માનવની ઉત્ક્રાંતિ થતાં એટલે કે જમીન પર આવી ચડેલા એક જળચરમાંથી માનવનું વર્તમાન સ્વરૂપ પ્રાપ્ત કરતાં તેને કરોડો વર્ષ લાગ્યાં છે. પણ ઉત્ક્રાંતિ પછીના વિકાસની ઝડપ સરખામણીએ ઘણી વધુ રહી છે. પહેલાં સતત ભટકતું જીવન ગાળતો માનવ સ્થિર થયો એ સાથે સંસ્કૃતિનો વિકાસ થતો ગયો. જો કે, સંસ્કૃતિના નામે તેણે વધુ તો યુદ્ધો જ કર્યાં છે. સમાંતરે બીજી અનેક કળાઓ, વિદ્યાઓ વિકસતી ગઈ. ભાષા મૂળ તો પ્રત્યાયન માટે શોધાઈ હશે, પણ ધીમે ધીમે તેમાંથી લિપિનો ઉદ્ભવ થતો ગયો, જે સરવાળે સાહિત્યના સર્જનમાં ઉપયોગી બની રહી.
માનવજાતની ઉત્ક્રાંતિના ઈતિહાસની સરખામણીએ સાહિત્ય પ્રમાણમાં નવું કહી શકાય, છતાં તે જીવનનું, સભ્યતાનું અને ભદ્રતાનું એક અનિવાર્ય અંગ ગણાય છે. કુદરતના અન્ય જીવો- પ્રજાતિઓમાં પોતાને સૌથી ઉપર ગણવાનાં માનવજાત પાસે સબળ અને પૂરતાં કારણો છે. ધીમે ધીમે તે અન્ય સજીવોનો અભ્યાસ કરી રહ્યો છે એમ તેને કુદરતનાં અનેકવિધ રહસ્યો ઉકલતાં જણાય છે ત્યારે એ સ્વીકાર કરવો જરૂરી બની રહે છે કે પોતે ભલે બધી રીતે સર્વશ્રેષ્ઠ હોય, અન્યો જરાય ઊતરતાં નથી. ખાસ તો, પોતે જે પ્રજાતિમાંથી વિકસીને માનવમાં રૂપાંતરિત બન્યો એ વાનરમાં એવી અનેક બાબતો, પદ્ધતિઓ તેની પરના અભ્યાસ દરમિયાન જોવા મળતી આવી છે, જે સૂચવે છે કે તેઓ પણ ઘણા બુદ્ધિશાળી છે.
વાનરની એક જાતિ છે બોનોબો નામની. એમ મનાય છે કે વિખવાદોના ઉકેલ કે નિવારણમાં અસરકારક પ્રત્યાયન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ એક પાસું એવું છે કે માનવજાત એમ માને છે કે એ પોતાની અનન્યતા છે. અલબત્ત, વિખવાદોના ઉકેલને બદલે તેને વધારવામાં પણ આવું પ્રત્યાયન અસરકારક રહે છે એ વળી જુદી કળા થઈ. ‘સાયન્સ’નામની એક અમેરિકન વિજ્ઞાનપત્રિકામાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાયું છે કે બોનોબો વાનરો પણ માનવની આ અનન્ય કહી શકાય એવી ક્ષમતા ધરાવે છે. એટલે કે તેઓ સંકુલ અર્થ ધરાવતાં સંકેતોનો પ્રત્યાયન માટે વિનિયોગ કરે છે. સંવનન તેમજ તંગ સામાજિક પરિસ્થિતિ દરમિયાન બોનોબો દ્વારા ઉપયોગમાં લેવાતાં વિવિધ સંકેતો માનવ દ્વારા ઉપયોગમાં લેવાતા જટિલ વાક્યબંધારણ જેવા હોય છે. પોતાની આ ક્ષમતાનો ઉપયોગ તેઓ ‘શાંતિની શોધ’માટે કરતાં જણાયા છે.
આ અભ્યાસને લઈને ઉત્ક્રાંતિને લગતી અત્યાર સુધીની પ્રચલિત માન્યતા હલબલી ગઈ છે. એ માન્યતા મુજબ, ઉત્ક્રાંતિ એટલે ક્રૂર અને હિંસક પ્રક્રિયા, એટલે કે ‘બળિયાના બે ભાગ’તરીકે ઓળખાતો સિદ્ધાંત. જાણીતા ઓસ્ટ્રેલિયન વિજ્ઞાની રેમન્ડ ડાર્ટના ‘કીલર એપ’સિદ્ધાંત અનુસાર, માનવઉત્ક્રાંતિ હિંસા અને મારી નાખવાની ક્ષમતાને લઈને આગળ વધી છે. બુદ્ધિશાળી માનવ એવા હોમો સેપિયન્સ સાથે નિકટતા ધરાવનાર ચિમ્પાન્ઝીઓ અંદરોઅંદર તેમજ અન્યો સાથે હિંસા આચરતા હતા.
