Comments

શહેર અને ગામડું તેવી માનસિકતામાંથી દેશને બચાવીએ

૭૦૦૦ વર્ષથી પણ જૂની ભારતીય સંસ્કૃતિમાં પ્રજાનું પરસ્પરનું અવલંબન અને સમાયોજન અંગ્રેજોના આગમન સુધી ટક્યું. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિની અવળી અસરથી ગામ અને શહેર, નિરક્ષર અને સાક્ષર, પશુ આધારિત ઊર્જા અને વીજળી આધારિત યંત્રો, માટી અને સિમેન્ટ ક્રોન્ક્રીટના આવાસ, પરંપરાગત અને આધુનિક તેવી બે સ્થિતિમાં સમાજ વહેંચાઈ ગયો. અંગ્રેજકાળમાં રોપાયેલાં મૂળ ઊંડે સુધી પહોંચતાં આજે દેશ ૭૫ વર્ષ પછી પણ ગામડું અને શહેર તેમ બે ભાગોમાં વહેંચાયેલો જોવા મળે છે.

સમય બદલાતાં જાડું અનાજ, જાડાં કપડાં અને જાડી હથેળી ધરાવતા અને પ્રકૃતિ સાથે સંબંધ રાખતાં ગામડાંનાં માણસની પણ હવે અપેક્ષા રહે છે કે, ડિગ્રી હાંસલ થાય તેવું ભણાવું, ઊંચા પગારની નોકરી કરવી, પેટ્રોલ ડીઝલથી ચાલતું વાહન વસાવવું, હળવાં કપડાં પહેરવા, પગમાં મોલ્ડેડ શુઝ અને હાથમાં મોબાઇલ રાખવો અને તક મળે શહેરમાં જઇને વસવું. આવી જ કંઇ માનસિક્તામાંથી સુરત, અમદાવાદ, રાજકોટ, ભરૂચ જેવાં શહેરોમાં માણસ ખડકાઈ રહ્યાં છે. જો કે શહેરી જીવનની દોટે માણસના સત્ત્વને ખતમ કરી નાખ્યું છે અને માણસાઇ મરી રહી છે. આમ છતાં, હજુ લોકો સ્થળાંતર કરી શહેર ભણી વણજાર માફક જઇ રહ્યાં છે, ત્યારે શહેર અને ગામડું તેવા ભેદ મિટાવી વિશ્વગ્રામની કલ્પનાને સાકાર કરવાનો સમય પાકી ગયો જણાય છે.

એકવીસમી સદી બે સંભાવનાઓને લઇને આવી છે, જેના એક છેડા ઉપર ગરીબી, અરાજક્તા, પાણી અને પર્યાવરણના સ્રોતોની તંગી, સંસ્કૃતિનો લોપ, માનવતાવિહોણી સ્વાર્થ વૃત્તિ તેવાં અનેક દૂષણો ડોકાં દે છે. તો બીજાં પાસાં ઉપર સબળ સંચાર ઉપકરણો, કમ્પ્યૂટર પ્રકારે આર્ટિફીશયલ પ્રકારે, ટેકનોલોજી, બાયો એન્જિનિયરિંગ, શરીર અને વિશેષતઃ મસ્તિષ્ક વિજ્ઞાન અંગેની સમજ. તેવી વિપરીત સ્થિતિ છે ત્યારે શહેરી વાતાવરણમાં શું સ્વીકાર્ય રહેશે!!! અને ગામડું કોને અપનાવશે!!! તેનો જવાબ સમય નક્કી કરી રહ્યાનું જણાય છે.

