
ભારત અને પાકિસ્તાન આમ તો વર્ષોથી એક બીજા સામે સિરીઝ તો રમતા જ નથી પરંતુ જે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હોય તેમાં બંને દેશ વચ્ચે મુકાબલો થાય છે. અને આ મુકાબલો પણ ભારત કે પાકિસ્તાનની ધરતી પર નહીં પરંતુ અન્ય દેશમાં રમાઇ છે. પરંતુ તેનો રોમાંચ અલગ જ હોય છે. દરેક મોટા શહેરોના મલ્ટીપ્લેક્સમાં મોટા સ્ક્રીન પર તે પ્રદર્શીત કરવામાં આવે છે. સોસાયટીના પ્લોટ ઉપર કે પછી શેરી મહોલ્લાના નાકે મોટા સ્ક્રીન પર મેચ જોવામાં આવે છે. પરંતુ આ એશિયા કપમાં ભારત પાકિસ્તાન ટકરાઇ રહ્યું છે ત્યારે પહેલી વાર એવું બન્યું છે કે, જેને ભારતીયો ભગવાન ગણે છે તે ક્રિકેટ મેચ સાથે તેમને કોઇ લેવા દેવા જ નથી. આવુ ભારતમાં કદાચ પહેલી વખત બન્યું છે. અને તેનું કારણ એ છે કે, મોટાભાગના ભારતીયો માને છે કે, આપણા દીકરાને, ભાઈને મારી નાખે, એની સાથે રમત ન રમાય. પહેલગામમાં જે રીતે પાકિસ્તાન સમર્થિત આંતકવાદીઓએ હુમલો કરીને ભારતીયોને ધર્મ પૂછી પૂછીને તેમના પતિઓને ગોળી મારી દીધી હતી. આ વાત રાજકારણીઓ ભલે ભૂલી ગયા પરંતુ ભારતીયો ભૂલ્યા નથી. જે રીતે આજે આ મેચ વખતે ભારતમાં માહોલ જોવા મળ્યો છે તે જોતા તો ચોક્કસ જ કહી શકાય કે, ભારતના દીકરાઓમાં પાકિસ્તાન સામે જે આગ લાગી છે તે ઓપરેશન સિંદૂર થી ઠરી શકી નથી. પાકિસ્તાન સામેએશિયા કપ 2025માં આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઇ હતી. ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચે આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હતી. જોકે, દેશભરના ક્રિકેટ ચાહકો વિભાજિત છે. ક્યાંક વિરોધ થઈ રહ્યો હતો તો ક્યાંક ટીમ ઈન્ડિયાની જીત માટે હવન પૂજા થઈ રહી હતી. 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા અને 7 મેના રોજ ઓપરેશન સિંદૂર પછી આ પહેલીવાર છે જ્યારે બંને દેશોની ક્રિકેટ ટીમો એકબીજા સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ જૂથના કાર્યકરોએ ટીવી તોડીને વિરોધ કર્યો. તે જ સમયે, મહિલા કાર્યકરોએ PMને સિંદૂર મોકલ્યું, તેમજ BCCI માટે દાન માગ્યું હતું. પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોએ પણ ભારત-પાકિસ્તાન મેચ સામે નિવેદન આપ્યું. ઘણા લોકોએ કહ્યું- જેના હાથ લોહીથી રંગાયેલા છે આપણે તેની સાથે જ મેચ રમી રહ્યા છીએ.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સરકારને સવાલ કર્યો કે શું મેચમાંથી કમાયેલા પૈસા પહેલગામ હુમલામાં માર્યા ગયેલા 26 નાગરિકોના જીવ કરતાં વધુ કિંમતી છે. વિસનગરમાં પ્રવીણ તોગડિયાએ ભારત પાકિસ્તાન મેચને લઈ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પહેલગામમાં હુમલો કરે અને એની સાથે રમવાનું હોય? કોઈ આપણા દીકરાને, ભાઈને મારી નાખે, એની સાથે રમત ન રમાય, નામોનિશાન મીટા દો પાકિસ્તાન કા… ખેલ નહીં યુદ્ધ હોગા…હરિયાણાના કૈથલમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે જે દેશ સાથે આપણો વિવાદ છે તેની સાથે ક્રિકેટ રમવું એ શહીદોનું અપમાન છે. અમિત શાહના પુત્ર જય શાહ અને BCCI આ મેચમાંથી પૈસા કમાઈ રહ્યા છે. લોહી અને ક્રિકેટની રમત એકસાથે કેવી રીતે ચાલી શકે? ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ આજે દુબઈમાં રમાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનો સખત વિરોધ કર્યો છે. સંગઠને તેને દેશના શહીદોનું અપમાન ગણાવ્યું છે અને મેચ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. AAP સાંસદ સંજય સિંહે કહ્યું- જ્યારે વડાપ્રધાન પોતે કહે છે કે આતંકવાદ અને વ્યવસાય સાથે ન ચાલી શકે, તો પછી ક્રિકેટ કેવી રીતે રમાઈ રહ્યું છે? શું દેશના સન્માન કરતાં પૈસા વધુ મહત્વપૂર્ણ છે?અભિનેતા નાના પાટેકરે પુણેમાં કહ્યું હતું કે આ વિષય પર વાત કરવી યોગ્ય નથી, પરંતુ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે કે ભારતે પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ. જ્યારે આપણા લોકોનું લોહી વહેવડાવવામાં આવ્યું છે, તો પછી તેમની સાથે રમવાનો શું અર્થ છે? આજે ઉભી થયેલી સ્થિતિએ ફરી બાળાસાહેબ ઠાકરેની યાદ અપાવી દીધી છે. આ દેશમાં એક જ મર્દ કહેવાય તેવો રાજકારણી પાક્યો હતો જેના શિવસૈનિકોએ મુંબઇની ધરતી પર પાકિસ્તાની ક્રિકેટર્સ પગ નહીં મૂકે તે માટે પીચ જ ખોદી નાંખી હતી.