તેમની સરખામણીએ બોનોબો સ્પર્ધા નહીં, પણ સહયોગને પસંદ કરે છે અને બોનોબોનું ડી.એન.એ. માનવ સાથે નવ્વાણું ટકા સામ્ય ધરાવે છે. બોનોબોને ચિમ્પાન્ઝીઓનો જ એક પ્રકાર માનવામાં આવે છે. ’હીપ્પી એપ્સ’તરીકે ઓળખાતા બોનોબો વાનરો એકમેકને વળગીને, વાટાઘાટો કરીને તેમજ હિંસા આચરવાને બદલે પ્રેમ અને ભૌતિક સુવિધાને પ્રાધાન્ય આપીને ટકી રહ્યા છે. ટકી રહેવા માટે સ્પર્ધા યા એકમેકને મારી નાખવાને બદલે તેમની પાસે બીજો વિકલ્પ છે, જે દયામાયા, સહયોગ અને પ્રત્યાયનના પાયા પર ઊભેલો છે.
એક લાંબા અરસા સુધી માનવો ચિમ્પાન્ઝીમાં પોતાનું પ્રતિબિંબ નિહાળતા રહ્યા હતા અને માનતા રહ્યા કે આગળ વધવા માટે હિંસાનો માર્ગ જ અસરકારક છે. માનવસંસ્કૃતિનો અત્યાર સુધીનો ઈતિહાસ લોહિયાળ રહ્યો છે. શાંતિના સમયગાળાની સરખામણીએ યુદ્ધનો સમયગાળો કદાચ ટૂંકો હોય તો પણ શાંતિના સમયગાળા પર તેની ઘેરી અસર રહી છે અને શાંતિ પણ સાપેક્ષ રહી છે. બોનોબો અને તેમની જીવનશૈલીમાં હિંસા યા ધિક્કાર કેન્દ્રસ્થાને નથી. તેઓ સંસાધનોને નષ્ટ કરતાં નથી. અભ્યાસમાં જણાવાયા મુજબ તેઓ અન્યોને તેમના રાત્રિઆવાસ બનાવવા માટે પ્રેરે છે.
બોનોબોના જીવન પર થયેલો આ અભ્યાસ પહેલાં તો એ માન્યતાને તોડે છે કે માનવ અનન્ય તેમજ સર્વશ્રેષ્ઠ છે. કેમ કે, બુદ્ધિશાળી હોવાનો માપદંડ ખરું જોતાં તો એ બુદ્ધિનો શો ઉપયોગ થાય છે એ મુજબ હોવો ઘટે અને એ માપદંડમાં માનવ હંમેશાં ઊણો ઊતર્યો છે. માનવ હંમેશાં વિભાજનમાં માને છે. શાસકોએ આ વૃત્તિને જ વકરાવી છે. આ વિભાજન ધર્મ, દેશ, જાતિ, વર્ણ, લિંગ કે બીજા કશાના આધારે કરાવી શકાય. ઈતિહાસ આનો સાક્ષી રહ્યો છે. લોભ અને સ્વાર્થ, ધિક્કાર અને તિરસ્કાર માનવની મૂળભૂત વૃત્તિઓ હોય એમ જણાય છે. આવી વૃત્તિ વ્યાપકપણે જોવા મળે છે એટલે જ ઈસુ, બુદ્ધ, ગાંધી જેવા અહિંસાના આરાધકોનું મૂલ્ય વધુ છે.
આદિ કાળથી ચાલી આવતી આ વૃત્તિ ટેક્નોલોજીની સાથે વધુ ને વધુ વકરતી ચાલી છે. ભૌગોલિક સીમાડા સંકોચાતા જાય છે એમ માનવમનના સીમાડા પણ સંકોચાતા જાય છે. જાતિગત, ધર્મગત, વર્ણગત ઓળખ ભૂંસાવાને બદલે વધુ ને વધુ દૃઢ બનતી રહી છે. માનવની મૂળભૂત વૃત્તિ કોકના પર ચડી બેસવાની, કોકને કચડવાની, કોકના પર રાજ કરવાની રહી છે. કોઈક ક્રૂર રાજ્યવ્યવસ્થા સામે લડવા સૌ એકમેક સાથે સહયોગ સાધે તો પણ નવું આવેલું શાસન એ જ મૂળભૂત વૃત્તિને અનુસરે છે. પોતાના પૂર્વજ એવા બોનોબોની જીવનશૈલીને અનુસરવામાં માનવને કદાચ અહં ઘવાતો જણાય, પણ એ હકીકત છે કે માનવ પાસે સભ્યતાનો કેવળ અંચળો જ રહ્યો છે. એવે વખતે કોઈ વ્યક્તિને આદર્શ બનાવવાને બદલે બોનોબો વાનરને અનુસરવા જેવું ખરું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.