સુરજદાદા સોળે કળાએ ખીલ્યા હોય,એપ્રિલ મહિનામાં પરીક્ષા પતે એટલે વેકેશનનો પ્રારંભ થાય. સુરતની શેરીઓ બાળકોથી ઉભરાવા માંડે. બાળકને ઉંઘમાંથી ઉઠાડી પૂછવામાં આવે કે તારે વેકેશનમાં ક્યાં જવું છે? તે એક પણ ફરવા લાયક સ્થળ યાદ નહિ કરે, બાળક કહેશે વેકેશનમાં મામાને ઘરે જવું છે. વેકેશનમાં બાળકોનું એક જ પ્રિયસ્થાન એટલે મામાનું ઘર. સુરતી બાળકોનું મામા ઘર એક પરામાંથી બીજા પરામાં હોય. વેકેશનમાં મામાના ઘરે અડધો ડઝન ભાણેજો રહેવા આવતા હતા કારણકે પહેલાના સમયમાં સંયુક્ત કુટુંબ હોવાથી ચાર–પાંચ ભાઈ બહેનનો પરિવાર સામાન્ય કહેવાતું. સવારે મામા નાસ્તો લાવતા, જે બધા ભાણેજો ટોળે વળી ખાતા, સવારથી રાત સુધી શેરીઓમાં રમતો રમતા હતા.
ક્રિકેટ, ગિલ્લી દંડા, કાચની લખોટીઓ અને ભમરડાની રમતો રમાતી. બપોરે બહુ તાપ પડે એટલે ઓટલા પર પાના રમતા. બપોરે બરફના ગોલાવાળો ઘંટા વગાડતો આવે એટલે નાની પાસે પૈસા લઈ બરફના ગોલા ખાતા. મામા ઝાંપાબજારથી હલવાના નાના પડીકા લાવતા તે પણ ખાવાની મજા કઈ અલગ હતી. ઉનાળાના ફળો ખાવાનો ખૂબ આનંદ આવતો. રાત્રે ચૂર્ણવાળો આવે બધા ચૂર્ણ ખાતા. આખો દિવસ રમતો રમી રાત્રે થાકી જતા. બધા ભાણેજોની એક સાથે પથારી લાગતી અને રાત્રે પણ મજાક મસ્તી કરી સુવાની મજા આવતી. આજે વેકેશન પણ ટૂંકા થઈ ગયા છે. સમર કેમ્પ, પિકનિક અને ટુરમાં જવાથી શારિરીક રમતો વિસરાઈ ગઈ છે. મોબાઈલના કારણે બાળપણ ઘરની ચાર દિવાલની વચ્ચે કેદ થઈ ગયું છે. શેરી મોહલ્લામાં બાળકોના બુમબરાડા ઓછા સંભળાય છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
