ચાલના વિવિધ પ્રકાર. જેમાં એક કપટી શકુનિની ચાલ. જેના પ્રતાપે સમગ્ર કૌરવકુળનો નાશ થયેલો. આમ તો ચાલ એટલે કાનૂન, પ્રથા, રસમ કે શિરસ્તો. ચાલવાની રીત કે પદ્ધતિ એટલે ગતિ. સંગીતમાં પણ ચાલ-ઢાળ આવે. રમતમાં દાવ-પેચ આવે. માણસની ઓળખ માટે ચાલ-ચલગત, વર્તણુંક અગત્યની બને. અડપલું કે અટકચાળુ પણ એક ચાલ છે. વિશ્વાસ વિશ્વનો શ્વાસ હોવાં છતાં લોભ કે મોહને કારણે છેતરપિંડી, છળકપટ, દગો-ફટકો કરનારને ઓળખવામાં મુશ્કેલી પડે છે. આવી કૂટ નિતી, દાવપેચવાળી કાર્યપદ્ધતિ એટલે કપટ નિતી.
ચાલ-દાવપેચવવાળું વર્તન કરનાર આજુબાજુમાં હોય પણ ખબર પડતી નથી. આજે સાચા-ખોટાના ખેલમાં એક ચાલ છે-પીઠ પાછળ ઘા, ભરોસાની પીઠમાં ખંજર. ઘા એવી રીતે થાય તે વ્યક્તિને કલ્પના બહારનું જણાય. દોસ્તી પાછળ પણ વ્યક્તિગત સ્વાર્થ હોય શકે. સામી વ્યક્તિના મનને આઘાત આપી, નીચે પાડવાની એક ચાલ છે. આવા કામ કરનારની ઓળખ એટલે હાજી હા કરનાર ખુશામતખોર. તારીફ કરીને પોતાનું કામ કાઢી લે છે. જેવું પોતાનું કામ થઈ જાય એટલે જેની ખુશામત કરી હોય તે વ્યક્તિ માટે ખરાબ બોલવાનું શરૂ કરી દે. આવી વ્યક્તિઓ પૈસાદાર પાસે કે ઉચ્ચ પદ હોય તેમની આગળ-પાછળ વધુ જોવા મળે. આવી વ્યક્તિ મનથી મેલી હોય છે. આવી વ્યક્તિઓને દૂરથી સલામ કરવી જોઈએ. ખુશામત અને કદરદાની વચ્ચેના પારદર્શક પડદાને હટાવવો જોઈએ. ચાલો સારા-સાચા માનવીની સંગત કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.