દુનિયામાં બધાં લોકો એકબીજાની સાથે સંકળાયેલા છે અને પરસ્પારવલંબી છે. કોઈ ભલેને એમ મને કે મારે કોઈની જરૂર નથી, તો એ એના ભ્રમ સિવાય કશું નથી. ખરેખર તો આખી દુનિયા આપણા હિત, આપણા સુખ અને આપણી સુવિધા માટે કાર્ય કરી રહી છે. આ વાતના સમર્થનમાં એક જ ઉદાહરણ પૂરતું છે કે જો એક દિવસ સાફસફાઈ કરનારા કર્મચારીઓ ઉપલબ્ધ ન બને તો કેવી પરિસ્થિતિ ઉદભવે છે? એનો આપણને ખ્યાલ છે જ. એવું જ અન્ય તમામ કાર્યો વિશે પણ કહી શકાય…. આ ક્ષણે કરોડો લોકો અનેકો પ્રકારનું કાર્ય કરી રહ્યા છે.
આમ, વિશાળ પરિપ્રેક્ષ્યમાં આપણે અન્યો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ કેળવીએ એ જરૂરી છે. આપણે અન્યો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ ન રાખીએ તો એમને કોઈ ફેર પડતો નથી પણ એનાથી આપણને એક સંતોષ જરૂર પ્રાપ્ત થઈ શકે છે. આ સમગ્ર વિચારના સંદર્ભમાં (કદાચ )ચંદ્રકાંત બક્ષીસાહેબે કહેલી એ વાતનું સ્મરણ થાય છે કે પક્ષી આકાશમાં ઊડે છે એ માત્ર પોતાની પાંખોના જોરે નહીં….એટલે કે એમાં અન્ય પરિબળો જેવાં કે ખુલ્લું આકાશ, અનુકૂળ વાતાવરણ,કોઈનું પ્રોત્સાહન….વગેરે જેવાં અનેક પરિબળો ભાગ ભજવતાં હોય છે.વ્યક્તિગત રીતે પણ જોઈએ તો કૃતજ્ઞતા એ ખાનદાની છે. આપણે કૃતજ્ઞતા કેળવવી જોઈએ કે કૃતઘ્ની બનવું જોઈએ. તમામ વાતનો સાર એટલો જ કે કૃતજ્ઞતા કેળવીએ ફાયદો આપણને જ છે!
નવસારી – ઇન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.