Business

ચાલો પિયાનો વગાડીએ

એક મોટા બંગલામાં ઇન્ટીરીયર ડેકોરેશનનું કામ શરૂ કરવામાં આવ્યું. બંગલાના માલિક નવા નવા પૈસાદાર થયા હતા અને તેમણે સૂચના આપી હતી કે એવું ઇન્ટીરીયર કરજો કે જોનાર જોતું જ રહી જાય અને અમારો વટ પડી જાય.એટલે  ડિઝાઈનરે એક ખૂણામાં બહુ જ સુંદર મોંઘો પિયાનો મૂકવાનું નક્કી કર્યું.ઘરમાં કોઈને પિયાનો વગાડતાં આવડતું ન હતું અને શીખવાનો શોખ પણ ન હતો છતાં માત્ર વટ પાડવા માટે સરસ પિયાનો સજાવવામાં આવ્યો. એક દિવસ ઘરે એક સજ્જન આવ્યા, જેમને સંગીતનો શોખ હતો; પિયાનો જોઇને તે રાજી થયા અને પૂછ્યું, ‘આ પિયાનો કોણ વગાડે છે? કોણ પિયાનો વગાડતાં શીખે છે?’ કોઈ પાસે જવાબ ન હતો.ઘરના માલિકે કહ્યું, ‘દોસ્ત, અમને કોઈને વગાડતાં નથી આવડતું. આ તો ડિઝાઈનરનો આઈડિયા હતો અને પિયાનો મૂકવાથી વટ પડે એટલે મૂક્યો છે.તને આવડતું હોય તો તું વગાડ.’

સજ્જન બોલ્યા, ‘દોસ્ત, માત્ર પૈસાના દેખાડા માટે આવો પૈસાનો વેડફાટ કરવો વ્યાજબી નથી.મને પિયાનો બરાબર વગાડતા આવડતો નથી પણ એટલું જાણું છું કે તેમાં સફેદ અને કાળી મળીને કુલ ૮૮ ચાવીઓ હોય છે અને કોઇ પણ ચાવી દબાવવાથી મધુર સંગીત નથી નીકળતું.જો તમે સાચી ચાવી યોગ્ય રીતે દબાવો તો મધુર સંગીત નીકળે.ખોટી ચાવી દબાવો તો મધુર સંગીતની જગ્યાએ ન ગમે તેવો અવાજ સર્જાય અને જો કોઈ ચાવી દબાવો જ નહિ તો સંગીત સર્જાય જ નહિ.આ તમારી જેમ માત્ર પિયાનો ધૂળ ખાય અને પૈસા અને જગ્યાનો વેડફાટ જ થાય.પિયાનો મૂક્યો જ છે તો વગાડતાં તો શીખો.આવું જ જીવનના પિયાનોનું છે.જીવન મળ્યું છે, રોજ નવો દિવસ મળે છે, બધાને  કોઈ ને કોઈ આવડત મળે છે.જીવનમાં મળેલા દિવસોમાં ,જે આવડત હોય તેની સાથે આપણે યોગ્ય મહેનત અને પ્રયત્નો કરીએ તો જીવનમાં સફળતા મળે છે.

અને જો ખોટા પ્રયત્નો, ખોટી દિશામાં કરીએ તો જીવનમાં નિષ્ફળતા મળે છે અને જીવનમાં મળેલા સમય,આવડત કે  તકનો આપણે ઉપયોગ જ કરતા નથી તો જીવનમાં આગળ વધી શકતા નથી.માટે જીવનમાં સફળતાનું સંગીત વગાડવા માટે પસંદગી આપણા હાથમાં છે કે આપણે સાચી આંગળીઓનો ઉપયોગ કરી જીવનમાં સાચા પ્રયત્નોની ચાવી દબાવીએ તો સુંદર સફળતાનું મધુર સંગીત સાંભળી શકીશું.જીવન મળ્યું છે પણ કોઈ પ્રયત્નોની ચાવી દબાવીશું જ નહિ તો કોઈ સંગીત સર્જાશે નહિ અને ખોટા રસ્તે ખોટા પ્રયત્નોની ચાવી દબાવીશું તો નિષ્ફળતાનો ઘોંઘાટ સંભળાશે.’ સજ્જને પિયાનો અને જીવનને જોડીને સાચી સમજ આપી. ચાલો, જીવનમાં સફળ થવા સાચા પ્રયત્નોની ચાવીથી જીવનનો પિયાનો વગાડીએ.   
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top