નિવારવા માટે શાં પગલાં લેવાયાં? ગુજરાત સરકારના જણાવ્યા મુજબ ફેક્ટરી કાનૂન ૧૯૪૮ અને ગુજરાત ફેક્ટરીઝ કાનૂન ૧૯૬૩ ની જોગવાઈ અંતર્ગત જે તે ઉદ્યોગોમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ક્યાંય કાનૂનભંગ જણાય તો પગલાં લેવામાં આવે છે અને ઔદ્યોગિક સુરક્ષા અંગે જાગૃતિ કેળવવામાં આવી રહી છે.

બાંધકામ ક્ષેત્રના શ્રમિકોના મૃત્યુનો આમાં સમાવેશ થતો નથી. ડિસેમ્બર, ૨૦૨૦ સુધીનાં બે વર્ષ દરમિયાન માત્ર ચાર જિલ્લામાં ઓછામાં ઓછાં ૭૬ શ્રમિકોનાં મોત થયાં છે. અમદાવાદમાં ૩૭, સુરતમાં ૧૯, દાહોદમાં ૧૯ અને જૂનાગઢમાં સાત શ્રમિકોએ જાન ગુમાવ્યા છે.

આ આંકડા મર્યાદિત વિસ્તારના છે અને તમામ જિલ્લામાં થયેલાં મૃત્યુનો સરવાળો હજી વધુ હોઈ શકે. મૃત્યુના આ આંકડા કેવળ સંખ્યાત્મક નથી. કોઈ ને કોઈ પરિવારે સ્વજન ગુમાવ્યું છે, તો કોઈકે આવકનો મુખ્ય સ્રોત ખોયો છે. આમ છતાં, આ અંગે ખાસ વાત થતી નથી. આ કટારમાં થોડા વખત અગાઉ રાજ્ય સરકાર દ્વારા પૂરા પડાયેલા ફેક્ટરી કાનૂનના પાલન અંગેની વ્યવસ્થા વિશે વાત કરવામાં આવી હતી.

સરકારના જ આંકડાને તેમાં ટાંકવામાં આવ્યા હતા અને જે ચિત્ર ઉપસતું હતું એ નિરાશાજનક હતું. અનેક જવાબદાર સ્થાનો કેટલાય વખતથી ખાલી પડેલાં હતાં, યા જરૂરી સંખ્યા કરતાં સાવ ઓછાં કર્મચારીઓ હતાં. સરકારની ઔદ્યોગિક નીતિને કારણે એક તરફ એકમો અને કામદારોની સંખ્યામાં વધારો થતો રહે છે. બીજી તરફ વિવિધ કાનૂની જોગવાઈઓના અમલીકરણ માટે તંત્રમાં કર્મચારીઓની સંખ્યામાં દેખીતો ઘટાડો નજરે પડે છે. આ પરિસ્થિતિમાં સરકારના અધિકારીઓ જે તે ઔદ્યોગિક એકમોનું નિરીક્ષણ કરે કે કર્મચારીઓમાં જાગૃતિ કેળવે?

ગુજરાતમાં રસાયણ એકમો મોટી સંખ્યામાં છે. આમ છતાં, સરકારના આસિસ્ટન્ટ ડાયરેક્ટર, કેમિકલનું સ્થાન ઘણા વર્ષથી ખાલી છે. રસાયણ એકમોમાં આગ કે ધડાકાની દુર્ઘટનાઓની શક્યતા સૌથી વધુ હોય છે, જે એકમોમાં કામ કરતાં શ્રમિકો માટે જ નહીં, આસપાસનાં લોકો માટે પણ જીવલેણ બની શકે છે. આ બાબત સરકારના ધ્યાનમાં ન હોય એ બને નહીં.

આ કેવળ મૃત્યુના આંકડા છે. વિવિધ એકમોમાં કાર્યરત કામદારો ઔદ્યોગિક પર્યાવરણને કારણે ટૂંકા કે લાંબા ગાળાના રોગ, વિકલાંગતા કે અન્ય ક્ષતિનો ભોગ બને તેનું શું? વર્ગ-૨ ના અધિકારી એવા ઈન્ડસ્ટ્રીઅલ હાઈજીનિસ્ટની કુલ ચાર જગ્યાઓ મંજૂર થયેલી છે અને એ ચારે ખાલી છે. ડેપ્યુટી ડાયરેકટર, મેડિકલની ૧ અને સર્ટીફાઈંગ સર્જનની ૨૧- એમ કુલ ૨૨ જગ્યાઓ તબીબી અધિકારીઓની છે, જે કામદારોના આરોગ્ય પર દેખરેખ રાખે. આમાં પણ ડેપ્યુટી ડાયરેકટર, મેડિકલની ૧ સહિત કુલ ૧૫ જગ્યાઓ ખાલી છે.

સરકારની આ બાબતે ઉદાસીનતા સમજવી મુશ્કેલ છે. તેમને યોગ્ય અને લાયક ઉમેદવારો નહીં મળતાં હોય? કે પછી આ બાબતની કશી પરવા જ નથી? આ બાબતો સરકારની પ્રાથમિકતામાં આવતી હશે કે કેમ એ સવાલ છે.

રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવો જરૂરી છે, પણ શેના અને કોના ભોગે? આવી વાસ્તવિકતા છતાં સરકારનો ઉદ્યોગ વિભાગ નિરીક્ષણ કરતો હોવાનો દાવો કરતો હોય તો એ કાં કાગળ પર હોઈ શકે યા કેવળ ઔપચારિકતા હોય! શ્રમિકોને થતી હાનિના પ્રમાણમાં તેમને ચૂકવવામાં આવતા વળતરનો મુદ્દો અતિ ગંભીર છે.

‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’  (વ્યવસાય કરવાની સરળતા)ના ઓઠા હેઠળ અપાતી આડેધડ મંજૂરીઓ અને તેના થકી થયેલા વિકાસનો દાવો સ્ટેરોઈડ લેવાથી ફૂલેલા શરીરને તંદુરસ્ત ગણાવવા જેવો છે. અંદરથી ખોખલું અને છતાં તે ફૂલેલું દેખાય. ફાયદો જે પણ ગણાતો હોય એ થોડો ઘણો અને નુકસાન અતિશય લાંબા ગાળાનું.

આ આંકડા કેવળ માનવોની જાનહાનિના છે. પર્યાવરણને કેટલી માત્રામાં હાનિ થઈ રહી છે એ કોણ જણાવશે? અને એ નુકસાન શી રીતે ભરપાઈ કરાશે? સામાન્ય નાગરિકો કદી આ બાબતે સવાલ ઉઠાવતા નથી, કેમ કે, આ સમસ્યા તેમને સીધેસીધી સ્પર્શતી નથી. તેમને જીવનમાં આમ પણ ઓછા સંઘર્ષો હોય છે કે આવા મુદ્દે તે બોલે? આ જ બાબતનો સરકારો ફાયદો ઉઠાવે છે. પછી એ ગમે એ રાજ્યની સરકાર કેમ ન હોય! સરકારની પોતાની ઈચ્છાશક્તિ આ બાબતે કશું કરવાની હોય તો જ કશું નક્કર કામ થઈ શકે. આવશ્યક તંત્ર ઊભું કરાયેલું જ છે, તેને વધુ અસરકારક બનાવવાની જરૂર છે.      

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top