લોક્શાહીમાં રાજકીય પક્ષોનું કેન્દ્ર સત્તા હોય છે. અમલદારોનું લક્ષ અધિકાર અને ન્યાયનું કામ કાયદાનો અમલ હોય છે. ભારતીય બંધારણે લોકશાહીને પિરામીડ આકારે કલ્પી તેનાં ત્રણ આયામ પ્રસ્થાપિત કર્યા હતા. પરંતુ આઝાદીની પોણી સદી વીત્યા છતાં આમ પ્રજાની સ્થિતિ દુ:ખદ રહેતાં એક નવો દષ્ટિકોણ ઉમેરવાની આવશ્યકતા ઊભી જે પ્રજાકીય યોજનાઓને આમ જનતા સુધી પહોંચાડવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા ખાનગી સંસ્થાઓની મદદ વધારવામાં આવે. એટલું જ નહીં, પણ પ્રજાના પ્રતિનિધિ માફક પ્રજાકીય સંસ્થાઓને પણ નીતિવિષયક નિર્ણયોમાં તેની અમલવારીમાં અને સ-વિશેષ મળેલ પરિણામોના મૂલ્યાંકનમાં ભાગીદાર બનાવવામાં આવે છે. જમીની સ્થિતિ એ છે કે જે દેશમાં શિક્ષણ, આરોગ્ય, કુટુંબ, લગ્ન, અધ્યાત્મ પ્રકારે વ્યવસ્થાઓથી સમાજ બદ્ધ રહેતો તેનો જ પ્રભાવ જીર્ણ થઇ રહ્યો છે. પૈસા એ એક માત્ર આખરી સત્તા તરીકે પ્રતિપાદિત થતા શહેર અને હવે ગામડાંઓમાં પણ પૈસા સફળતાનું માપદંડ બન્યું છે. ગાડી -બંગલો- ફાર્મહાઉસ–સોનું –કપડાં ઇત્યાદિ દેખીતો વૈભવ સફળતાનું માપદંડ ગણાયું છે.

ગ્રામપ્રદેશની બજાર સુધી પહોંચતી ચીજવસ્તુઓની ભરમારથી આજે ગામડું ખર્ચાળ બન્યું છે. સાથોસાથ સંચાર માધ્યમોના વેગીલા પ્રવાહના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભૌતિક જીવન પ્રત્યે અપેક્ષાઓ વધી છે. જે સ્થિતિ વચ્ચે ગામડાના યુવાનને શહેરોમાં સ્થળાંતર કર્યા સિવાય રોજગાર મળે અને સુવિધાપૂર્ણ જીવનશિક્ષણ મળે તે માટેની તાલીમ શાળા કોલેજો અને યુનિવર્સિટીમાંથી મળવી અપેક્ષિત છે. ગામડું શહેર ભણી દોટ મૂકી રહયું છે અને શહેરો વસ્તીના દબાણથી ઉદ્દભવતા પ્રશ્નો વચ્ચે ઝઝૂમે છે, ત્યારે ગુજરાતનાં લોકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓએ અભ્યાસ કરી ર૧મી સદી માટે આવશ્યક વિકાસનો યોજનાબદ્ધ ખ્યાલ આપે તો રાષ્ટ્રને કલ્યાણ હેતુ તરફ દોરી શકાય.

એકવીસમી સદીના પ્રશ્નો સામે ટક્કર લઇ શકે તેવા સમાજના ઘડતરની ૫ના છે ત્યારે પ્રજાએ પણ સમજવું પડે કે, માત્ર ફાયદો કે નિજી સ્વાર્થથી ઉપર આવી જનહિતાય જનસુખાયના વિચારને સ્વીકારવા પડશે અને આમ નહીં થાય તો આમપ્રજાનાં હિત વિરુદ્ધના વલણનો લાભ બજાર લેતી થશે. સરવાળે આરોગ્ય, રમતગમત, શિક્ષણ, વ્યવસાય, તબીબી સેવાઓ તેમ તમામ ક્ષેત્ર ધંધાના ભાગરૂપે નફા-નુક્સાનના ત્રાજવે પ્રતિષ્ઠિત બનતાં જશે અને અંગ્રેજોની ગુલામીના સ્થાને મૂડીવાદી વ્યવસ્થાના ગુલામ બની જઇશું.

સમયની માગ રહે છે કે, સ્વૈચ્છિક સંગઠનો અને રાજકીય પક્ષો પ્રજાના મનોરંજન અને આળપંપાળ છોડી, મૂડીવાદનો પરદેશી અભિગમ છોડી જનશિક્ષણનું કામ કરે. છૂટા હાથે ચૂંટણીલક્ષી રેવડી વહેંચવાનું બંધ કરો. સમયનો પડકાર ઝીલી લઇને આઝાદીના અમૃત વર્ષે શ્રેષ્ઠ ભારતવર્ષ માટે વિજ્ઞાન અને તકનિક દ્વારા ગ્રામ અને શહેર તેવા ભેદ મિટાવી દે. ભારતીય સંસ્કૃતિના હાર્દ સમાન વૈયક્તિક સ્વાવલંબન અને સ્નેહને પુનઃ સ્થાપિત કરે. વિશ્વગ્રામને આચરણમાં મૂકી રાજય વ્યવસ્થાપનમાં નિર્ણય, અમલવારી અને મૂલ્યાંકનથી સમાજને વિકેન્દ્રિત કરવામાં સહયોગી બનીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top