ઉર્દૂના મશહુર લેખક શ્રી બશીર બદ્રનો સંબંધોને નિભાવવા માટે એક શેર છે. “ રીશ્તીકો ઇસ તરહ નિભાતે રહીયે. દિલ મીલે ન મીલે હાથ મિલાતે રહીયે.” ભારતના રાજકારણમાં આજે એ જ ચાલી રહ્યું છે. એકબીજાના વિરોધી એક બીજાના પક્ષમાં જઈને દિલ ભલે ન મળે પણ હાથ મિલાવતા નજરે પડે છે, પછી ભલે હ્રદયમાં દુશ્મનાવટનાં બીજ પલતા હોય. ક્ષમા આપી ભૂલી જવાની વાત તો રહેતી જ નથી. ક્ષમા આપવી દરેક માટે શક્ય નથી. ક્ષમા અંતરની મહેકના આદાનપ્રદાનનો વિષય છે. ઈશ્વર અલ્લાહે માણસને જે ખાસ શક્તિઓ અર્પી છે એમાં ક્ષમા આપવી અને ભૂલી જવું એક વિશિષ્ટ શક્તિ છે પણ એનો ઉપયોગ ખૂબ ઓછા વ્યક્તિઓ કરે છે.
ગુજરાતના સાંપ્રત રાજકારણમાં હાલ એ દૃષ્ટિગોચર થાય છે. ક્લેશજનક બનાવો અને ઘટનાઓનો ભાર વેંઢારીને માણસ ટકવાની વાત કરે તો જીવનમાં મધુરતા ન રહે. વિષાદ અને વેદના તેના મનની પળ માટે ય કબજો ન છોડે જે વિદાય લેતા મંત્રીઓ અનુભવી રહ્યાં છે. એટલે મનનો વિષાદ દૂર કરીને હળવા બનવું હોય તો ક્ષમા માટે મનને સદાય તત્પર રાખવું પડે. મન પર પડેલા ઘાવને રુઝવવાની ક્ષમતા ક્ષમા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. ભૂલી જવાના નિર્ણય માટે પહેલ કરવી એટલે “હાથ મિલાવવા” .
હાથ મિલાવવાની પ્રક્રિયા ઔપચારિકતા નથી, બે ગુંડા પાર્ટીના લોકો હાથ મિલાવી છૂટા પડે એ પતાવટ નથી, એ પ્રપંચલીલા છે. હાથ મિલાવવા એટલે બે વ્યક્તિ વચ્ચે ઊભા થયેલા વિખવાદ, ઈર્ષ્યા, દ્વેષ, વેરવૃત્તિને દિલથી ભૂલી જવાનો કાયમી નિર્ણય છે. એમાં અંત:કરણની ભીનાશ, મીઠાશ અને નમ્રતા હોવી જોઈએ. ક્ષમાભાવના ન હોય તો એથી અર્થ સરતો નથી. ફક્ત રાજકારણીઓની તરહ હાથ મિલાવવું યોગ્ય નથી, એ સ્વાર્થ છે.
“ગરજ સરી એટલે વૈદ વેરી.” ભારેલા અગ્નિ જેવી સ્થિતિ લાંબો સમય ટકતી નથી. એ આપણે સાંપ્રત રાજકારણમાં અનુભવ્યું છે. એવું સમાધાન ટૂંકુ હોય છે, દંભી સમાધાન કહેવાય. હાથ મિલાવવાની ક્રિયા એ વેરઝેર ભૂલીને મૈત્રી અને પ્રેમપૂર્ણ સાથ નિભાવવાની પ્રક્રિયા છે, વચન છે. હાથ મિલાવવું અને સાથે મનમેળ પણ એ જ સાચું સમાધાન છે, જે આપણે કુટુંબોમાં થતા મનભેદ પછી મનમેળ થાય છે ત્યારે સાચા અર્થમાં અનુભવીએ છીએ. એટલે શ્રી બશીર બદ્રના વિધાન દિલ મીલે ન મીલે, હાથ મિલાતે રહીયે કોઈક દિવસ પણ સાચા દિલથી મનમેળ જરૂર થઈ જશે એ પુરવાર કરે છે.
નવસારી – નાદીરખાન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.