વડોદરા: સ્વચ્છતા હી સેવા અંતર્ગત રાજ્યભરમાં આગામી બે માસ સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ રહી છે. વડોદરા જિલ્લામાં પણ અનેક લોકો સ્વચ્છતા શ્રમદાનમાં જોડાઈ રહ્યા છે. નિવૃત્ત સરકારી કર્મયોગી અશોકભાઈ પરમારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહ્વાન અનુસાર સ્વચ્છતા શ્રમદાન આપી રહ્યા છે. વાત છે અહીંયા કરજણ તાલુકાના ધાવટ ગામના ગુજરાત સરકારના નિવૃત્ત કર્મયોગી અશોકભાઈ પરમારની. પોતાના ફરજ દરમ્યાન કર્તવ્યનિષ્ઠ અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજો પ્રત્યે ખૂબ જ સજાગ હોવાની સાથે આકંઠ પ્રકૃતિ પ્રેમી એવા અશોકભાઈ સ્વચ્છતા શ્રમદાન મહાયજ્ઞમાં જોડાયા છે.
કદાચ પોતે જે શ્રમદાન કરી રહ્યા છે તે અંગે બીજા લોકો પણ જાણે અને પ્રોત્સાહિત કરે એવી કોઈ લાલસા રાખ્યા વિના સવારમાં સૂર્યોદય પહેલા જ જાહેર રસ્તો એકલા હાથે સાફ કરી રહ્યા છે. પોતાના ઘરથી ગામના બસ સ્ટેન્ડ સુધી આશરે ૧૦૦ મીટર અંતરના જાહેર રસ્તાને સાફ કરવા માટે કોઈ આવશે અને તેમની મદદ કરશે તો સમુહ સફાઈ કરી શકાય એવી કોઈ પણ અપેક્ષા વિના યથાશક્તિ પોતાના સ્વચ્છતાના સંકલ્પને પરિપૂર્ણ કરી રહ્યા છે.
સ્વચ્છતાના સંકલ્પ વિશે જણાવતાં તેઓ કહે છે કે સ્વચ્છતા એક સંસ્કારના સિંચન કરતા સમયે પેઢી દર પેઢી મળતી ભેટ છે.આવનાર પેઢીને સ્વચ્છતાનું મહત્વ સમજાવવા માટે યુવાનો તથા વડીલોએ ઉત્સાહભેર સ્વચ્છતા ઝુંબેશમાં જોડાવું જરૂરી છે.દરેક વ્યક્તિએ જાહેર જગ્યાએ નહિ પરંતુ પોતાના ઘર તથા તેની આસપાસની જગ્યાને સાફ રાખવાનો સંકલ્પ રાખે એ પણ ખુબજ મોટું યોગદાન કહેવાશે.ગાંધી જયંતિ નિમિતે પણ અશોકભાઈએ આજ રીતે શ્રમદાનમાં જોડાયા હતાં.ઘરની બહાર આસપાસની સફાઈ તથા વિવિધ વૃક્ષોનું જતન કરવું તેમની રોજિંદી પ્રવૃત્તિ છે.