Columns

એડવાન્સ બુકિંગ કરાવી લઈએ

એક ગરીબ યુવાન ભણ્યો અને ગણ્યો અને જાત મહેનતે આગળ આવ્યો અને સારા પૈસા કમાવા લાગ્યો એટલે પોતાને ગરીબાઈ વેઠીને પણ ભણાવનાર માતાપિતાને તેણે યાત્રાએ લઈ જવાનું નક્કી કર્યું.અને તૈયારી કરવા લાગ્યો.તેની ઈચ્છા હતી કે માતા પિતાને કોઈપણ તકલીફ ન પડે તે રીતે યાત્રા કરાવે. પોતાના ગામની બહાર પણ ક્યારેય ન નીકળનાર માતા પિતા દીકરો કમાઈને ચારધામની યાત્રાએ લઇ જવાનો છે તે જાણીને ખુશ ખુશ થઈ ગયા અને આખા ગામમાં આ વાત કહી.તેઓ પણ તૈયારી કરવા લાગ્યા અને આતુરતાથી યાત્રાએ જવાની રાહ જોવા લાગ્યા. યાત્રા પર નીકળવાના દિવસે નક્કી કરેલા સમયે ગામમાં કાર આવી ગઈ અને તેમને રેલ્વે સ્ટેશન લઇ ગઈ.

તેઓ પહેલીવાર કારમાં બેઠા અને પછી ટ્રેનમાં….પહેલા તીર્થયાત્રાના સ્થળે પહોંચ્યા.માતાએ કહ્યું, ‘દીકરા ક્યાંક નાહવા ધોવાની તપાસ કર મંદિરે દર્શન કરવા જવા પહેલા નાહીને શુદ્ધ થવું પડશે.દીકરો હસ્યો અને બોલ્યો, ‘મા, તું ચિંતા ન કર હમણાં કાર આપણણે સ્ટેશન પાસે લેવા આવશે અને હોટલ પર લઇ જશે ત્યાં રૂમમાં આરામ કરી, ચા નાસ્તો કરી આપણે તૈયાર થઈને મંદિરે જશું.’થોડીજવારમાં દીકરાએ કહ્યું હતું તેમ કાર આવી અને નક્કી કરેલ હોટેલ પર લઇ ગઈ.ત્યાં સરસ બે રૂમ રિસર્વ હતા.રૂમમાં ચા-નાસ્તો આવી ગયા.પછી તેઓ તૈયાર થયા.નીચે ગાડી તૈયાર હતી તેમાં બેસી મંદિરે ગયા. યુવાનના માતા પિતાને આ બધું એકદમ વિસ્મયકારક લાગતું હતું.યુવાનના પિતાએ જોયું કે બધી સગવડો મળતી જાય છે પણ દીકરો ક્યાય કોઈ પૈસા તો ખર્ચતો જ નથી.

તેઓ મંદિરેથી હોટલમાં આવ્યા.રૂમમાં દીકરાએ કહ્યું તે મુજબ ગરમ જમવાનું આવી ગયું.જમતા જમતા પિતાએ પૂછ્યું, ‘દીકરા, આટલી બધી સારી સગવડો છે અને તું ક્યાય એક પણ પૈસા ચૂકવતો નથી.આવું કઈ રીતે શક્ય બને.’ યુવાન બોલ્યો, ‘પિતાજી તમે કોઈ ચિંતા ન કરો.આપણા યાત્રાના પુરા કાર્યક્રમના આપના ત્રણ જણના ખર્ચના બધા જ પૈસા મેં ટ્રાવેલ એજન્સીમાં એડવાન્સમાં ભરી દીધા છે.એટલે આપણને બધી નક્કી કરેલી સગવડ મળતી જશે.તમે કોઈ ચિંતા કરો નહિ.’ માતા પિતા એકપછી એક સ્થળે યાત્રા કરી ખુશ થતા જતા હતા અને દીકરાને આશીર્વાદ આપતાં હતા.

આ સાવ સરળ પ્રસંગ પાછળનો મર્મ સમજીએ આ જીવન એક યાત્રા અને જીવન લખ ચોરાશીની સફર એમ આપણે કહીએ છીએ.તો ચાલો ઉપરવાળાની ટ્રાવેલ એજન્સીમાં આ યાત્રા પછીની અંતિમ યાત્રાનું એડવાન્સ બુકિંગ કરવી લઈએ જેથી તેમાં સગવડ મળે અને કોઈ અગવડનો સામનો ન કરવો પડે.અંતિમયાત્રામાં અને તેના પછીની સફરમાં કોઈ તકલીફ ન પડે તે માટે એડવાન્સ બુકિંગ કરવી લેવા અત્યારે સારા કર્મો, પુણ્ય કાર્યો કરીએ.હરિનામ લઈએ…એક હાથ લંબાવીને અન્યને મદદ અને બે હાથ જોડી ઈશ્વરને પ્રાર્થના કરીએ.

Most Popular

To Top